Business

મંત્રમુગ્ધ વાક્છટાને તેજસ્વી અધ્યાત્મ ચિંતન એટલે – સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદનું નામ લગભગ દરેક વ્યકિતએ સાંભળ્યું હશે કારણ કે ઈતિહાસના પુસ્તકમાં તેમનો થોડો ઘણો પરિચય જરૂરથી વાંચ્યો હશે. તેમનો જન્મ બંગાળ પ્રાંતના કલકત્તા (હાલનું કોલકાતા) નગરમાં થયો હતો. આગામી તા. 12મી જાન્યુઆરી તેમનો જન્મદિવસ છે અને લોકો તે દિવસને સ્વામી વિવેકાનંદ જયંતી તરીકે ઓળખે છે. સ્વામીજીએ નાની ઉંમરમાં જ બહુ મોટી નામના મેળવી હતી. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર હતું. બચપનથી જ તેઓ બાહોશ, નીડર અને વિચક્ષણ બુદ્ઘિના હતા. તેઓ ભણવામાં પણ બહુ હોંશિયાર હતા. એવું કહેવાય છે કે તેમની યાદશક્તિ એટલી તીવ્ર હતી કે કોઈ પણ પુસ્તકનું પાનું એક વખત વાંચી જાય પછી તેમને કંઠસ્થ થઈ જતું હતું, તેથી તેઓ એ પાનું ફાડી નાંખતા હતા. વિવેકાનંદજીમાં લીડરશીપના ગુણો નાનપણથી જ ખીલ્યા હતા, તેથી સ્કૂલના છોકરાંઓ તેમની આજુબાજુ ફરતા હતા. સ્વામી વિવેકાનંદ બહુ સાધારણ પરિવારમાં જન્મ્યા હતા તેથી ભારે મહેનતુ અને મુસીબતોનો સામનો કરવાથી ટેવાયેલા હતા. તેઓ કાયમ ભગવાં કપડાં પહેરતા અને માથે પાઘડી પહેરતા હતા.

તેમનું મુખારવિંદ સૂર્ય સમાન તેજસ્વી હતું. તેમની વાણી તથા અવાજમાં ગજબનો જાદુ હતો. ભલભલા લોકો તેમના પ્રભાવશાળી વ્યકિતત્વ તથા વાકછટાથી મંત્રમુગ્ધ થતા હતા. ફક્ત 21 વર્ષની નાની ઉંમરમાં તેમણે અમેરિકાના શિકાગો શહેરમાં પહેલવહેલી વખત એક લાખ જનમેદનીને સંબોધી હતી અને પોતાનો આત્મવિશ્વાસ તથા પ્રભાવશાળી પ્રતિભાનો પરચો આપી પોતાની નવી અને અલગ ઓળખ ઊભી કરી હતી. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા અને રામકૃષ્ણ મિશનમાં પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો હતો. તેમણે ખાસ કરીને યુવાવર્ગને તથા તરવરિયા નૌજવાનોને મહેનત તથા પરિશ્રમની પરિભાષા શીખવી હતી.

તેઓ સદા કહેતાં કે યુવાની જ મહેનત કરવાનો અને નામ કમાવાનો મોકો છે, ઘડપણ તો પ્રભુભક્તિ માટે સર્જાયેલું છે. જે યુવાનો હતોત્સાહી અને નિરૂત્સાહી જણાતા તેવા નૌજવાનોમાં સ્વામી વિવેકાનંદે મેડીટેશન કર્યું હતું અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આજે પણ તેમની સ્મૃતિમાં તે ખડકને સ્વામી વિવેકાનંદ મેમોરિયલ રોક તરીકે ઓળખવામાં આવે છે. કન્યાકુમારી ફરવા જતાં તમામ સહેલાણીઓ આ મેમોરિયલ રોકની મુલાકાતે અવશ્ય જાય છે. તેમનું જીવન એકદમ સાદું અને સરળ હતું, તેમને કોઈ ભભકો કે આડંબર પસંદ ન હતા. આપણામાં અદબ રાખીને ઊભા રહેવાની પ્રથા અને શિસ્ત આવી તે સ્વામી વિવેકાનંદને આભારી છે. આપણે તેમની કોઈ પણ તસ્વીર જોઈશું તો તેઓ આપણને અદબ વાળેલી સ્થિતિમાં જોવા મળશે.

સ્વામીજીએ જગ ઉપયોગી ઘણાં બધાં સૂત્રો આપેલાં છે, તે તમામ સૂત્રોને સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્રો તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે અગ્નિ પેટાવવાથી દૂધ ગરમ થાય છે. રસોઈ તૈયાર થાય છે, માટીનાં કાચાં વાસણો પાકાં બને છે તેવી રીતે તેમના અગ્નિમંત્રોનું પઠણ અને રટણ કરવાથી માનવીમાં નવચેતનાનો સંચાર થાય છે અને આગમાં તપીને સોનું જેટલું નિખાર આપે તેવો નિખાર આ અગ્નિમંત્રો પઢેલા વ્યકિતઓમાં અવશ્ય જોવા મળે છે. સ્વામી વિવેકાનંદે પોતાના વક્તવ્યમાં કહેલું છે કે ‘‘મિત્રો તમારી જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તમારી જીભ તોછડી હશે તો હરગિઝ નહીં ચાલે’’. વિવેકાનંદજીનો કહેવાનો ભાવાર્થ હતો કે  આથી જ સ્વામી વિવેકાનંદ હંમેશાં કહેતાં કે ઓછું બોલો પણ મીઠું અને મૃદુ બોલો.

એક જ સારો શબ્દ બોલવાથી કોઈ સાથે કાયમના સંબંધો બંધાય જાય છે, જ્યારે એક શબ્દ પણ ભૂલથી ખોટો બોલાઈ જાય તો કોઈ સાથે કાયમના સંબંધો બગડી જાય છે. સ્વામી વિવેકાનંદે પોતાના અન્ય વક્તવ્યમાં કહ્યું છે કે ‘‘જે વ્યકિતએ ધન ખોયું તેણે કશું જ ગુમાવ્યું નથી, જે વ્યકિતએ પોતાનું સ્વાસ્થ્ય ખોયું તેણે થોડુંક ગુમાવ્યું છે, પરંતુ જે વ્યકિતએ પોતાનું ચારિત્ર્ય ગુમાવ્યું તેણે જીવનમાં સર્વસ્વ ગુમાવ્યું છે’’ મતલબ કે ચારિત્ર્યહીન વ્યકિત સાવ નિમ્ન અને ઊતરતી કક્ષાનો છે અને પશુ સમાન છે. કોઈ પણ માણસનું ચારિત્ર્ય એ એની મહામૂલી મૂડી છે. આમ સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભા ધરાવતી વિરલ વિભૂતિ હતા. તેમનું નિધન ફક્ત પાંત્રીસ વર્ષની ઉંમરમાં જ થયું હતું પરંતુ આટલી નાનકડી ઉંમરમાં પણ તેઓ માનવજાતને થોડામાં ઘણું શીખવાડી ગયા છે.
– યોગેશ આર. જોષી

Most Popular

To Top