National

ગૂગલ મેપ જોઈ કાર ચલાવવાનું ભારે પડ્યું, નદીમાં જઈ પડી: કેરળની ઘટના બાદ પોલીસે આપી આ ચેતવણી

કેરળ: વિશ્વભરમાં ગૂગલ મેપની સર્વિસ એ ખૂબ લોકપ્રિય છે. લગભગ તમામ વાહનચાલકોએ ક્યારેક ને ક્યારેક અજાણ્યા રસ્તા પર આગળનો માર્ગ શોધવા માટે ગૂગલ મેપની સેવાનો ઉપયોગ કર્યો હશે. પરંતુ તાજેતરમાં કેરળમાં જે ઘટના બની છે તે વાહનચાલકો માટે આંખ ઉઘાડનારી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ગૂગલ મેપ પર આંખ બંધ કરી વિશ્વાસ કરવો જેવો નથી.

ખરેખર પ્રવાસીઓનું એક ગ્રુપ ગૂગલ મેપની મદદથી આગળનો રસ્તો શોધી કાર ચલાવી રહ્યાં હતાં. હૈદરાબાદથી નીકળેલા આ ટુરિસ્ટ દક્ષિણ કેરળમાં પોતાની કાર હંકારી રહ્યાં હતાં, ત્યારે ગૂગલ મેપ પર આંખ બંધ કરી વિશ્વાસ મુકી અજાણ્યા રસ્તા પર કાર હાંકવાનું આ ટુરિસ્ટ ગ્રુપને ભારે પડ્યું હતું. તેમની કાર દક્ષિણ કેરળના કુરુપંતારા નદીમાં જઈને ખાબકી હતી. આ માહિતી તા. 25 મે ને શનિવારના રોજ દક્ષિણ કેરળની પોલીસે જાહેર કરી હતી. આ સાથે જ પોલીસે ગૂગલ મેપ પર વિશ્વાસ કરનારાઓ જોગ ચેતવણી પણ જાહેર કરી હતી.

કાર નદીમાં કેવી રીતે પડી?
આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી, જ્યારે એક મહિલા સહિત ચાર લોકોનું ગ્રુપ અલપ્પુઝા તરફ જઈ રહ્યું હતું. આ વિસ્તારમાં ભારે વરસાદ હોવાથી તેઓ જે માર્ગ પર મુસાફરી કરી રહ્યા હતા તે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. ટુરિસ્ટના આ ગ્રુપને તે વિસ્તાર વિશે વધુ જાણકારી ન હતી. તેથી તેઓ ગૂગલ મેપ (Google Maps) દ્વારા બતાવેલા રસ્તા પર કાર ચલાવી રહ્યાં. જોકે તેમની કાર નદીમાં જઈ પડી ગઈ હતી. પેટ્રોલિંગ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી કારમાં સવાર ચારેય લોકોને બચાવી લેવાયા હતા. આ અકસ્માતમાં તેની કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

આ પહેલા પણ આ અકસ્માત થયો છે
કેરળમાં આ અકસ્માત તેના પ્રકારનો પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ ગૂગલ મેપ્સના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં જ એક કાર અકસ્માતમાં બે ડોક્ટરોના મોત થયા હતા. બંને ગૂગલ મેપ્સ દ્વારા બતાવેલ રૂટ પર ચાલી રહ્યા હતા અને તેમની કાર નદીમાં પડી હતી.

કેરળ પોલીસે ચેતવણી જાહેર કરી
આ મામલાઓને ધ્યાનમાં રાખીને કેરળ પોલીસે ચેતવણી જાહેર કરી છે. પોલીસે ચોમાસાની ઋતુમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અંગે લોકોને ચેતવણી આપી છે. જો તમે પણ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરો છો અને અજાણ્યા રૂટ પર મુસાફરી કરી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે

Most Popular

To Top