Entertainment

યુટ્યુબર એલ્વિશ યાદવ પર NDPS એક્ટ લાગુ, સાપના ઝેરના દાણચોરી કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડી

નવી દિલ્હી: યુટ્યુબર એલ્વિશ યાદવની (YouTuber Elvish Yadav) નોઈડા પોલીસે સાપના ઝેરની દાણચોરી (Snake Venom Smuggling case) મામલે ગઇકાલે ધરપકડ કરી છે. એલ્વિશ યાદવને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે એલ્વિશ યાદવને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. યુટ્યુબરને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. એલ્વિશની મુશ્કેલીઓ વધી રહી હોય તેમ જણાય રહ્યું છે.

એલ્વિશ યાદવ ફરી એકવાર મુશ્કેલીઓમાં ઘેરાઇ ગયો છે. નોઈડા પોલીસે કોબ્રા કાંડ કેસમાં યુટ્યુબરની ધરપકડ કરી છે. આ મામલે પોલીસ તેની સતત પૂછપરછ કરી રહી છે. હાલમાં જ નોઈડા પોલીસે સાપના ઝેર સાથે 5 લોકોની ધરપકડ કરી હતી. યુટ્યુબર પર પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાનો આરોપ છે. તેની ધરપકડ બાદ પોલીસે નોઈડા જિલ્લા હોસ્પિટલમાં તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.

આ સિવાય નોઈડા પોલીસે આ કેસના સંબંધમાં એલ્વિશ યાદવને સૂરજપુર કોર્ટમાં રજૂ કર્યો હતો. તેમજ એલ્વિશનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એલ્વિશ પોલીસકર્મીઓ સાથે કોર્ટમાં આવતો જોવા મળે છે અને તેના ચહેરા પર સ્મિત છે.

એલ્વિશ સૂરજપુર કોર્ટમાં પહોંચ્યો
એલ્વિશ યાદવને સૂરજપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સિવાય અગાવ 2 નવેમ્બર, 2023 ના રોજ નોઇડા પોલીસે સેવરન બેન્ક્વેટ હોલ, સેક્ટર 51, નોઇડામાંથી 5 લોકોની ધરપકડ કરી હતી. જેમાં કુલ 9 સાપ ઝડપાયા હતા. જેમાં 5 કોબ્રા, 1 અજગર, 2 બે માથાવાળા સાપ અને એક લાલ સાપનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ એફઆઈઆરમાં એલ્વિશ યાદવનું નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યું હતું.

નોઈડા પોલીસે આપ્યું નિવેદન
પોલીસે જણાવ્યું હતું કે 461/2023 કલમ 284/289/120 B IPC 9/39/48./49/50/51 વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 આરોપી રાહુલ, ટીટુ, જયકરણ, નારાયણ, રવિનાથની ફરિયાદ પર એલ્વિશ યાદવ અને અન્યો સામે પોલીસ સ્ટેશન નંબર 49, નોઈડા ખાતે ફરિયાદ નોંધાયેલ હતી. જેની તપાસ પોલીસ સ્ટેશન નંબર 20 દ્વારા કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન પાર્ટીઓમાં સાપના ઝેરના ઉપયોગ અંગે પુરાવા મળ્યા હતા. જેનો રિપોર્ટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી મળ્યો હતો.

Most Popular

To Top