World

કરાચીમાં બોમ્બ બ્લાસ્ટ: હોટલ અને ઘરોના કાચ તૂટ્યા, વાહનોમાં લાગી આગ

કરાચી: પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં ગુરુવારે રાત્રે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કરાચીના સદર વિસ્તારમાં થયેલા બ્લાસ્ટનાં પગલે બજારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ૧૩થી વધુ ઘાયલો થયા છે અને મૃત્યુઆંક વધવાની સંભાવના છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • વિસ્ફોટમાં 1નું મોત, 13 ઘાયલ, મૃત્યુઆંક વધી શકે છે
  • લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો, પાર્ક કરેલી સાઈકલમાં મૂકવામાં આવ્યો હતો બોમ્બ
  • બોમ્બમાં 2 કિલો વિસ્ફોટકનો ઉપયોગ, હોટલ અને ઘરોના કાચ તોડી નાખ્યા

આ બોમ્બ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લોકોએ તેનો અવાજ દૂર સુધી સંભાળવા મળ્યો હતો અને નજીકમાં પાર્ક કરેલા વાહનો ચારે તરફ ધ્વસ્ત થઈ ગયા હતા. બોમ્બ બ્લાસ્ટ મામલે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે સિંધ પ્રાંતના સીએમને સૂચના આપી છે કે ઘાયલોની વિશેષ કાળજી લેવામાં આવે અને તેમને તબીબી સારવાર આપવામાં આવે.

પાર્ક કરેલી સાયકલમાં બોમ્બ મુકવામાં
બોમ્બ બ્લાસ્ટ મામલે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો ગંભીર હતો કે નજીકની ઇમારતો અને દુકાનોની બારીઓના કાચ તૂટી ગયા હતા અને રસ્તા પર પાર્ક કરેલા આઠથી દસ વાહનોમાં આગ લાગી હતી. બોમ્બ વિસ્ફોટ પછી ચારેબાજુ વિનાશ જ વિનાશ દેખાઈ રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ બોમ્બ ડસ્ટબીનની બાજુમાં પાર્ક કરેલી સાયકલમાં મૂકવામાં આવ્યો હતો.

બોમ્બમાં 2 કિલો વિસ્ફોટકનો ઉપયોગ
પ્રાથમિક માહિતી અનુસાર આ બોમ્બ વિસ્ફોટમાં લગભગ 2 કિલો વિસ્ફોટક અને લગભગ અડધા કિલો બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ ટાઈમર દ્વારા કરવામાં આવ્યો હતો. સિંધ અને બલૂચિસ્તાનના અલગતાવાદી જૂથોએ જવાબદારી સ્વીકારી છે. કરાચી પોલીસ તેને આતંકવાદી હુમલો ગણાવી રહી છે.

શહેરની મધ્યમાં કરાયો બ્લાસ્ટ
આ બ્લાસ્ટ શહેરનાં મધ્ય વિસ્તારમાં થયો હતો. આ વિસ્તારને ડાઉનટાઉન કહેવામાં આવે છે. જ્યાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. બ્લાસ્ટનાં પગલે લોકોને સ્થળ પરથી દુર કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટના કારણે આસપાસની હોટલ અને ઘરોના કાચ તૂટી ગયા હતા.જેના પગલે લોકોમાં ભય ફેલાયો હતો.

Most Popular

To Top