Dakshin Gujarat

‘મને છંછેડવાનો પ્રયત્ન કરશો તો બધાનાં ઠીકરાં સાફ કરી દઈશ’: મનસુખ વસાવા

ભરૂચ: (Bharuch) નેત્રંગ સ્વામીનારાયણ મંદિરના (Temple) હોલમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભામાં એક કલાક દસ મિનીટ લાંબા ભાષણમાં ચાર વિરોધી અને તેમના સમર્થક ટીમને પોતાનો અંગત લાભ મેળવી ભાજપમાં ભાગલા પાડનાર સીધા આક્ષેપો કર્યા હતા. તેમણે તીખા તેવરમાં કહ્યું કે, ભાજપમાં રહેલા પોતાના વિરોધીઓને પૃથ્વીલોક નહીં પણ ચંદ્રલોક પર જઈને ફરિયાદ કરવાનું ફરમાન કરી દીધું હતું.

  • નેત્રંગ સ્વામીનારાયણ મંદિરના હોલમાં આયોજિત સભામાં વિરોધીઓને આડે હાથ લીધા
  • ‘આજકાલના આવેલાઓ તેમના બાપનું ભાજપ હોવાનું સમજે છે’ કહી મનસુખ વસાવાએ કડક તેવર દેખાડ્યા
  • ‘સૂતેલા સિંહને ન છંછેડો, આ તો જૂનારાજનો વાઘ છે’ કહી ગર્જના કરી

તાલુકા-જિલ્લા પંચાયતના હોદ્દેદારો નીમવાના મુદ્દે શરૂ થયેલા કમઠાણ ભારે વિવાદિત બન્યો છે. ભરૂચ જિલ્લા ભાજપમાં હવે લોકસભાની ચૂંટણી ટાણે સાંસદ સામે બે ધારાસભ્યો, નર્મદા જિલ્લા પ્રમુખ અને તેમની આણી મંડળીની લડતનું રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયો છે. જે મુદ્દે સોમવારે નેત્રંગ ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ યોજેલી સભામાં પણ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈની તમામ સામે આકરા તેવરમાં સીધા આક્ષેપો કર્યા હતા.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, છોટુભાઈ વસાવા પણ રીતેશ, પ્રકાશ એન્ડ કંપનીથી દુઃખી હોય હવે આ લોકો ભાજપના ભાગલા પાડવા આવ્યા હોવાનું અને હવે બાપ બનવા માંગતા હોવાનું નિવેદન આપ્યું હતું.

સાંસદ પોતે જ મંત્રી પદથી ઊતર્યા બાદ તેમના બેંક ખાતામાં રૂ.૭૦૦ હતા અને આજે પ્રકાશ દેસાઈ, રીતેશ વસાવા, દર્શનાબેન પાસે શું છે તે જોઈ લો કહી હું ઈંટનો જવાબ પથ્થરથી આપવા ટેવાયેલો હોવાનું કહ્યું હતું. વધુમાં સાંસદ વસાવાએ વિરોધી ઉપર અંગૂલિનિર્દેશ કરીને જણાવ્યું હતું કે, મને જો છંછેડવાનો પ્રયત્ન કર્યો તો હું બધાનાં ઠીકરાં સાફ કરી નાંખીશ કહી હું તો આ ભરૂચ લોકસભા બેઠક તો હું રમતા રમતા જીતવાનો છું. પ્રદેશમાં અને દિલ્હીમાં તેઓ સામે ષડયંત્ર રચતા વિરોધીઓને તેમના મોંમાં આંગળાં ન નાંખવા તાકીદ કરી હતી. મનસુખ વસાવાનો અવાજ એટલે ગરીબોનો અવાજ. છેલ્લી ૬ ટર્મથી પાર્ટી પણ જાણે છે. સૂતેલા સિંહને ન છંછેડવા અને પોતે (સાંસદ મનસુખ વસાવાનું માદરે વતન) જૂનારાજનો વાઘ હોવાનું પણ સભામાં કહ્યું હતું.

તેઓ સામે દુષ્પ્રચાર કરનારનું બેંક બેલેન્સ જોવા અને ઝઘડિયા ધારાસભ્ય તેમજ પ્રકાશ દેસાઈને તો મોટા કોઢ ઉંદર કહી તેઓ ભાજપમાં બાકોરાં પાડવાનું કામ કરી રહ્યાં હોવાના આકરા આક્ષેપ કર્યો હતો. અંતમાં ભરૂચ સાંસદે કહ્યું હતું કે, આજે સભામાં નીડરો આવ્યા છે પણ ડરપોક લોકો નથી આવ્યા. તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપની વિચારધારાને વરેલો જ વ્યક્તિ આપે તેવો આગ્રહ અંતે તેમણે વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top