સામે આવી ગયું કારણ: આ રીતે ક્રેશ થયું હતું જનરલ બીપીન રાવતનું હેલિકોપ્ટર

CDS જનરલ બીપીન રાવત (Bipin Rawat) નું હેલીકોપ્ટર ક્રેશ (Helicopter Crash) થવા અંગેનું કારણ સામે આવી ગયું છે. CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને આર્મી-એરફોર્સના (Air force) 12 અધિકારીઓને લઈ વેલિંગટન એરબેઝ જવા માટે 8 ડિસેમ્બરે સુલૂર એરબેઝથી ઉડાન ભરનાર હેલીકોપ્ટર ક્રેશ થવા મામલાની તપાસ માટે રચવામાં આવેલી તપાસ ટીમનો શરૂઆતી રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં કોઈ પ્રકારની મિકેનિકલ ખામી, બેદરકારી કે કોઈપ્રકારના તોડફોડની આશંકાનો ઇનકાર કરવામાં આવ્યો છે. અને હેલીકોપ્ટર ક્રેશ થવા અંગેનું સાચુ કારણ રજૂ કરવામાં આવ્યું છે.

ભારતીય વાયુ સેનાએ તેના Mi-17v5 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાની તપાસ માટે એક ત્રિ-સર્વિસ કોર્ટની રચના કરી હતી. આ અંગે હવે પ્રારંભિક માહિતી રજૂ કરવામાં આવી છે. સમિતિએ અનેક સાક્ષીઓની પૂછપરછ ઉપરાંત ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરનું પણ વિશ્લેષણ કર્યું છે. તપાસ સમિતિએ કહ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટના મૌસમની સ્થિતિમાં પરિવર્તનને લીધે સર્જાઈ છે. હેલીકોપ્ટર વાદળોમાં પ્રવેશ કરવાને કારણે પાયલટ સ્થાનિક સ્તરે ભટકી ગયા હતા, જેને લીધે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કોઈ પ્રકારના ષડયંત્ર, બેદરકારી કે ટેક્નીકલ ખામીનો ઇનકાર કરવામાં આવ્યો છે.

તપાસ ટીમના શરૂઆતી રિપોર્ટ પ્રમાણે CDS જનરલ બિપિન રાવતનું હેલીકોપ્ટર તમિલનાડુમાં પોતાના યોગ્ય રૂટ પર જઈ રહ્યું હતું. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને હેલીકોપ્ટર વાદળોમાં ધેરાયું હતું. ત્યારબાદ પાયલટે કંટ્રોલ ગુમાવી દીધો અને પર્વતીય વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની આગેવાનીમાં આ તપાસ એર માર્શલ માનવેન્દ્ર સિંહે કરી છે. તેમણે 5 જાન્યુઆરીએ રક્ષામંત્રી રાજનાથ સિંહને તપાસની માહિતી આપી છે.

તપાસ સમિતિએ વાયુસેના સહિત સેનાના અનેક અધિકારીઓના નિવેદનો રેકોર્ડ કર્યાં છે. આ ઉપરાંત સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી, જેમાં આ દુર્ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીઓનો પણ સમાવેશ થાય છે. એ મોબાઈલની પણ તપાસ કરવામાં આવી કે જેમાં ક્રેશની થોડી સેકન્ડ્સ પૂર્વેનો વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને આર્મી-એરફોર્સના 12 અધિકારીઓએ વેલિંગટન એરબેઝ જવા માટે 8 ડિસેમ્બરે સુલૂર એરબેઝથી ઉડાન ભરી હતી. વેલિંગટન એરબેઝ પહોંચવાની થોડી મિનિટો પહેલા હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. હેલીકોપ્ટરનો કંટ્રોલ રૂમ સાથે પણ સંપર્ક તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 14 લોકોના નિધન થયા હતા.

Most Popular

To Top