Dakshin Gujarat

સામાજિક કામકાજ પતાવી દંપતિ ઘરે પરત ફરી રહ્યાં હતા, રસ્તામાં એકાએક બાઈકને આંતરી ઈસમોએ…

બારડોલી: બારડોલી-નવસારી હાઇવે (Highway) ઉપર આવેલા વડોલી ગામની સીમમાંથી પસાર થતાં દંપતીની બાઇકને (Bike) આંતરી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચેઇન (Chain) મળી આશરે સાડા ત્રણ તોલા જણાતાં દાગીના તોડી ભાગી છૂટેલા બે બાઇકસવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police Complaint) દાખલ કરાઈ હોવાનું જાણવા મળે છે.

બારડોલી-નવસારી હાઈવે માર્ગ ઉપર આવેલા પારડી વાઘા (નોગામા) મુકામે રહેતા રમેશ વિઠ્ઠલ આર્ય અને તેમનાં પત્ની ભાનુબેન બારડોલી મુકામે સામાજિક કામકાજ પતાવી સાંજના છ વાગ્યાના સમય આસપાસ તેમની મોટરસાઇકલ ઉપર સવાર થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તેવા સમયે માર્ગમાં આવતાં વડોલી પાટિયા પાસે આવેલા મંદિર નજીક તેમને ઓવરટેક કરી એક નંબર વગરના ટુ વ્હીલર ઉપર આવેલા બે અજાણ્યા ઇસમે તરાપ મારી ભાનુબેનના ગળામાંથી આશરે બે તોલા વજનનું જણાતું મંગળસૂત્ર તથા વજનનો અછોડો (કિંમત આશરે રૂ.દોઢથી બે લાખ) તોડી ભાગી છૂટ્યા હતા. આશરે ૩૦થી ૩૫ વર્ષની વયના જણાતા ચાલકે પીળા રંગનું જર્સી તથા પાછળ બેઠેલા સવારે સફેદ રંગનું જર્સી પહેલી હોવાનું જણાવતાં તેઓની મોટરસાઇકલ નંબર પ્લેટ વગરની હોવા સાથે બારડોલી પોલીસમથકે ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.

ઉમરગામના બે ભાઇએ ટીસીને મારમારી ચપ્પુ બતાવી લૂંટી લીધો
વલસાડ : વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનમાં ફસ્ટ ક્લાસમાં જનરલ કોચની ટિકીટ સાથે મુસાફરી કરી રહેલા ઉમરગામના બે સગા ભાઇએ ટીસીને મારમારી ચપ્પુ બતાવી લૂંટી પણ લીધો હતો. ડુંગરી-બીલીમોરા વચ્ચે આ ઘટના બન્યા બાદ બીલીમોરા સ્ટેશન પર બંને ભાગવા જતા એક ભાઇને પોલીસે પકડી પાડ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વિરાર-ભરૂચ મેમુમાં ગતરોજ ફસ્ટ ક્લાસ કોચમાં ઉમરગામના રહીશ રવિકુમાર લોકેશકુમાર સરોજ અને તેનો ભાઇ રોહિતકુમાર સરોજ જનરલની ટિકીટ લઇ ચઢ્યા હતા. ત્યારે વલસાડમાં ટિકીટ ચેકર તરીકે નોકરી કરતા મુસ્તાક અહેમદ મીરનમિયા કાઝી (ઉવ.57) ફસ્ટક્લાસ કોચમાં ચઢ્યા અને તેમણે રવિકુમાર અને રોહિતકુમાર સરોજ પાસે ટિકીટ માંગી હતી. બંને ભાઇઓ પાસે જનરલ કોચની ટિકીટ હોય, ટીસી મુસ્તાક અહેમદ કાઝી સાથે દંડ ભરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી ઉગ્ર બન્યા બાદ બંને ભાઇએ મળી કાઝીને માર માર્યો હતો. તેમજ એક ભાઇએ તેના ગળા પર છરો પણ મુકી દીધો હતો. ત્યારબાદ તેમણે કાઝીના ખિસામાંથી રૂ. 730 લઇ લીધા હતા. આ ઘટના પછી બીલીમોરા સ્ટેશન પર બંને ભાઇઓ ભાગવા જતા ટીસી કાઝીએ બૂમો પાડી હતી. જેના પગલે પોલીસે રવિકુમારને પકડી પાડ્યો હતો. પોલીસે તેને પોલીસ મથકે લઇ જઇ તેની પુછતાછ અને જડતી લેતાં તેની પાસેથી રૂ. 730 અને ચપ્પુ મળી આવ્યું હતુ. આ બનાવ સંદર્ભે પોલીસે કાઝીની ફરિયાદ લઇ બંને ભાઇઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top