Gujarat

મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય અંગે ફરિયાદ કરતાં પોલીસે કહ્યું, મજા આવે તો મજા લ્યો…

રાજકોટ: ભાવનગર (Bhavnagar) મેડિકલ કોલેજના (Medical College) એક વિદ્યાર્થી (Student) સાથે ગત 12મેના રોજ કોલેજમાં પી.જી. કરતા એક ડોક્ટરે (Doctor) સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હોવાની મામલો સામે આવ્યો છે. તે અંગે મેડિકલ કોલેજના ડીન હેમંત મહેતાને જાણ કરવામાં આવતા તેમની સુચનાથી પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઈ પગલાં લીધા વિના જ રજૂઆત કરવા ગયેલા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પોલીસ અધિકારી પરમારે જવાબ આપ્યો કે,‘મજા આવે તો મજા લ્યો નહીં તો દૂર રહો’. આવો જવાબ મળતાં વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપેલો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું એક ટોળું મોડી રાત્રે નિલમબાગ પોલીસ મથકે ધસી ગયું હતું અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો ર્ક્યો હતો. મેડિકલ વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું કે, ‘પોલીસ ફરિયાદ લેવામાં આવી નથી. કારણ કે આરોપી પૈસા પાત્ર છે. ઉપરાંત આ વિદ્યાર્થી હજી જુનિયર છે. તેને વધુ કેટલાક વર્ષો આ કોલેજમાં ભણવાનું છે.’ જ્યારે બીજી બાજુ આરોપી ડો.હરિશ વૈયગે ખુલ્લેઆમ કહ્યું કે, ‘મને આવી ટેવ છે. મેં અનેકને શિકાર બનાવ્યા છે અને હજુ વધુ કેટલાકને શિકાર બનાવીશ.’ આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. ત્યારે આવા લોકો સામે અને ઉડાઉ તથા અભદ્ર જવાબ આપનાર નિલમબાગ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર સામે દાખલારૂપ પગલાં લેવા જોઈએ. અન્યથા આ અંગે ઉગ્ર આંદોલન કરાશે.

વિદ્યાર્થીઓના નેતાઓના જણાવ્યા અનુસાર તેમને પી.આઈ.એ જણાવ્યું હતું કે, ‘આવું તો બધું ચાલ્યા કરે હું 12માં ધોરણમાં હતો. ત્યારે મારી સાથે પણ આવો બનાવ બન્યો હતો. પાણીની ડોલ ઢોળાય તો પાણીથી દૂર રહી ચાલવું પડે.’ એક પોલીસ અધિકારીના આવા જવાબથી વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત અને હતપ્રભ બની ગયા છે.

Most Popular

To Top