Gujarat

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓનું બ્યૂગલ ફૂંકી દીધું

ગાંધીનગર: લોકસભાની 2024ની ચૂંટણીઓની (Election) તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલ મંગળવારથી ભાજપ દ્વારા એક મહિના સુધી રાજ્યભરમાં મહા જનસંપર્ક અભિયાન યોજાશે. જેમાં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના નવ વર્ષ દરમિયાનની સિદ્ધિઓ સહિત સરકારનો રિપોર્ટકાર્ડ પ્રજા સમક્ષ રજૂ કરશે.

પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા નવ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દરેક વર્ગના લોકોમાં તેમજ દરેક સેક્ટરમાં સુધારો જોવા મળ્યો છે. આવતીકાલ તારીખ 30મી મેથી આગામી એક મહિના સુધી એટલે કે 30મી જૂન સુધી રાજ્યમાં મહા જનસંપર્ક અભિયાન યોજવામાં આવશે. આ મહા જનસંપર્ક અભિયાન દરમિયાન કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષના શાસન દરમિયાનની સિદ્ધિઓ, કાર્યો તેમજ સરકારનો રિપોર્ટકાર્ડ રજૂ કરવામાં આવશે.

રાજ્યની તમામ 26 લોકસભા બેઠક વિસ્તારોમાં બુથ લેવલથી લઈ લોકસભા બેઠક સુધી જન સંપર્ક કરવામાં આવશે. આ જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન તમામ લોકસભા વિસ્તારોમાં મહારેલી યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહી પ્રજા સમક્ષ ભાજપ સરકારની સિદ્ધિઓ, વિકાસલક્ષી કાર્યો, વિવિધ પ્રજાલક્ષી યોજના તેમજ રિપોર્ટકાર્ડ રજૂ કરશે.

Most Popular

To Top