Gujarat Main

કોંગ્રેસને મોટો ઝટકો: ખંભાતના ધારાસભ્યએ રાજીનામું આપ્યું, કહ્યું મારી જેમ ઘણા ગૂંગળામણ અનુભવે છે…

અમદાવાદ: આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉલટફેરો થવા માંડી છે. આજે કોંગ્રેસને એક મોટો ઝટકો મળ્યો હતો. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામાના પગલે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો જીતી ભાજપે ઈતિહાસ રચ્યો હતો. આંગળીના વેંઢે ગણાય તેટલી જ સીટો કોંગ્રેસ, આપ સહિતના અન્ય પક્ષો જીત્યા હતા. ત્યારે હવે તેમાંય ગાબડાં પડવા માંડ્યા છે. આપના ભૂપત ભાયાણી બાદ કોંગ્રેસના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે.

એવી ચર્ચા છે કે ચિરાગ પટેલે ભાજપમાં જોડાઈ શકે છે. આજે ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર સિંહ ચૌધરીને રાજીનામું આપ્યું છે.

રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે કહ્યું કે, મારી જેમ અનેક નેતાઓ કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવી રહ્યાં છે. દેશ હિતની વાત આવે ત્યારે કોંગ્રેસ હંમેશા પાછળ રહે છે. મારા વિસ્તારના હિતની વાત આવે ત્યારે મારે આ પાર્ટીમાં વધારે રહેવું હિતાવહ લાગતું નથી. અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવી રહ્યાં છે. કોંગ્રેસ દિન પ્રતિદિન સત્તા પરથી પોતાની પકડ ગુમાવી રહી છે. કોંગ્રેસની કામ કરવાની રીત બોલવાનું કાંઈ અને કરવાનું બીજું કંઈ તેવી થઈ ગઈ છે. વધુ સમય કોંગ્રેસ સાથે કામ થાય તેમ નથી. તેથી મેં મારા વિસ્તારના લોકો માટે રાજીનામું આપ્યું છે.

આ સાથે ચિરાગ પટેલે વધુમાં કહ્યું કે અમે મૂળ 17 હતા પરંતુ અન્ય ધારાસભ્યો કોંગ્રેસથી નારાજ છે. ગુજરાતનું નેતૃત્તવ દિલ્હીથી સંચાલિત છે અને દિલ્હીનું નેતૃત્તવ હજું પણ રાજારજવાડાની જેમ વર્તી રહ્યું છે. મારા વિસ્તારના લોકો જે મને આદેશ આપશે તે માથે ચઢાવીશ. હું મારા લોકોને કહીશ કે, હું તમારી વચ્ચે જ છું તમારી સેવા જ કરતો રહીશ.’

Most Popular

To Top