Madhya Gujarat

ભાજપે ગુજરાતને શાંત – સલામત બનાવ્યું : અમિત શાહ

નડિયાદ : `ભાજપ શાસન પહેલાના અસલામત અને અસુરક્ષિત ગુજરાતને મેં જોયું છે. ભૂતકાળની સરકારે ગુજરાતમાં લોકોને અંદરોઅંદર લડાવીને કાયદો અને વ્યવસ્થાના બુરા હાલ કર્યા હતા. તે સમયે વર્ષના 200 દિવસ રાજ્યના વિસ્તારો કરફ્યુ હેઠળ રહેતા અને બેન્કો, કારખાના, વ્યાપાર ધંધા બંધ રહેતા હતાં. રાજ્યના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ સરકારોએ ગુજરાતને શાંત અને સલામત ગુજરાત બનાવ્યું છે. તેમ નડિયાદ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પોલીસ આવાસના ઇ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યના 25 જિલ્લાઓમાં પોલીસ વિભાગ માટે રૂપિયા 347 કરોડના ખર્ચે બનાવવામાં આવેલાં 58 રહેણાંક અને બિનરહેણાંક આવાસોનું રવિવારના રોજ નડિયાદમાં આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે,  રથયાત્રા શાંતિ અને ઉલ્લાસના વાતાવરણમાં નીકળે એવી સુખદ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. માફીયાઓને જેલ ભેગા કરીને નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને સુરક્ષિત કર્યું છે. તેમણે ગુજરાત રાજ્યની સીમાઓને સુરક્ષિત બનાવી છે. સરહદી રાજ્ય હોવા છતાં તુષ્ટિકરણ સાધ્યા વગર ગુજરાતમાં શાંતિ અને સલામતી જાળવી છે. નાર્કોટિક્સ પકડવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. તેની સામેની લડાઇમાં ગુજરાતે દેશને દિશા બતાવી છે. ગુજરાતે આતંકવાદ,નાર્કોટિક્સ જેવા ગુનાઓને ડામવા મજબૂત નેટવર્ક ઊભું કર્યું છે.

આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્ય મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ, નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાઈના મુખ્ય દંડક પંકજ દેસાઈ, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, મયુરભાઈ રાવલ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, અમૂલ ડેરીના અધ્યક્ષ રામસિંહ પરમાર, ભાર્ગવભાઈ ભટ્ટ સહિત પક્ષના અગ્રણીઓ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત પોલીસ દળના શીર્ષ અધિકારીઓ, ખેડા કલેકટર કે.એલ.બચાણી, આણંદ કલેકટર મનોજ દક્ષિણી, પુર્વ મંત્રી ગોરધનભાઇ ઝડફીયા, કાયદો અને વ્યવસ્થાના ડીજીપી વિકાસ સહાય, જ્હાન્વીબેન વ્યાસ, સીઆઇડી ક્રાઇમના ડીજીપી ટી.એસ.બિસ્ટ, અમદાવાદ રેન્જ આઇ.જી વી. ચંદ્રશેખર, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, ખેડા જિલ્લા અગ્રણી વિપુલભાઇ પટેલ, અજયભાઇ બ્રહ્મભટ્ટ, ડીજી.પી કે.એલ.રાવ, પોલીસ આવાસ નિગમના એમ.ડી બ્રિજેશ જહા, એડીજીપી અનુપમસિંહ ગેહલોત, આર. બ્રહ્મભટ્ટ, પી.કે. રોશન, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, અમિતભાઇ ઠાકર, ખેડા-આણંદ જિલ્લાના પદાધિકારીઓ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત પ્રશાસનિક ઉચ્ચ અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં વિવિધ જિલ્લાઓના નાગરિકો ઉપસ્થિતિ રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાના પાયામાંરહેલા અદના સૈનિકો એવા પોલીસ દળના જવાનોના કાર્યને બિરદાવતાં જણાવ્યું હતુ કે, પોલીસ દળના જવાનો ગુજરાતની સુખ-સમૃધ્ધિ અને સુરક્ષાના પાયાના પથ્થરો છે.

અમિત શાહે મોડા આવવા બદલ માફી માંગી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારના રોજ સવારના સમયે પંચમહાલ જિલ્લામાં કાર્યક્રમ પૂર્ણ કરી બપોરે 12 વાગ્યે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવાના હતાં. જોકે, પંચમહાલના કાર્યક્રમમાં મોડું થવાથી તેઓ નડિયાદના કાર્યક્રમમાં સમયસર પહોંચી શક્યાં ન હતાં. કાર્યક્રમમાં એક કલાક જેટલું મોડું આવવા બદલ અમિત શાહે ઉપસ્થિત જનમેદનીની ક્ષમા માંગી હતી. 

સરદાર પટેલને શ્રધ્ધાંજલિ આપી
અમિતભાઈ શાહે સંબોધનની શરૂઆતમાં સરદાર વલ્લભભાઈ પટેલને શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, લોખંડી પુરૂષના કારણે આજે અખંડ ભારતની કલ્પના આપણી સામે સાકાર થઈ છે. દેશને આઝાદી આપતી વખતે કેટલાય લોકો વિચારતાં હતાં કે 600 થી વધુ રાજા-રજવાડાઓમાંથી આ દેશ એક કઈ રીતે થઈ શકશે.? સરદાર સાહેબ ન હોત તો રાજા-રજવાળાને એક કરવાનું શક્ય ન બન્યું હોત. સરદાર સાહેબે ચપટી વગાડતાં સમગ્ર દેશને એક કર્યો. જુનાગઢ હોય, જોધપુર હોય, હૈદરાબાદ હોય કે લક્ષ્યદીપ હોય…જે વાંકા ચાલતાં હતાં ત્યાં વાંકી આંગળીથી ઘી કાઢી દેશને એક કરવાનું કામ સરદાર સાહેબે કર્યું છે. સરદાર પટેલની જનમભુમિ પર પગ મુકતાંની સાથે જ ચેતના અને ઉર્જા પ્રાપ્ત થાય છે.

નડિયાદમાં અમિત શાહ ૧૦૦ મિનીટ રોકાયાં
૧૨ : ૫૦ વાગ્યે હેલિકોપ્ટર લેન્ડ થયું
૧૨ : ૫૩ વાગ્યે નડિયાદની ભૂમિ ઉપર પગ મુક્યો
૦૧ : ૦૦ વાગ્યે સ્ટેજ ઉપર આગમન
૦૧ : ૧૦ વાગ્યે દિપ પ્રાગટ્ય કરાયું
૦૧ : ૨૭ વાગ્યે પોલીસ વિભાગના આવાસોનું લોકાર્પણ કર્યું
૦૧ : ૩૦ વાગ્યે સંબોધન શરૂ કર્યું
૦૧ : ૪૭ વાગ્યે સંબોધન પૂર્ણ થયું
૦૧ : ૫૦ વાગ્યે સ્ટેજ પરથી વિદાય લીધી
૦૨ : ૨૦ વાગ્યે કાર્યક્રમ સ્થળ પરથી હેલિપેડ જવા રવાના થયાં
૦૨ : ૩૦ વાગ્યે હેલિકોપ્ટર ટેકઓફ થયું

Most Popular

To Top