SURAT

CCTV: સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનને કારે જોરદાર ટક્કર મારતા બે પલટી મારી ગઈ

સુરત(Surat) : સુરતમાં આજે સવારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં અલથાણ કેનાલ રોડ (Althan Canal Road) પરથી એક સ્કૂલવાન (School Van) ટર્ન મારી રહી હતી ત્યારે પૂરઝડપે દોડતી કિઆ કારના ચાલકે ટક્કર મારતા 40 ફૂટ દૂર ફંગોળાઈને સ્કૂલવાન પલટી મારી ગઈ હતી. વાનની અંદર 10 વિદ્યાર્થી (Student) બેઠાં હતાં. તે પૈકી 1 બાળકીને ગંભીર ઈજા થતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે મંગળવારે તા. 13-9-2022ના રોજ સવારે નિયત સમય અનુસાર શારદાયતન (ShardaYatan) વિદ્યાલયના વિદ્યાર્થીઓને લઈ એક સ્કૂલવાન સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે અલથાણ કેનાલ રોડ ચાર રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. સોહમ સર્કલ તરફથી બ્રેડલાઈનર સર્કલ તરફ જતી કિઆ કારનો ચાલક ખૂબ પૂરઝડપે પોતાની કાર દોડાવી રહ્યો હતો. સર્કલ પર સ્કૂલ વાન ટર્ન રહી હતી ત્યારેકીઆ કાર સીધી સ્કૂલ વાનને જઈ અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલ વાન 40 ફૂટ દૂર ઢસડાયા બાદ પલટી મારી ગઈ હતી. અકસ્માત થયો ત્યારે સ્કૂલ વાનમાં 10 બાળકો બેઠાં હતાં. તે તમામ ગભરાઈ ગયા હતા. એક નાની વિદ્યાર્થીનીને ગંભીર ઈજા થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

કીઆ કાર પણ લેફ્ટ સાઈડ ટર્ન મારી ગઈ હતી. કીઆના ચાલક અને રાહદારીઓ તરત જ સ્કૂલ વાન તરફ દોડી ગયા હતા. વાન પલટી મારી ગઈ હોય અંદર બેઠેલો ડ્રાઈવર અને વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં મુશ્કેલી થઈ રહી હતી. સાક્ષાત મોત જોઈ લીધું હોય તે રીતે વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા. ઈજાગ્રસ્ત 4 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં વાલીઓ દોડી આવ્યા હતા. કીઆ ચાલકની સામે લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. અકસ્માતની જાણ થતાં ખટોદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. સ્કૂલ વાનના ડ્રાઈવરની ફરિયાદ લઈ ખટોદરા પોલીસના એમ.વી. રાઠોડે તપાસ હાથ ધરી છે. રાઠોડે કહ્યું કે, જીજે-05-RN-3523 કિઆ કાર અને શારદાયતન વિદ્યાલયની સ્કૂલ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક બાળકી ઈજાગ્રસ્ત છે. તેની સારવાર ચાલી રહી છે.

દોઢ વર્ષમાં 6 અકસ્માત
સુરત મનપા દ્વારા આરસીસીના સપાટ રોડ બનાવી દેવાયા ત્યાર બાદ વાહનચાલકો પૂરઝડપે વાહનો હંકારી રહ્યાં છે જેના લીધે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. અલથાણ કેનાલ રોડના સર્કલ પર પણ આવી જ સ્થિતિ છે. અહીં છેલ્લાં દોઢ વર્ષમાં 5થી 6 અકસ્માત થયા છે. અગાઉ એક અકસ્માતમાં પોલીસ કર્મચારીનું મોત થયું હતું જ્યારે અન્ય એક હીટ એન્ડ રનની ઘટનામાં શાકભાજીના લારીનો ચાલક હવામાં ફંગોળાયો હતો. સ્થાનિક રહીશો અહીં બમ્પર મુકાય તેવી માંગણી કરી રહ્યાં છે.

Most Popular

To Top