National

પશ્ચિમ બંગાળ: Cyclone Remal નો સામનો કરવા તંત્ર તૈયાર, કોલકાતા એરપોર્ટ સોમવાર રાત સુધી બંધ

કોલકાતા: (Kolkata) બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત રેમલ (Cyclone Remal) તિવ્ર વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રેમલ આજે મધ્ય રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપાડામાં લેન્ડફોલ કરશે. 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાને કારણે કોલકાતા એરપોર્ટ રવિવારે બપોરે 12 વાગ્યાથી સોમવારે રાત્રે 9 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં 394 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રેમલ ઉત્તર બંગાળની ખાડી પર તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે અને તે ખેપુપારાથી લગભગ 290 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને સાગર દ્વીપના 270 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં આવેલું છે. NDRF પૂર્વીય ક્ષેત્રના કમાન્ડર ગુરમિન્દર સિંઘે જણાવ્યું હતું કે ચક્રવાત રેમલ આજે મધ્યરાત્રિએ લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. IMDની આગાહી મુજબ લેન્ડફોલ સમયે પવનની સતત ગતિ 120-130 કિમી પ્રતિ કલાકની રહેશે. તેમણે કહ્યું કે અત્યાર સુધી દક્ષિણ બંગાળમાં NDRFની 14 ટીમો તૈનાત કરવામાં આવી છે. અમે મધ્યમ, ભારે અને તીવ્ર વરસાદની અપેક્ષા રાખી શકીએ છીએ. આ સુપર સાયક્લોન અમ્ફાન જેટલું ગંભીર નહીં હોય. અમે ઇચ્છીએ છીએ કે સંવેદનશીલ વસ્તીને ચક્રવાત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવે. હાલમાં દરિયામાં કોઈ માછીમારો નથી.

ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનર સત્યબ્રત સાહુએ રેમલ વાવાઝોડાને લઈને કહ્યું કે છેલ્લા 4-5 દિવસથી અમે બંગાળની ખાડીમાં ચક્રવાત રેમલ પર નજર રાખી રહ્યા છીએ. અમને આઈએમડી તરફથી મળેલી માહિતી અનુસાર તે અડધી રાત્રે લેન્ડફોલ કરશે. ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આજે વરસાદ થઈ રહ્યો છે. જોકે તેનાથી ગભરાવાની જરૂર નથી. બચાવ કામગીરી અંગે કલેક્ટર કહી રહ્યા છે કે તેઓ તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આઈએમડીના વૈજ્ઞાનિકે ચક્રવાત વિશે માહિતી આપી
આઇએમડીના વૈજ્ઞાનિક ડો. સોમનાથ દત્તાએ ચક્રવાત રેમલ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની અને 26 મેની મધ્યરાત્રિની આસપાસ બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન પવનની મહત્તમ ગતિ 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જે 135 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

ચક્રવાતને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની 12 ટીમો બનાવવામાં આવી છે. આ સાથે કોલકાતામાં 15 ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો બનાવવામાં આવી છે. કોલકાતા પોલીસની દરેક 10 ડિવિઝનમાં એક ટીમ છે. લાલબજારમાં અને પોલીસ ટ્રેનિંગમાં બે ટીમો છે. દરેક ટીમમાં 7 સભ્યો છે. તેમની પાસે વૃક્ષો કાપવા માટે આરી સહિત તમામ જરૂરી સાધનો છે. નવાન્નમાં એક ખાસ કંટ્રોલ રૂમ પહેલેથી જ ઉભો કરવામાં આવ્યો છે. કટોકટીના કિસ્સામાં કંટ્રોલ રૂમ નંબર 1070 અને (033) 2214 3535 પર સંપર્ક કરી શકાય છે.

Most Popular

To Top