Editorial

પૂર્વોત્તરના ભાજપ શાસિત ચાર-ચાર રાજ્યોના મુખ્યમંત્રી મૂળ કોંગ્રેસી

દેશના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી છવાઇ ગયા છે. હવે તેઓ સતત ત્રીજી વખત પણ વડા પ્રધાન બને તેવી શક્યતા રાજકીય પંડિતો જોઇ રહ્યાં છે. જો કે, ભારતમાં ભાજપનું શાસન ધરારતા રાજ્યોની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં કર્ણાટક સિવાય ભાજપ ક્યાંય નથી. મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને બિહારમાં અથવા તો ભાજપની સરકાર છે અથવા તો તેના ગઠબંધનની. પરંતુ જ્યારે પૂર્વોત્તરના રાજ્યોની વાત આવે ત્યારે ભાજપે 10 વર્ષમાં જે કાઠું કાઢ્યું છે તે સમજ બહારની વાત છે. અહીં કોઇ દિવસ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે તેવું કોઇ રાજકીય પંડિતે વિચાર્યું પણ ન હતું. પરંતુ તે શક્ય બન્યું છે.

જેમાં ભાજપની શામ, દામ, દંડ અને ભેદની નીતિ કારગર નિવડી છે. જો નવાઇની વાત એ પણ છે કે, અહીં ભલે શાસન ભારતીય જનતા પાર્ટીનું હોય પરંતુ અહીંના રાજ્યો મૂળ કોંગ્રેસી ચલાવી રહ્યાં છે. અને આ વાત માત્ર એક રાજ્યની નથી પપરંતુ પૂર્વોત્તરના ચાર-ચાર રાજ્યમાં આવી સ્થિતિ છે. ત્રિપુરામાં મુખ્યમંત્રી વિપ્લવ દેબે શનિવારે સાંજે અચાનક જ રાજીનામુ ધરીને સૌને ચોંકાવી દીધા હતા. આ સાથે જ ભાજપ હાઈકમાને સાંજ સુધીમાં ત્રિપુરાના નવા મુખ્યમંત્રીનું નામ પણ જાહેર કરી દીધું હતું. જોકે ભાજપશાસિત રાજ્યોમાં મોટી રાજકીય ઉલટફેરનો આ કોઈ પ્રથમ પ્રયોગ નથી. આ સાથે જ ભાજપે પૂર્વોત્તરમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. પૂર્વોત્તરના 4 રાજ્યોમાં ભાજપે કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યા છે.

ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા ભાજપે વિપ્લવ દેબને હટાવીને ડો. માણિક સાહાને નવા મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. સાહા 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં જોડાયાના 4 વર્ષ બાદ 2020માં તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હિમંતા બિસ્વા સરમા વર્ષ 2021માં આસામના 15મા મુખ્યમંત્રી બન્યા હતા. સર્બાનંદ સોનોવાલના સ્થાને તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ વર્ષ 2015માં કોંગ્રેસથી નારાજ થઈને ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીમાં હિમંતા બિસ્વા સરમાએ જોરદાર પ્રચાર અભિયાન છેડેલો જે ભાજપના વિજય પાછળના મહત્વના કારણો પૈકીનું એક માનવામાં આવે છે.

એન બિરેન સિંહ મણિપુરમાં 2017ની વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. રાજ્યમાં 15 વર્ષ બાદ બિનકોંગ્રેસી સરકાર બની તો ભાજપે એન બિરેન સિંહને મુખ્યમંત્રી બનાવ્યા. તેઓ મણિપુરમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે ભાજપ અને તેના સહયોગિઓના 33 ધારાસભ્યોના સમર્થનથી એસેમ્બલીમાં ફ્લોર ટેસ્ટ જીતીને વજન સાબિત કર્યું હતું.  નેફિયૂ રિયો ચોથી વખત નાગાલેન્ડના મુખ્યમંત્રી બન્યા. તેમના નામે સૌથી વધારે વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ બન્યો છે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહી ચુક્યા છે.

