SURAT

સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગ પ્રદર્શન 2024માં આ વખતે દેશભરમાંથી 182 ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૩, ર૪, રપ અને ર૬ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ– ર૦ર૪’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ ‘ઉદ્યોગ પ્રદર્શન’ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૮૩ વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે, જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧૪મી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ઉદ્યોગ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અંકલેશ્વર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, વાપી, વલસાડ, મુંબઇ, ઠાણે, પૂણે, ગુરૂગ્રામ (હરિયાણા) અને ભોપાલના કુલ ૧૮ર જેટલા એકઝીબીટર્સ દ્વારા પાર્ટીસિપેટ કરવામાં આવ્યું છે.

ઉદ્યોગ એકઝીબીશનમાં ‘૩ E એક્ષ્પો’ તરીકે અલગથી પેવેલિયન ફાળવવામાં આવ્યું છે. જેમાં એનર્જી, એફિશિયન્સી અને એન્વાયરમેન્ટ માટેના પ્રોડકટ તેમજ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે સીટેક્ષ–ર૦ર૩, યાર્ન એક્ષ્પો, સ્પાર્કલ, સુરત સ્ટાર્ટ–અપ સમીટ, SGCCI ગારમેન્ટ એક્ષ્પો, સીટેક્ષ– ર૦ર૪ તથા હેલ્થ એન્ડ વેલનેસ અને ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોનું સફળ આયોજન કર્યું હતું. આ 8 એકઝીબીશનમાં એકઝીબીટર્સને ખૂબ જ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ‘ઉદ્યોગ–ર૦ર૪’ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ર૩ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂક પટેલ પધારશે અને તેમના વરદ હસ્તે ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્‌ઘાટન સમારોહમાં કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન (NPCIL)ના સ્ટેશન ડાયરેકટર અજય કુમાર ભોલે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર ક્ષિતિજ મોહન સ્પેશિયલ ગેસ્ટ્‌સ તરીકે સ્થાન શોભાવશે. જ્યારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટના ડાયરેકટર અરૂણ ચૌધરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના જનરલ મેનેજર એમ.કે. લાદાણી અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડલના પ્રેસિડેન્ટ પરાગ તેજુરા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારશે.

1.10 લાખ ચો.ફૂટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાશે
સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં કુલ ૧,૧૦,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાયું છે. જેમાં ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્‌સ અને સર્વિસિસ પ્રદર્શિત કરાશે.

પહેલીવાર વેર હાઉસ મેનેજમેન્ટ કેટેગરી સામેલ કરાઈ
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સના ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં વેર હાઉસ મેનેજમેન્ટ માટે કટીંગ એજ હાર્ડવેર સોલ્યુશન સિસ્ટમ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ, એનર્જી સેવીંગ માટે હીટ પમ્પ હોટ વોટર હાય પ્રેશર સિસ્ટમ, સ્કેલ ફ્રી હિટ પમ્પ અને ર૪ કલાક હોટ વોટર સિસ્ટમ પ્રદર્શિત થનાર છે. એક છત્ર નીચે બધા જ પ્રકારના પીઓએસ સોલ્યુશનનું પ્રદર્શન કરવામાં આવશે. ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, એમ્બ્રોઇડરી, ડેરી એન્ડ બેકરી, હોટેલ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે જરૂરી દરેક પ્રકારના વેન્ટીલેશન સિસ્ટમનું અહીં પ્રદર્શન કરાશે.

‘ઉદ્યોગ– ર૦ર૪’ પ્રદર્શનના ચેરમેન ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટમાં ઓટોમેશન એન્ડ રોબોટિકસ, એસી એન્ડ ડીસી ડ્રાઇવ્સ, કેબલ્સ, સ્વીચ ગિયર્સ, ઇન્વર્ટર, યુપીએસ અને બેટરી વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે. એન્જીનિયરીંગ એન્ડ અલાઇડ સેગમેન્ટમાં મશીન ટૂલ્સ, ગિયર્સ એન્ડ મોટર્સ, ટેક્ષ્ટાઇલ એન્સીલરી, કોમ્પ્રેશર, પમ્પ્સ એન્ડ વાલ્વ, કટીંગ ટૂલ્સ, મશીન ટૂલ્સ એસેસરીઝ, એકસકલુઝીવ લેસર એન્ડ એડીટીવ મેન્યુફેકચરીંગ, વેલ્ડીંગ ઇકવીપમેન્ટ એન્ડ કોન્સુમેબલ્સ, પાવર ટૂલ્સ એન્ડ ફાસ્ટનર, ઇન્ડસ્ટ્રીયલ હાર્ડવેર મટિરિયલ હેન્ડલીંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્‌સ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરિટી, હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને એર પોલ્યુશન કન્ટ્રોલ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

સર્વિસ સેગમેન્ટમાં બેન્કીંગ, ફાયનાન્સ એન્ડ ઇન્સ્યુરન્સ, ટૂરીઝમ, લોજિસ્ટીક એન્ડ વેર હાઉસિંગ અને આઇટી સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવશે. જ્યારે રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં સોલાર એનર્જી, વીન્ડ એનર્જી, બાયો–એનર્જી, હાઇડ્રો એનર્જી, જનરેટર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇલેકટ્રો કેમિકલ વિગેરે દરેક ઇન્ડસ્ટ્રી સબંધિત એનર્જી સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે સંવાદ યોજાશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૬ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સાંજે ૪:૪પ કલાકે SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે સંવાદ યોજાશે. જેમાં રાજ્યપાલશ્રી ઉદ્યોગકારો, વેપારીઓ અને યુવાઓને પ્રાકૃતિક જીવનની આવશ્યકતા, પ્રકૃતિ છે તો જીવન છે, આર્થિક પ્રગતિ સાથે પ્રાકૃતિક જીવનની સંકલ્પના તથા ઉદ્યોગ – ધંધા અને પ્રાકૃતિક જીવનનું સંતુલન વિશે માર્ગદર્શન આપશે.

‘ડિફેન્સ ક્ષેત્રે બિઝનેસની તકો’ વિષય પર અવેરનેસ સેશન યોજાશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ર૩ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ બપોરે રઃ૦૦ કલાકે સંહતિ બિલ્ડીંગ, સરસાણા, સુરત ખાતે ‘ડિફેન્સ ક્ષેત્રે બિઝનેસની તકો’ વિષય પર અવેરનેસ સેશન યોજાશે. જેમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટના ડાયરેકટર અરૂણ ચૌધરી કી–નોટ સ્પીકર તરીકે સુરતના ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત પૂણેની સિન્કથ્રેડ્‌સ કોમ્પ્યુટીંગ પ્રા.લિ.ના ફાઉન્ડર ડાયરેકટર ૠષભ ગોરડીયા પણ નિષ્ણાંત તરીકે ઉદ્યોગકારો અને વેપારીઓને માર્ગદર્શન આપશે.

થ્રી પીલર્સ ઓફ સસ્ટેનેબિલિટી વિશે સેશન યોજાશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ર૩ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે ‘થ્રી પીલર્સ ઓફ સસ્ટેનેબિલિટી વિશે સેશન યોજાશે. જેમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના પૂર્વ ચેરમેન આદર્શ કુમાર ગોયેલ અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના મેમ્બર સેક્રેટરી ડી.એમ. ઠાકર સુરતના ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપશે.

Most Popular

To Top