National

દક્ષિણમાં વરસાદ અને ઉત્તરમાં કાળઝાળ ગરમી: કેરળમાં વરસાદને કારણે 11નાં મોત, રાજસ્થાનમાં 13નાં મોત

ભારતના લોગો આ દિવસોમાં હવામાનની અસરનો સામનો કરી રહ્યાં છે. ભારતના ઉત્તરીય વિસ્તારોમાં હિટવેવ (Heat Wave) અને ગરમીનું તિવ્ર મોજું છે. બીજી તરફ દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદે (Rain) વિનાશ વેર્યો છે. ઉત્તર ભારતમાં ચોમાસાના આગમનમાં હજુ વિલંબ છે. હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભારત માટે રેડ એલર્ટ અને કેરળના કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

દેશમાં એક તરફ અનેક રાજ્યો ભારે ગરમીની મારથી પરેશાન છે ત્યારે કેરળમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓએ તબાહી મચાવી છે. કેરળના ઘણા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે કેરળના સાત જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કેરળમાં વરસાદને કારણે 11 લોકોના મોત થયા છે.

બીજી તરફ નૌતાપ શરૂ થતાં જ રાજસ્થાનમાં ગરમીનું મોજું વધુ ઉગ્ર બન્યું છે. શુક્રવારે ફલોદીનું તાપમાન 49 થી ઉપર રહ્યું હતું. આકરી ગરમીના કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. જ્યારે જોધપુરમાં તાપમાન 47.6, ગંગાનગર 46.6, બિકાનેર 45.8, બાડમેર 48.2, જેસલમેર 48.3 નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 72 કલાકમાં મહત્તમ તાપમાનમાં વધુ વધારો થવાની ચેતવણી આપી છે. આ સમયગાળા દરમિયાન જોધપુર, બિકાનેર, ઉદયપુર અને કોટા ડિવિઝનમાં તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી વધી શકે છે.

  • કેરળના આ સાત જિલ્લામાં 6 થી 11 સેમી વરસાદનું એલર્ટ
  • તિરુવનંતપુરમ
  • કોલ્લમ
  • અલપ્પુઝા
  • એર્નાકુલમ
  • કોઝિકોડ
  • કન્નૂર
  • કાસરગોડ

કેરળમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત
કેરળના કેબિનેટ મંત્રી કે રાજને કહ્યું કે 9 થી 23 મે સુધીમાં રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 11 લોકોના મોત થયા છે. જેમાં 6 લોકોના ડૂબી જવાથી, એક મકાન ધરાશાયી થવાથી અને બે લોકો વીજળી પડવાને કારણે મૃત્યુ પામ્યા હતા. શનિવારે ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. લોકોને રજાઓ દરમિયાન તેમના બાળકોને તળાવ કે નદીઓ પાસે ન જવા દેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ, પોલીસ અને મહેસૂલ વિભાગ ઈમરજન્સી માટે એલર્ટ પર છે. NDRFની બે ટીમો પણ તૈનાત છે. શુક્રવાર સાંજ સુધીમાં રાજ્યમાં આઠ રાહત શિબિરો બનાવવામાં આવી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણામાં હીટ વેવની સ્થિતિ રહેશે. અહીં ચાર દિવસ સુધી ગરમ પવન ફૂંકાઈ શકે છે. વિભાગે રાજસ્થાન અને ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. પંજાબ માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં આગામી ચાર દિવસ માટે હીટ વેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

Most Popular

To Top