તેઓ 2002માં કોંગ્રેસમાંથી અલગ થયા હતા. નાગાલેન્ડની સમસ્યા મુદ્દે તત્કાલીન મુખ્યમંત્રી એસસી જમીર સાથેના મતભેદ બાદ તેમણે રાજીનામુ આપી દીધું હતું. ત્યાર બાદ તેઓ નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)માં જોડાયા હતા. તે સ્થાનિક રાજકીય દળો અને ભાજપ સાથે જોડાયેલી હતી. તેમના નેતૃત્વમાં ડેમોક્રેટિક અલાયન્સ ઓફ નાગાલેન્ડ (ડીએએન)ની રચના થઈ. આ ગઠબંધને 2003માં વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો. સાથે જ કોંગ્રેસને 10 વર્ષ બાદ સત્તામાંથી બહાર કરી. નેફિયૂ રિયો પહેલી વખત નાગાલેન્ડના મુખ્યમંત્રી બન્યા. 2008માં ડીએએન ગઠબંધને સરકાર બનાવી અને રિયો મુખ્યમંત્રી બન્યા.

2013માં નાગાલેન્ડમાં NPFએ બહુમત હાંસલ કર્યું અને રિયો મુખ્યમંત્રી બન્યા. બાદમાં જાન્યુઆરી 2018માં NPFએ ભાજપ સાથેનું ગઠબંધન તોડ્યું અને રિયો નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)માં સામેલ થયા. 2018માં ચૂંટણી પહેલા તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યું અને ચૂંટણી જીત્યા બાદ ભાજપના સહયોગથી મુખ્યમંત્રી બન્યા. આમ સરકાર ભલે ભાજપની છે પરંતુ ચલાવી રહ્યાં છે તો મૂળ કોંગ્રેસીઓ જ. જો કે, ભારતીય જનતા પાર્ટી માટે આ કંઇ નવું કહી શકાય તેમ નથી. કારણ કે, જેની કલ્પના પણ નહીં હોય તેવું ભાજપ કરી બતાવે છે અને તેનું ઉદાહરણ છે. જમ્મુ અને કાશ્મીર. ભારતીય જનતા પાર્ટી મહેબૂબા મુફ્તીની પાર્ટી સાથે હાથ મેળવે તેવું કોઇએ વિચાર્યું પણ ન હતું. બીજાની વાત તો જવા દઇએ ભાજપના જ કેટલા કદાવર નેતાઓએ પણ આ વિચાર્યું ન હતું.

પરંતુ તે શક્ય બન્યું અને પીડીપી – ભાજપની ગઠબંધન વાળી સરકારે જમ્મુ અને કાશ્મીર ઉપર રાજ કર્યું. હવે ભલે બંને ફરી પાછા સાપ અને નોળિયા જેવા દુશ્મન બની ગયા છે પરંતુ ભાજપ માટે આ બધુ શક્ય છે. આજ કારણ છે કે, ઉત્તર પ્રદેશના રીટા બહુગુણા અને મધ્યપ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં ભાજપમાં છે. સિંધિયાએ તો રીતસર કમલનાથની સરકાર ઉથલાવી દીધી હતી. ગુજરાતમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો કુંરવજી બાવળિયા અને વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતાં તેમને પણ ભાજપે કેસરિયો પહેરાવી દીધો હતો. ભાજપનો નિયમ છે કે જેને હરાવી શકાય તેને હરાવો અને જો હરાવી નહીં શકાય તેને અપનાવી લો. આ જ કારણ છે કે, પૂર્વોત્તરમાં ભાજપને સીધી એન્ટ્રી મળી ગઇ છે. સંગઠનનું તૈયાર માળખું મળી ગયું છે અને સત્તા પણ મળી ગઇ છે. પછી ભલે આ સત્તા મૂળ કોંગ્રેસી ચલાવતા હોય.

Most Popular

To Top