Entertainment

કેનેડામાં કપિલ શર્માના કૅફે નજીક અંધાધૂંધ ગોળીબારથી સનસનાટી

મુંબઈ સુધી ટાર્ગેટ કરવાની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

પ્રખ્યાત હાસ્ય કલાકાર Kapil Sharma સાથે સંકળાયેલા કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે (Surrey) શહેરમાં આવેલા તેમના Kap’s Cafe નજીક ગોળીબારની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે. આ ઘટનાને પગલે ભારત સહિત સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને મુંબઈમાં કપિલ શર્માની સુરક્ષા વધારવામાં આવી છે.

માહિતી અનુસાર અજાણ્યા હુમલાખોરોએ કેનેડામાં કપિલ શર્માના કૅફે નજીક ગોળીબાર કર્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કૅફેની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગોળીબાર પાછળ ગેંગ સંબંધિત તત્વો સંડોવાયેલા હોવાની આશંકા છે. આ ઘટના પછી સોશિયલ મીડિયા પર કેટલાક ગેંગ સાથે જોડાયેલા વ્યક્તિઓએ હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો હતો. તેમાં ખાસ કરીને Lawrence Bishnoi gang અને તેના સાથીઓના નામ સામે આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.સાથે જ કપિલ શર્માને મુંબઈમાં પણ ટાર્ગેટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

ગોળીબારની આ ઘટના બાદ મુંબઈ પોલીસ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ તરત જ એલર્ટ થઈ ગઈ હતી. પોલીસે કપિલ શર્માના નિવાસસ્થાન ની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે.

અહેવાલો અનુસાર, કપિલ શર્માના કેનેડામાં નવા શરૂ થયેલા કૅફે પર થોડા સમયના અંતરમાં એકથી વધુ વખત ગોળી બારની ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે. કેટલાક કિસ્સાઓમાં 25 જેટલી ગોળીઓ ફાયર કરાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાએ વિદેશમાં રહેલા ભારતીય કલાકારો અને ઉદ્યોગકારોની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા કર્યા છે. બીજી તરફ કેનેડાની સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓ હુમલાખોરોને શોધવા માટે તપાસ તેજ બનાવી છે. ઘટનાને પગલે કપિલ શર્માના ચાહકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે, જ્યારે ભારત અને કેનેડા બંને દેશોની સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલે નજર રાખી રહી છે.

Most Popular

To Top