Entertainment

વેબસિરિઝની પસંદ હવે બોલિવુડમાં ‘શોભિ(તા)’

જેનું નામ જ શોભિતા હોય તે ફેમિના મિસ ઇન્ડિયા ને પછી મિસ અર્થ-૨૦૧૩ બને તો બહુ નવાઇ ન લાગે. પણ શોભિતા ધૂલીપલા તેની બ્યુટી વડે જ ફિલ્મના પડદાને જીતવા નથી માંગતી. તે પોતાના પાત્રો પ્રમાણે બદલાઇ શકે છે અને જયારે ઇમોશન્સ દર્શાવે ત્યારે ભુલી જવાય કે તે ફકત બ્યુટીફૂલ છે. ફિલ્મોમાં આવવાની એક શરત સૌંદર્ય હોવાની હોય તો તેની પાસે છે પણ અભિનય બાબતે તે ગંભીર છે. અનુરાગ કશ્યપે તેને ‘રામન રાઘવ ૨.૦’ માં નવાઝુદ્દીન સિદ્દીકીને અને વિકી કૌશલ સામે પ્રથમવાર તક આપી પણ કામ દરમ્યાન જોયું કે શોભિતા ખૂબ ગંભીર રીતે કામ કરે છે. નવી પેઢીની એકટ્રેસ જાણે છે કે નબળા કામથી લાંબુ ટકી ન શકાય. પહેલી જ ફિલ્મે તેને તેલુગુ જાસૂસી ફિલ્મ ‘ગુદાચરી’માં તક અપાવી અને તેમાંય તેની ટેલેન્ટ છૂપી ન રહી શકી.

મિસ ઇન્ડિયાથી આરંભ કરી મોડલિંગ અને પછી ફિલ્મોમાં આવી ગયેલી શોભિતા કહે છે કે, ‘હું કયાંય પણ રહી કામ કરું પણ અંદરથી હું તમિલ છોકરી જ છું.’ રેખા, શ્રીદેવી, જયાપ્રદાની જેમ તે પોતાની જગ્યા બનાવવા ઉત્સુક શોભિતા અત્યારે એ માટે પણ ખુશ છે કે મણી રત્નમ દિગ્દર્શિત ‘પોનિયન સેલ્વન’ માં કામ કરી રહી છે. અલબત્ત, તે તેલુગુ ફિલ્મ છે પણ તેમાં ઐશ્વર્યા રાય, રજનીકાંત, વિક્રમ સહિત અનેક સ્ટાર્સ છે.

અભિનેત્રી માટે કામમાં ગો થતા રહેવું મહત્વનું છે અને એટલે જ તે અમુક જ પ્રકારની ફિલ્મોનો આગ્રહ નથી રાખી. ‘ધ બોડી’ ફિલ્મ તેણે ઇમરાન હાશ્મી સાથે કરેલી અને તે એજ નામની સ્પેનીશ ફિલ્મની રિમેક હતી. ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ અનુરાગ કશ્યપની હતી. જે વિષય અને પાત્ર સરસ મળે તો તે વેબસિરીઝને ય ના નથી પાડતી. તેણે ‘મેડ ઇન હોવન’ વેબસિરીઝ એટલા માટે કરેલી કે તે ઝોયા અખ્તર અને રીમા કાગતીની હતી. એજ રીતે ‘બાર્ડ ઓફ બ્લડ’ નામની સ્પાય થ્રીલર પણ તેણે કરેલી કારણકે તેના દિગ્દર્શક રિભુ દાસગુપ્તા હતા. જે ફિલ્મોમાં કામ કરી ચુકી છે તે વિશે તે કહે છે કે તે એવી જ ફિલ્મો છે કે જે મને જોવી ગમે. હું એવી ફિલ્મોમાં કામ નથી કરતી જે પ્રેક્ષક તરીકે મને પોતાને જ ન ગમે.

શોભિતા નવા દિગ્દર્શકો સાથે વધારે કામ કરે છે અથવા એમ કહી શકાય કે નવા દિગ્દર્શકોને શોભિતા ગમે છે. તેણે ‘સિતારા’ નામની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે જેનું દિગ્દર્શન વંદના કતારિયાએ કર્યું છે. વંદનાએ આ પહેલાં ઝોયા અખ્તરની ‘ગલીબોય’ થી માંડી દિબાંકર બેનર્જી કે જેણે ‘ઓયે લકી! લકી ઓયે!’ બનાવેલી તેની સાથે પ્રોડકશન ડિઝાઇનર તરીકે કામ કરેલું. કોરોનાને કારણે અનેક ફિલ્મોની રિલીઝ અટકી પડી છે. એટલે તે કશું બોલતી નથી પણ ‘સિતારા’ ડિજીટલ રિલીઝ માટે નકકી છે. હવે કયારે તે ખબર નથી. લોકોને ઘરે બેઠા ફિલ્મ જોવા મળે એટલે જોશે જ એવું ન કહી શકાય.

Most Popular

To Top