Madhya Gujarat

દાહોદવાસીઓના સ્માર્ટ સિટીના સપના : સારી કામગીરી જરૂરી

દાહોદ: દાહોદ શહેરનો જ્યારથી સ્માર્ટ સીટીમાં સમાવેશ થયો ત્યારથી દાહોદ વાસીઓ સ્માર્ટ સીટીના સમણા દેખી રહ્યા છે અને સાથે સાથે સુખ પહેલા આવતા દુઃખનો અનુભવ પણ કરી રહ્યા છે ત્યારે સ્માર્ટ સિટીની દાહોદના ઐતિહાસિક છાબ તળાવના કલેવર બદલવાની ચાલી રહેલી કેટલીક કામગીરીની ગુણવત્તા સ્માર્ટ સિટી પ્રોજેક્ટને અનુરૂપ ન હોવાનું જોવા મળતા આશ્ચર્ય થયું છે. આ એક ઐતિહાસિક છાબ તળાવના કલેવર બદલવાની કામગીરીમાં જોતરાયેલા શ્રમિકો આસપાસમાં રહેતા લોકો દ્વારા sab તળાવના ફરતે બાંધેલ કોટની દીવાલના અંદરના ભાગે રોજેરોજ કરવામાં આવતી શૌચક્રિયાને કારણે મોટી નર્કાગાર જેવી જગ્યામાં કામ કરતા હોવાનું અનુભવી રહ્યા નો ગણગણાટ છે.

દાહોદના ઐતિહાસિક છાબ તળાવના કલેવર બદલવાની ચાલતી કામગીરીમાં માત્રને માત્ર વેઠ ઉતારવામાં આવતી હોવાની પણ લોક બૂમો ઉઠવા પામી છે. તળાવની ફરતે બનાવેલી બાઉન્ડ્રીમાં લગાવાયેલી ટાઇલ્સની ગુણવત્તા અને ક્વોલિટી હલકી હોવાની પણ વ્યાપક ફરિયાદો છે તળાવની આ કામગીરી શરૂ કરતા પહેલા તળાવના ફરતે કોટની ઊંચી દિવાલ ચણી દેવામાં આવી છે અને તે દીવાલના અંદરનો ભાગ આમ જનતાના હરવા-ફરવા માટે પ્રતિબંધિત બનાવી દેવામાં આવ્યાનું પણ જાણવા મળ્યું છે અને એ પ્રતિબંધિત વિસ્તારમાં જતા લોકોને અટકાવવામાં પણ આવ્યાનું પણ જાણવા મળ્યું છે.

ત્યારે આ તળાવના ફરતે બનાવેલી કોટની દીવાલના અંદરના ભાગે આસપાસમાં રહેતા લોકોને શૌચક્રિયા માટે મંજૂરી કોણે આપી?  આ કોટની દીવાલના અંદરના ભાગે હાલમાં પણ અત્યંત દુર્ગંધ મારતી કતારબંધ માનવ વિસ્ટા નજરે પડી રહી છે. છાબ તળાવની બાઉન્ડ્રીના કામની દેખરેખ માટે એક સુપરવાઇઝર પણ નીમવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તો આ સુપરવાઇઝરની ફરજ શું? આ બાબતે દાહોદના એક જાગૃત નાગરિકે આ સુપર વાઇઝર નો ટેલિફોનીક સંપર્ક કરી પૃચ્છા કરતા તે સુપરવાઇઝરે ઉદ્ધતાઈભર્યો જવાબ આપવાની કુચેષ્ટા કરી હતી.

તે કેટલા અંશે યોગ્ય છે? આ ઐતિહાસિક છાબ તળાવના ફરતે બનાવેલી કોટની દીવાલના કામમાં પણ મોટાપાયે ગોબાચારી કરાયાની લોક બૂમો ઉઠવા પામી છે અત્યારથી જ આ દિવાલના કેટલીક જગ્યાએ કાંગરા ખરતા જોવા મળી રહ્યા છે આ તો તળાવ ફરતે લગાવેલ બોર્ડરન દીવાલની આ હાલત છે તો તળાવમાં ચાલતી કામગીરી કેવી હશે તેનો વિચાર કરતાં જ બધું સમજાઈ જાય તેમ લાગી રહ્યું છે. આ ઐતિહાસિક છાબ તળાવ જોવા ભૂતકાળમાં સહેલાણીઓ દાહોદની મુલાકાતે આવતા હતા અને આ ઐતિહાસિક તળાવની ગાથા ગાતાં થાકતાં ન હતા પરંતુ ભૂતકાળથી જ પાલિકાના સત્તાધીશો પોતાના આર્થિક લાભ ખાતર તળાવનું કદ ઘટાડતા ગયા હતા.

સાથે સાથે આ ઐતિહાસિક છાબ તળાવમાં ગામની ગટરોના ગંદા પાણી ઠાલવતા રહ્યા પરિણામ સ્વરૂપ આ ઐતિહાસિક તળાવની ઐતિહાસિકતા પણ નષ્ટ થતી ગઈ અને પરિણામે આ ઐતિહાસિક તળાવ માત્ર ગંદા પાણીનું વિશાળ ખાબોચિયું બનીને રહી જવા પામ્યું છે જે છેલ્લા કેટલાય સમયથી મચ્છરોનું ઉદ્ભવ સ્થાન બની આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાવવામાં મદદરુપ બનતું રહ્યું છે. હાલ સ્માર્ટ સિટીના કામોમાં આ એક ઐતિહાસિક છાબ તળાવનાં કલેવર બદલવાના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને સાંભળવા મળ્યા મુજબ તે કામ માટે અંદાજે કરોડો રૂપિયાની માતબર રકમ પણ ફાળવવામાં આવી છે.

Most Popular

To Top