Dakshin Gujarat

ઝઘડિયા: આ હવસખોરે બે બહેનોની જિંદગી બરબાદ કરી, એકને ગર્ભવતી કર્યા બાદ બીજીનો રેપ કર્યો

ઝઘડિયા: ભરૂચ (Bharuch) જિલ્લાના ઝઘડિયા (Jhagdiya) તાલુકાના એક ગામના પરિણીત યુવાને બે સગી બહેનોને પોતાની હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવ્યાની ઘટના સામે આવી છે. થોડા સમય પહેલા સગીર વયની યુવતીને ઇકો ગાડીમાં શાળાએ મુકવા જતાં તેણીના કહેવાતા બનેવીએ રસ્તામાં આ સગીરા પર બળાત્કાર (Rape Case) ગુજાર્યો હોવા બાબતની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ આ બળાત્કારની ઘટનામાં હાલ નવો વળાંક આવ્યો છે. સગીરાની મોટી બહેને પણ આરોપી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

  • પરણેલો હોવા છતાં કુંવારો છું એમ કહીને મોટી બહેને સાથે પ્રેમ સંબંધ બાંધ્યો
  • ઝઘડિયા સગીરા પર બળાત્કારના કેસમાં નવો વળાંક આવ્યો, હવે મોટી બહેને દાખલ કરી પોલીસ ફરિયાદ

પ્રાપ્ત માહિતી અનુસાર, સગીરાની મોટી બહેને આ બળાત્કારની ઘટનાના કથિત આરોપી નેત્રંગ તાલુકાના સતિષ રાજુ વસાવા વિરુધ્ધ અવાર-નવાર બળાત્કાર કરી 6 મહિનાની ગર્ભવતી બનાવી હોવા બાબતની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર, ઝઘડિયા તાલુકાની સગીરા બળાત્કાર ઘટનાના કથિત આરોપી સતિષ વસાવાએ આજથી લગભગ એકાદ વર્ષ અગાઉ આ સગીરાની મોટી બહેનને તે પરણેલો અને એક સંતાનનો પિતા હોવા છતાં પોતે કુંવારો છે એમ જણાવીને આ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો.

છેલ્લા સાતેક મહિનાથી ઉપરોક્ત ઇસમે યુવતીના ઘરે રહીને તેના પર અવાર-નવાર બળાત્કાર ગુજારીને યુવતીને 6 માસની ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ હાલમાં થોડા દિવસો પહેલા આ યુવતીની સગીર વયની નાની બહેન પર તેણીને શાળાએ મુકવા જતા રસ્તામાં બળાત્કાર ગુજાર્યો હતો. આમ આ હવસખોરે બંને સગી બહેનોને વાસનાની શિકાર બનાવી હતી.

સગીર વયની છોકરીની તબિયત બગડતાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. તે દરમિયાન આરોપીએ સગીરા પર બળાત્કાર ર્ક્યો હોવાની વિગતો સામે આવી હતી. આ ઘટના બાદ સગીરાની માતાએ ગત તા-27મી જુલાઇના રોજ નજીકના પોલીસ મથકે સતિષ વસાવા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઘટના બાદ હાલમાં સગીરાની મોટી બહેને પણ બળાત્કારી આરોપી વિરુધ્ધ પોલીસ ફરિયાદ લખાવતા ચકચાર મચી જવા પામી હતી. એક જ પરિવારની બે સગી બહેનોને હવસનો શિકાર બનાવતા આ ઘટનાના આરોપીને સગીરાની માતાની ફરિયાદ બાદ થોડા દિવસ અગાઉ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઝડપી લીધો હતો.




Most Popular

To Top