ઓઈલ ટેન્કર કબજે કરી સોમાલિયા તરફ વાળ્યું, આંતરરાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષા પર ચિંતા
મધ્યપૂર્વ અને આફ્રિકા વચ્ચે આવેલી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ગણાતી Gulf of Aden વિસ્તારમાં ફરી એકવાર સમુદ્રી લૂટારૂઓ સક્રિય બન્યા છે. યમનના દરિયાકાંઠા નજીક અજાણ્યા હથિયારબંદ લૂટારૂઓએ એક ઓઈલ ટેન્કર પર કબજો જમાવી તેને Somalia તરફ દોરી જતાં વૈશ્વિક શિપિંગ સુરક્ષા અંગે ચિંતા વધારી છે.
માહિતી મુજબ, ‘એમટી યુરેકા’ નામનું ઓઈલ ટેન્કર યમનના દક્ષિણ-પૂર્વીય શબ્વા પ્રાંત નજીક એડન ખાડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન વહેલી સવારે હથિયારબંદ હુમલાખોરોએ નાની બોટ દ્વારા ટેન્કર નજીક પહોંચીને તેમાં ચઢાઈ કરી અને જહાજનો કાબૂ મેળવી લીધો. ત્યારબાદ જહાજને સોમાલિયા તરફ દોરી જવામાં આવ્યું હોવાનું યમન કોસ્ટ ગાર્ડે પુષ્ટિ કરી છે.
યમન કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ ટેન્કરનું લોકેશન ટ્રેક કરવામાં આવી રહ્યું છે અને જહાજ તથા તેમાં રહેલા ક્રૂ સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જોકે ક્રૂ સભ્યોની સંખ્યા અને તેમની નાગરિકતા અંગે હજુ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સુરક્ષા એજન્સીઓના સૂત્રો અનુસાર હુમલો એડન ખાડી નજીક કાના બંદર વિસ્તારમાં થયો હતો અને હુમલાખોરો સોમાલિયાના કંદાલા વિસ્તાર નજીકના દરિયાકાંઠા વિસ્તારમાંથી આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વિશેષજ્ઞો માને છે કે છેલ્લા થોડા અઠવાડિયામાં આ વિસ્તારમાં જહાજો પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. માત્ર બે અઠવાડિયામાં આ ચોથી સફળ હાઈજેકિંગની ઘટના હોવાનું કહેવાય છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો માટે જોખમ વધી રહ્યું છે.એડન ખાડી વિશ્વના સૌથી વ્યસ્ત સમુદ્રી વેપાર માર્ગોમાંનો એક ગણાય છે, દરરોજ મોટી સંખ્યામાં ઓઈલ ટેન્કર અને વેપારી જહાજો પસાર થાય છે. આવા હુમલાઓના કારણે વૈશ્વિક શિપિંગ ઉદ્યોગ, વીમા ખર્ચ ,સમુદ્રી સુરક્ષા વ્યવસ્થાઓ પર અસર પડવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
આ ઘટનાએ ફરી એકવાર સોમાલિયા નજીક સમુદ્રી લૂટારૂઓની વધતી સક્રિયતા તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું છે અને આવનારા સમયમાં આ માર્ગ પર સુરક્ષા વધારવાની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની છે.