Gujarat

સુરત સાડી ખરીદવા જતા રાજસ્થાનના 6 લોકોને વડોદરાના રસ્તા પર મોત મળ્યું, 17 ઘાયલ

વડોદરા: રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ તરફ જતી લક્ઝરી બસ આજે સવારે વડોદરામાં કપૂરાઈ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ઘઉં ભરેલા એક ટ્રેલર સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં બસમાં બેઠેલાં 6 મુસાફરોના કચડાઈ જવાના લીધે મોત થયા હતા. તમામ મૃતકો રાજસ્થાનના બાસવાડા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ખાનગી બસમાં બેસી દિવાળીની ખરીદી કરવા માટે સુરત જતા હતા. મૃતક સંદીપ સાડીઓનો વેપાર કરતો હતો, જેથી ખરીદી માટે સુરત જવા નીકળ્યો હતો. તેની સાથે ગામના બીજા લોકો પણ સાડીઓ ખરીદવા માટે સુરત જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ મોત મળ્યું હતું. જ્યારે અન્ય 17 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં એક બાળક, બે મહિલા અને 3 પુરુષના મોત થયા હોવાની વિગતો બહાર આવી છે.

  • વડોદરાના કપૂરીયા ચોકડી પાસે અકસ્માત
  • ટ્રેલરને ઓવરટેક કરવા જતા બસ ચાલકે અકસ્માત સર્જયો
  • ઘઉંના ટ્રેલરનો ડ્રાઈવર ગભરાઈને ભાગી છૂટ્યો
  • બસનો કચ્ચરઘાણ નીકળી ગયો
  • મુસાફરોને બહાર કાઢવા બસના પતરાં કાપવા પડ્યાં
  • પોલીસ અને 108 ના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી

પ્રાપ્ત માહિતી અનુસાર બસના ડ્રાઈવરે વહેલી સવારે ઘઉં ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેલરનો ડ્રાઈવર ભાગી છૂટ્યો છે. ખાનગી બસના ચાલકે ઓવરટેકની ઉતાવળમાં ઘઉં ભરેલા ટ્રેલરને અથડાવી હતી. કપૂરાઈ ચોકડી પાસેના હાઈવે પર ખાનગી બસના ચાલકો ફૂલસ્પીડમાં ડ્રાઇવિંગ કરતા હોવાની અનેક ફરિયાદો સ્થાનિકો દ્વારા કરાઈ છે તેમ છતાં તંત્ર દ્વારા ધ્યાન અપાતું નથી. અકસ્માત બાદ મુસાફરોને બસમાંથી કાઢવા માટે બસના પતરાં કાપવા પડ્યાં હતાં. બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ અકસ્માતમાં સંદીપ કચોરીલાલ કલાલ, કિસાન, શાંતિ નાઈ, સુનિતા નાઈ અને એક 25 વર્ષીય મહિલાનું મોત થયું છે. જ્યારે કિશન નિલેશ રાવલ, જયંતીલાલ ગેરતજી યાદવ, કિશોરભાઈ મણિલાલ રાવલ, સુમિત ભરતભાઇ રાઠોડ, મેઘરાજ ગોપીકિશન પંચાટીયા, સાહિરામ શ્રવનરામ જાટ, પુનજીબેન હીરાલાલ રાવલ, હુકભાઈ ગૌતમભાઈ ન્યાયી, રમીલાબેન ભરતભાઇ રાઠોડ, ભરતકુમાર નંદલાલ રાઠોડ, અજાણ્યો પુરુષ બાળક, લતાબેન સંદીપભાઈ કલાલ, પૂનમબેન કૈલાશભાઈ પોરવેલ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Most Popular

To Top