Comments

ભારત સાથે વણસતા સંબંધો વચ્ચે ચીન માલદીવમાં પગદંડો જમાવી રહ્યું છે

ગયા રવિવારે ભારતે માલદીવમાંથી પોતાના સૈન્ય કર્મચારીઓના પ્રથમ બેચને પરત બોલાવી લીધી. લગભગ ૮૦ ભારતીય સૈનિકોને તબક્કાવાર પાછા ખેંચવા માટે પ્રમુખ મોહમ્મદ મુઇઝુએ મે ૨૦૨૪ સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. આ સૈન્ય કર્મચારીઓ માલદીવમાં બે હેલિકોપ્ટર અને વર્ષો પહેલાં દાનમાં આપેલા નાના વિમાનની જાળવણી અને સંચાલન માટે તૈનાત હતા.

ભારતીય સૈનિકોને હટાવવાની ઝુંબેશ મુઇઝુ દ્વારા ચૂંટણી દરમિયાન ચલાવવામાં આવી હતી, જે પછી તેઓ નવેમ્બરમાં સત્તામાં આવ્યા હતા. લાંબા સમયથી માલદીવ પર ભારતનો પ્રભાવ રહ્યો છે. માલદીવ હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે જેના થકી હિંદ મહાસાગરના એક મહત્ત્વપૂર્ણ ભાગ પર દેખરેખ રાખી શકાય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે, જેનું કારણ મુઈઝુનું ચીનતરફી અને ભારતવિરોધી વલણ છે.

કેટલાક વિશ્લેષકો ચેતવણી આપે છે કે માત્ર પાંચ લાખની વસતી ધરાવતું માલદીવ બે એશિયન સત્તાની હરીફાઈમાં ફસાઈ શકે છે. ચીને છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વિકાસ માટે માલદીવને એક અબજ ડોલરથી વધુની લોન આપી છે. ચીન અને માલદીવ બંનેએ જાન્યુઆરીમાં તેમના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તરફ વધાર્યા હતા જ્યારે મુઇઝુ ચીનની મુલાકાતે ગયા હતા. માલદીવના અગાઉના નેતાઓથી વિપરીત મુઇઝુએ હજુ ભારતની મુલાકાત લીધી નથી.

ગયા અઠવાડિયે માલદીવની સરકારે ચીન સાથે લશ્કરી સહાય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના કારણે ભારતની ચિંતામાં વધારો થયો છે. એક સભાને સંબોધતાં, મુઇઝુએ જણાવ્યું હતું કે ચીન વિના મૂલ્યે બિનઘાતક શસ્ત્રો આપશે તેમજ માલદીવનાં સુરક્ષા દળોને તાલીમ આપશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભારત અને અમેરિકાએ માલદીવના સૈન્યને તાલીમ આપી છે. આ પહેલી વાર છે, જ્યારે માલદીવે લશ્કરી સહાય માટે ચીન સાથે સંરક્ષણ કરાર કર્યા છે.

ગયા મહિને, મુઇઝુએ ભારતના વિરોધ છતાં ચાઇનીઝ સંશોધન જહાજને માલે ખાતે ડોક કરવાની મંજૂરી આપી હતી. આ જહાજ ડેટા એકત્રિત કરવાનું એક મિશન હોઈ શકે છે, જેનો ઉપયોગ ચીન દ્વારા પછીથી સબમરીન કામગીરીમાં થઈ શકે છે. ભારતે પણ માલદીવની નજીક ભારતીય દ્વીપસમૂહ લક્ષદ્વીપમાં એક નવું નૌકાદળ શરૂ કર્યું છે. ભારતીય નૌસેનાએ જણાવ્યું હતું કે મિનિકોય ટાપુમાં આઈએનએસ જટાયુ પશ્ચિમ અરબી સમુદ્રમાં ચાંચિયાગીરી અને નશીલા પદાર્થો વિરોધી કામગીરીને આગળ વધારશે. જો કે ઘણા આને માલદીવ માટે એક સંદેશ તરીકે જુએ છે.

મુઈઝુના ભારતવિરોધી પગલાએ તેમના દેશમાં પણ ઘણાની ચિંતા વધારી છે. માલદીવ આવશ્યક ખાદ્ય પદાર્થો, દવાઓ અને બાંધકામ સામગ્રીની આયાત માટે ભારત પર નિર્ભર છે. કોવિડ પછી, માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો. પરંતુ તાજેતરના વિવાદ પછી આ ચિત્ર બદલાયું છે. ભારતીયો દ્વારા માલદીવના બહિષ્કાર માટેની સોશ્યલ મિડિયાની હાકલ પછી મુઇઝુએ ચાઇનીઝ સત્તાવાળાઓને કહ્યું હતું કે તેઓ વધુ પ્રવાસીઓ મોકલવાનું શરૂ કરે. ત્યારથી, ચીની પ્રવાસીઓ મોટી સંખ્યામાં માલદીવની મુલાકાત લઈ રહ્યા છે. ૨૦૨૪ના પ્રથમ બે મહિનામાં માલદીવની મુલાકાત લેનારા લગભગ ચાર લાખ પ્રવાસીઓમાંથી ૧૩% ચીનના હતા. ભારત પાંચમા સ્થાને સરકી ગયું છે.

ચીને માલદીવ્સમાં પગદંડો જમાવવાનું તેજ કર્યું છે. મુઈઝુએ માલદીવના મુખ્ય ૩૬ ટાપુઓ ચીનની પ્રવાસન કંપનીઓને લીઝ પર આપી દીધા છે. ચીનની કંપનીઓ ૧૨ હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ ટાપુઓને પ્રવાસન માટે વિકસાવશે. બીજી બાજુ માલદીવે પહેલી વાર તુર્કી પાસેથી મિલિટરી ડ્રોન ખરીદ્યા છે જેનો ઉપયોગ દરિયાઈ સરહદની સુરક્ષા માટે કરવામાં આવશે. પૂર્વથી પશ્ચિમને જોડતા મહત્ત્વના શિપિંગ રુટ પર આવેલું માલદીવ વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. ભારત અને ચીન બંનેએ તેના પર પ્રભુત્વ જમાવવા કરોડો ડોલરનો ખર્ચ કયો છે. પરંતુ તાજેતરની પરિસ્થિતિ જોતાં ચીન આ મોરચે સફળ થતું દેખાય છે જે ભારત માટે ચિંતાનો વિષય છે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top