Comments

આત્મહત્યા જિંદગીનો અંત છે સમસ્યાનો નહીં

આત્મહત્યા એટલે પરાણે સ્વીકારવામાં આવતું મૃત્યુ. વ્યક્તિ જાતે મોતને ભેટે છે. આજ કાલ યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે.આત્મહત્યા પાછળ ઘણાં કારણો છે. પારિવારિક સમસ્યાઓ,માનસિક રોગ,લવ-અફેર, વ્યસન,વગેરે. આપઘાતનું એક કારણ જેનું કોઈ નામ જ નથી છતાં મોટા પાયે જે આપઘાતના કિસ્સા છે તેમનું કારણ મળતું જ નથી અને એ કારણ એટલે કે આપઘાતનું કારણ કહ્યા વગર જ આપઘાત કરવો. મુદા્ની વાત તો એ છે કે મરનાર વ્યક્તિના ઘરનાં લોકોને જ ખબર નથી હોતી કે આત્મહત્યા શું કામ કરી? જિંદગી જેમ ચાલી રહી હોય છે તેમ ચાલે છે. લોકો પોતાની મસ્તીમાં જીવતાં હોય છે અને અચાનક કોઈ સ્નેહી કુટુંબનો સભ્ય આપઘાત કરે અને સમસ્યા ઉદ્ભવે.

આત્મહત્યા જિંદગીનો અંત જરૂર છે, પરંતુ સમસ્યાનો નહીં. મરનાર વ્યક્તિ તો આ ફાની દુનિયા છોડી જશે  પણ પાછળ જીવતાં સગાં સંબંધી,મા-બાપ સૌ કોઈને મુશ્કેલીમાં મૂકીને જશે. આત્મહત્યાનો વિચાર આવવાનાં ઘણાં કારણો હોય છે. મરનારને લાગે છે કે મારા એકના જવાથી બધું બરાબર થઈ જશે,પણ કશું બરાબર નથી થતું. ઉલ્ટાની સમસ્યામાં વધારો કરે છે.

દેશમાં દર વર્ષે 1.5 લાખ લોકોનાં મોત આત્મહત્યાથી થાય છે. આત્મહત્યાથી દરરોજ 450 લોકોનાં મોત થઈ રહ્યાં છે. આ અભ્યાસ અનુસાર દર કલાકે 18 લોકો આત્મહત્યા કરી રહ્યાં છે. દુ:ખની વાત તો એ છે કે જ્યાં ગીતા અને કુરાનના ગુણગાન  થાય છે, જયાં વેદ-પુરાણોના પાઠ થાય છે, જયાં વિશ્વની સૌથી વધુ વસ્તી યુવાનોની છે ત્યાં મારા ભારતમાં આપઘાત કરનારમાં યુવાનોની સંખ્યા વધુ છે.

આત્મહત્યા પાછળનું કારણ શું? ઘણાં સમજશાસ્ત્રીઓએ સંશોધનો કર્યાં, લેખો લખ્યા. પરંતુ કોઈ ઠોસ સાબૂત કારણ નથી મળ્યું. તેની પાછળ પણ સમાજ જવાબદાર છે. સામાજિક રૂઢિઓ જવાબદાર છે. આજની યુવા પેઢી અને વૃદ્ધ રૂઢિવાદી વડીલો. સમાજમાં પોતાના કુટુંબની બદનામી ના થાય તે માટે પણ ઘણા આપઘાતને સાપ કરડયો કે હાર્ટ એટેકનું રૂપ દેવામાં આવ્યું છે અને આ જ કારણથી જ યુવાન આત્મહત્યા કરવાનું મન થયું એવું કોઈને જણાવી શકતો નથી. પોતાની વ્યથા અને કથાનો પોતાના જીવન સાથે અંત લાવી દે છે. 15 થી 19 વર્ષનાં યુવાનોમાં મૃત્યુનું ચોથું મોટું કારણ આત્મહત્યા છે.

