National

દિલ્હીના બેબી કેર સેન્ટરમાં આગ: 6 નવજાતના મોત, હોસ્પિટલના માલિકની ધરપકડ

દિલ્હીના (Delhi) વિવેક વિહારમાં એક બેબી કેર સેન્ટરમાં શનિવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 6 બાળકો (Child) દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. તેમજ 5 બાળકોને રેસ્ક્યૂ કરાયા હતા. દિલ્હી પોલીસે આજે રવિવારે ન્યુ બોર્ન બેબી કેર હોસ્પિટલના માલિકની ધરપકડ કરી છે. બીજી તરફ ઘાયલ બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આ ઘટનામાં આગ લાગે તે પહેલા જ એક બાળકનું મોત નીપજ્યું હતું. તમને જણાવી દઈએ કે 7 મૃત બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટનામાં ત્યાં પાર્ક કરેલી 16 ગાડીઓમાં પણ આગ લાગી હતી.

દિલ્હીના વિવેક વિહાર સ્થિત બાળકોની હોસ્પિટલમાં 25મી મે શનિવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં છ નવજાત બાળકોના મોત થયા હતા. 5ને બચાવી લેવાયા છે. બે માળની બિલ્ડીંગના પહેલા માળે ન્યુ બોર્ન બેબી કેર સેન્ટર હતું. તેમાં કુલ 12 બાળકોનો ઇલાજ ચાલી રહ્યો હતો. દિલ્હી ફાયર સર્વિસ ચીફ અતુલ ગર્ગે જણાવ્યું કે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. જોકે પ્રાથમિક તપાસમાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. બેબી કેર સેન્ટરની નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરકાયદેસર ઓક્સિજન સિલિન્ડર રિફિલિંગનું કામ ચાલી રહ્યું હતું.

દરમિયાન દિલ્હી પોલીસે ન્યૂ બોર્ન બેબી કેર હોસ્પિટલના માલિક નવીનની ધરપકડ કરી છે. આ દરમિયાન હોસ્પિટલમાં આગની ઘટનાની જાણકારી મેળવવા ફોરેન્સિક ટીમ અને ડીસીપી શાહદરા સુરેન્દ્ર ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. દિલ્હી પોલીસે બાળ હોસ્પિટલના માલિક નવીન કીચી વિરુદ્ધ આઈપીસી કલમ 336 (અન્યની વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવી), 304A (બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે) અને 34 (ગુનાહિત પ્રવૃત્તિ) હેઠળ એફઆઈઆર નોંધી છે. તે પશ્ચિમ વિહારનો રહેવાસી છે.

શ્વાસ રૂંધાવાથી બાળકોના મોત થયા
ફાયર ઓફિસરે કહ્યું કે તેમને રાત્રે 11:30 વાગ્યે આગની માહિતી મળી હતી. ફાયરની કુલ 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં જ્વાળાઓ ઉપરના માળે અને નજીકની બે ઈમારતોમાં ફેલાઈ ગઈ હતી. બેબી કેર સેન્ટર સુધી જવા માટે બહારથી એક સર્પાકાર લોખંડની સીડી છે. તેમાં પણ આગ લાગી હતી. બેબી કેર સેન્ટરમાં દાખલ 12 બાળકોમાંથી એકનું આગ પહેલા જ મોત થયું હતું. ધુમાડો શ્વાસમાં લેવાના કારણે અન્ય 11 બાળકોની હાલત ગંભીર બની હતી. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકોએ લાકડાની સીડીઓ પર ચઢીને અન્ય 11 બાળકોને બારીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાં સુધીમાં 6 બાળકો ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જીટીબી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

બચાવી લેવામાં આવેલા 5 બાળકોને એડવાન્સ એનઆઈસીયુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાળ હોસ્પિટલની બંને બાજુની બે રહેણાંક ઇમારતોમાંથી 11-12 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં જ ત્રણ માળ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર સર્વિસે લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

Most Popular

To Top