National

ખેડૂત આંદોલનને પગલે કેન્દ્ર અને પંજાબ સરકાર સામ-સામે, ઝજ્જર પોલીસે કાઢી ફ્લેગ માર્ચ, વીડિયો

નવી દિલ્હી: ખેડૂતોની (Farmers) દિલ્હી માર્ચને (Delhi March) લઈને કેન્દ્ર સરકાર (Central Government) અને પંજાબની (Panjab) ભગવંત માન સરકાર સામ-સામે આવી ગઈ છે. પંજાબ સરકારે (Government of panjab) પત્ર (letter) લખીને કેન્દ્ર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ (Answers) મોકલ્યા છે. આ પત્ર પંજાબના મુખ્ય સચિવે લખ્યો છે. જેમાં માન સરકારે કેન્દ્રને સંપૂર્ણ રીતે જવાબ મોકલવાનો પ્રયાસ કર્યો છે.

પંજાબ સરકારે ગૃહ મંત્રાલય (MHA)ને મોકલેલા તેમના જવાબમાં કહ્યું છે કે આમ કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે રાજ્ય સરકાર શંભુ બોર્ડર અને ધાભી-ગુર્જન બોર્ડર પર લોકોને એકઠા થવાની મંજૂરી આપી રહી છે. મુખ્ય સચિવે પોતાના લેખિત જવાબમાં એમ પણ કહ્યું છે કે ખેડૂતો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા. પરંતુ આંદોલન પર પ્રતિબંધના કારણે તેઓ પંજાબ અને હરિયાણાની સરહદો પર અટકી ગયા છે.

હરિયાણાના બહાદુરગઢમાં પોલીસે ફ્લેગ માર્ચ કાઢી
દરમિયાન હરિયાણાના બહાદુરગઢમાં ઝજ્જર પોલીસે ફ્લેગ માર્ચ કાઢી છે. ખેડૂતો શંભુ બોર્ડર પર હરિયાણા થઈને દિલ્હીમાં પ્રવેશવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

ખેડૂતોને આગળ વધતા રોકવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા
ખેડૂતોના આંદોલન દરમિયાન હરિયાણા પોલીસે શંભુ અને ખનૌરી સરહદે ખેડૂતોને બેરિકેડ તરફ આગળ વધતા રોકવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. તેમજ પંજાબ-હરિયાણા બોર્ડર પર ખનૌરીમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી. જ્યારે હરિયાણા પોલીસે બેરિકેડ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતોને વિખેરવા માટે ટીયર ગેસના અનેક શેલ છોડ્યા હતા.

કેન્દ્રને મોકલેલા પત્ર વાળા જવાબમાં ટીયર ગેસનો ઉલ્લેખ
કેન્દ્રને મોકલવામાં આવેલા જવાબમાં હરિયાણા પોલીસ દ્વારા ખેડૂતો પર ટીયર ગેસના શેલ, રબર બુલેટ અને શારીરિક બળનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હરિયાણા પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બળનો ઉલ્લેખ કરતા પંજાબ સરકારે કહ્યું કે અત્યાર સુધીમાં 160 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમ છતા પંજાબ સરકારે જવાબદારીપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી છે. પંજાબ સરકારે કહ્યું છે કે ખેડૂતો પ્રત્યે વધુ સહાનુભૂતિ દર્શાવવાની જરૂર છે.

ઉપરાંત પંજાબ સરકાર દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવેલ વાટાઘાટોમાં રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માનની ભૂમિકા વિશે પણ વાત કરી છે. કેન્દ્રને મોકલવામાં આવેલા જવાબ મુજબ પંજાબના મુખ્યમંત્રી અત્યાર સુધી યોજાયેલી ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકમાં હાજર હતા. પંજાબના મુખ્ય સચિવે કહ્યું કે પંજાબ પોલીસ વતી ડીઆઈજી રેન્કના અધિકારીઓ અને પીપીએસ અધિકારીઓ સહિત 2000 પોલીસકર્મીઓ શાંતિ જાળવવા માટે સતત કામ કરી રહ્યા છે. સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. પંજાબ સરકારે એમ પણ કહ્યું છે કે જો જરૂર પડશે તો તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

Most Popular

To Top