આપઘાત તરફ વધી રહેલા યુવાનોને ટકોર કરવા માટે છે. આમહત્યા જ શા માટે? બીજો કોઈ રસ્તો કેમ નહીં? દરેક સમસ્યાનું સમાધાન છે.બસ તેને થોડો સમય આપો. બાગાયતનો પાક લેતા ખેડૂત ભાઈઓને જુવો. આંબાનું વાવેતર કરે કે તુરંત કેસર આવી નથી જતી. કઠિયાવાડમાં કહેવત છે. દીકરા ઉછેરવા  ને આંબા ઉછેરવા. તો આપણે કોઈ પાસે પાઠ શીખવા નથી જવું પડતું. આપણી પ્રકૃતિ જ આપણને શીખવાડે છે. ભારતીય ઋતુ આપણને જીવનમાં તડકા છાયાનું જ્ઞાન આપે છે. આપણો ધર્મ આપણને શીખવાડે છે 33 કરોડ યોનિમાં ફરીને આ જીવને મનુષ્ય અવતાર મળ્યો છે તો તે એળે ના જાય  અને ઈશ્વરને ગમે તેવું કાર્ય કરીએ.

આત્મહત્યાનો વિચાર આવે તો શું કરવું? આત્મહત્યાના વિચારને સીધો અમલમાં ના મૂકશો. મારી આપ સૌને વિનંતી કે જ્યારે પણ આપઘાતનો વિચાર આવે ત્યારે તેને સમય આપો. જેમ તમારા પૃથ્વી પર અવતરણ માટે તમારા માતા પિતાએ 9 મહિના રાહ જોઈ તેટલી રાહ તમે પણ જુવો. આજના આ આધુનિક યુગમાં નાનાં બાળકોથી લઈ યુવાનો અને વૃદ્ધો પાસે પણ એન્ડ્રોઇડ ફોન છે અને આ ફોન હોય એટલે ફેસબુકમાં જોડાયેલા જ હોય. તો યુવાનો અહીં 1000 મિત્રમાંથી કોઈ એક મિત્ર જોડે તમારા વિચારો રજૂ કરો. તમે જે પગલું ભરી રહ્યા છો તે કેટલું યોગ્ય છે? દરેક સવાલનો એક જવાબ હોય જ હોય.

આપઘાતનો વિચાર આવે ત્યારે અંતર મનને પૂછો કે તમે જે પગલું ભરવા માંગો છો એ યોગ્ય છે? ના, ક્યારેય નહીં. જ્યારે પણ આત્મહત્યાનો વિચાર આવે, વાત બદલી નાખો. જગ્યા બદલી નાખો. હું તો કહું છું કે જ્યારે તમારા જીવનમાં આવી કોઈ ઘડી ઉત્પન થાય તો ગામ બદલી નાખો. જે લોકોને જીવવું છે પણ કિડની નથી,કેન્સર છે,અંધ છે,અપંગ છે એવાં સ્થળોની મુલાકાત લ્યો. વૃધ્ધાશ્રમમાં પુત્ર દ્વારા તરછોડાયેલાં માતા-પિતા જીવી રહ્યાં છે કે મારો દીકરો આવશે.

અનાથાશ્રમની મુલાકાત લો, જે માત્ર ઈશ્વર ભરોસે જીવી રહ્યાં છે. આવાં દીન દુ:ખીની સેવામાં જીવન પસાર કરો. જીવવાની મજા આવશે. જ્યારે તમે કોઈનાં મોટાં દુ:ખો જોશો ત્યારે તમે તમારાં દુ:ખોને ભૂલી જશો એ સો ટકાની ગેરેન્ટી છે. તમારા વિચારો શેર કરો. જીવતાં હશો તો સમાધાન જરૂર મળશે. સમસ્યાના સમાધાનનો અંત મૃત્યુ નહીં, જીવન છે.આપના આપઘાતથી સમાધાન નહીં સમસ્યા જ ઉદ્ભવશે અને આ સામાજિક સમસ્યાઓ રોકવા માટે આત્મહત્યા રોકવી જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top