SURAT

કોરોનાના લીધે રત્નકલાકારોના પગારમાં ઘટાડો ત્યારે હીરા ઉદ્યોગમાં તેજી

સુરત: કોરોનાની ( corona) પ્રથમ ( first wave ) અને બીજી લહેરને ( second wave) લીધે નાના અને મધ્યમ હરોળના અનેક હીરાના કારખાનાઓ બંધ રહ્યા હતા. પરંતુ યુરોપના દેશોમાં અને ગલ્ફમાં કોરોનાની રસીનો કાર્યક્રમ સફળ રહ્યા પછી સ્થિતિ સુધરતા હીરા ઝવેરાત ઉદ્યોગમાં બીજી લહેર પછી તેજી જોવા મળી રહી છે. નાણાકિય વર્ષ 2020-21 દરમિયાન માત્ર સુરતથી 154 ટકા નિકાસ વધી છે. અને કુલ એક્સપોર્ટ ( export) 3327 કરોડ પર પહોંચ્યો છે. પરંતુ હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોનો પગાર વધ્યો નથી.

કોરોનાની પ્રથમ લહેર વખતે હીરાના કારખાનેદારોએ 25થી 35 ટકા પગાર ઘટાડા સાથે કારીગરોને રાખ્યા હતા. તે જ પગાર તેજીના સમયે ચાલી રહ્યો છે. તેને લઇને ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને ( diamond worker union) કારખાનાના માલિકો, લેબર વિભાગ અને રાજ્ય સરકારને પત્ર લખી રત્નકલાકારોને મૂળ પગાર ફરી આપવા રજૂઆત કરી છે. ગુજરાત ડાયમંડ યુનિયન વર્કર યુનિયન પ્રમુખ રમેશ જીલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે પત્રમાં જણાવ્યું છે કે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં આર્થિક સંકડામણને લીધે સુરત સહિત રાજ્યમાં ઘણા રત્નકલાકારોએ આપઘાત કર્યો છે. બીજી તરફ જીજેઇપીસીના જે આંકડાઓ જાહેર થયા છે તે દર્શાવે છે કે હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે. એવી સ્થિતિમાં રત્નકલાકારોના કોરોના કાળમાં ઘટેલા પગાર પણ વધવા જોઇએ.

કોરોનામાં મજબુરીને કારણે રત્નકલાકારોએ ઓછા પગારમાં કામ કરવુ પડયું છે. મોટા ભાગના રત્નકલાકારોને હજી પણ લોકડાઉન ( lockdown) નો પગાર મળ્યો નથી. જે રત્નકલાકારોએ જીવ ટૂકાવ્યા છે તેમના પરિવારજનોને પણ કોઇ રાહત સરકાર દ્વારા આપવામાં આવી નથી. હીરા ઉદ્યોગમાં અત્યારે 20 ટકા કારીગરોની ઘટ છે કારણ કે કારીગરો વતન પલાયન કરી ગયા છે. ઉદ્યોગમાં મજૂર કાયદા હેઠળ કારીગરોને સોશિયલ સિક્યોરીટી મળતી ન હોવાથી ઘણા કારીગરો પાછા આવવા માગતા નથી. સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રો હીરા ઉદ્યોગમાં માત્ર કારખાનેદાર શેઠિયાઓનો વિકાસ પુરતો મર્યાદિત રહી ગયો છે. જો કારીગરોનો મૂળ પગાર તેમને નહીં મળે તો આગામી દિવસોમાં સંગઠનને આંદોલન કરવાની ફરજ પડશે. એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે

Most Popular

To Top