World

યુએન એજન્સીએ પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનથી 670 લોકોના મોતની આશંકા જતાવી

મેલબોર્નઃ (Melbourne) પાપુઆ ન્યુ ગીનીમાં (Papua New Guinea) થયેલા મોટા ભૂસ્ખલનમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ આશંકા વ્યક્ત કરી છે કે અત્યાર સુધીમાં 670 લોકોના મોત થયા છે. જો કે શરૂઆતમાં માત્ર 100 લોકોના મોતના અહેવાલ હતા. બીજી તરફ પાપુઆ ન્યુ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન નુકસાન અને મૃત્યુનું મૂલ્યાંકન કરવા અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને પણ સ્વીકાર્યું છે કે મૃત્યુઆંક વધુ હોવાની સંભાવના છે.

સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનમાં મોટી સંખ્યામાં લોકો માર્યા જવાની સંભાવના વ્યક્ત કરી છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) એ રવિવારે અનુમાન લગાવ્યું હતું કે પાપુઆ ન્યુ ગિનીમાં મોટા ભૂસ્ખલનમાં 670 લોકોના મોતની આશંકા છે. જ્યારે સ્થાનિક અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું કે ભૂસ્ખલનને કારણે 100 લોકોના મોતની આશંકા છે. દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્રમાં યુએન સ્થળાંતર એજન્સીના મિશનના વડા સેરહાન અક્ટોપ્રાકે જણાવ્યું હતું કે સુધારેલ મૃત્યુઆંક યામ્બલી ગામ અને એન્ગા પ્રાંતીય અધિકારીઓની ગણતરી પર આધારિત છે કે શુક્રવારના ભૂસ્ખલનથી 150 થી વધુ મકાનો દટાયા હતા. જ્યારે અગાઉ 60 ઘરો દટાયા હોવાનો અનુમાન હતો.

તેમનો અંદાજ છે કે 670 થી વધુ લોકો કાટમાળની નીચે દટાયેલા છે. અક્ટોપ્રાકે શુક્રવારે એસોસિએટેડ પ્રેસ (એપી) ને જણાવ્યું હતું કે ભૂસ્ખલનમાં 100 લોકો મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. રવિવાર સુધીમાં માત્ર પાંચ મૃતદેહ અને અન્ય એક વ્યક્તિનો પગ મળી આવ્યો હતો. પપુઆ ન્યુ ગિનીમાં રવિવારે રાહત કાર્ય ચાલુ રહ્યું હતું અને બચાવ કાર્યકર્તાઓ બચેલા લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહ્યા હતા.

લોકો 20 થી 26 ફૂટના કાટમાળ નીચે દટાયા હોઈ શકે છે
સહાય કર્મચારીઓએ છ થી આઠ મીટર (20 થી 26 ફૂટ) કાટમાળ અને ભૂગર્ભમાં રહેલા કાટમાળ નીચે લોકોને જીવતા શોધવાની આશા છોડી દીધી છે તેવું અક્ટોપ્રાકે જણાવ્યું હતું. દરમિયાન દક્ષિણ પેસિફિક ટાપુની સરકાર વિચારણા કરી રહી છે કે શું તેને સત્તાવાર રીતે વધુ આંતરરાષ્ટ્રીય સમર્થનની વિનંતી કરવાની જરૂર છે. દેશની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં એન્ગા પ્રાંતમાં શુક્રવારે ભૂસ્ખલનથી લોકો દટાયા હતા.

પીએમ જેમ્સ મારાપે કહી આ વાત
પીએમ જેમ્સ મારાપે કહ્યું હતું કે ભૂસ્ખલનથી હાઈવે બંધ થઈ ગયો છે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવા માટે હેલિકોપ્ટરની મદદ લેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. વડા પ્રધાન જેમ્સ મારાપે જણાવ્યું હતું કે આપત્તિ અધિકારીઓ, સંરક્ષણ દળ અને વર્ક્સ અને હાઇવે વિભાગ રાહત અને બચાવની કામગીરીમાં મદદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં લોકો કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢતા જોવા મળે છે. ચારે બાજુ મોટા પથ્થરો અને તૂટેલા ઝાડ પડેલા દેખાય છે.

Most Popular

To Top