વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ના પ્રમોશન માટે આજે દિલ્હીમાં મુખ્યમંત્રીનો રોડ શો

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ સંદર્ભે આવતીકાલે તારીખ ૨૫ નવેમ્બર-2021ના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારા રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ લેશે. જ્યારે દિલ્હીમાં આવતીકાલે સવારે ૯ થી સાંજે ૭ દરમ્યાન ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો – અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-ર૦૨૨ સંદર્ભે બેઠકો યોજશે.

આવતીકાલ તા. 25મી નવેમ્બર-21ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ-૨૦૨૨ સંદર્ભે રોડ શોમા સહભાગી બનશે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા વિદેશ મંત્રી એસ. જયશંકર પણ સહભાગી થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૌશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના નવીનતમ ક્ષેત્રો- ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરશે અને 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપશે.

આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ ગુરૂવારે સાંજે મળશે, અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૨૨ વિષયક માહિતી આપશે.

આ બેઠકોમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકોમાં ભાગ લઇ રાત્રે ગાંધીનગર પરત ફરશે.

દુબઇ અને અબુધાબી ખાતે યોજાનારા રોડશોમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે દેશ વિદેશમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે., ફ્રાન્સ, જાપાન, દુબઈ, અબુધાબી તથા મિડલ-ઇસ્ટના દેશોમાં વિવિધ વિભાગના સચિવો રોડ શો માટે જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.૮ અને ૯મી ડિસેમ્બરના રોજ દુબઇ અને આબુધાબી ખાતે રોડ શોમાં સહભાગી થશે. જ્યારે દેશભરના વિવિધ ૬ જેટલા રાજ્યોના મેટ્રોપોલિટન શહેરમાં પણ રોડ શોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત મુંબઇ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલોર ખાતે યોજાનાર રોડ શોમાં મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.

Related Posts