Dakshin Gujarat

અંકલેશ્વર: જીતાલી ગામના ગરીબ પરિવારની દીકરી વડોદરાની ડેપ્યુટી કલેક્ટર બની

ભરૂચ: (Bharuch) અંકલેશ્વરના જીતાલી ગામના (Village) ભરત રાઠોડ પ્રાથમિક શાળાનું પગથિયું ચઢ્યા નથી. અને પત્ની માંડ ૪ ચોપડી ભણ્યાં છે. પરંતુ વહાલસોયી દીકરી કઠોર પરિશ્રમ કરી ભણીગણીને તા.૧૯મી ડિસેમ્બરે વડોદરા ખાતે ડેપ્યુટી કલેક્ટર (Deputy Collector) તરીકે ચાર્જ લેશે. સમગ્ર ઘટનાથી જીતાલી ગામજનોને આનંદ વ્યાપ્યો છે.

  • જીતાલીના ગરીબ આદિવાસી પરિવારની દીકરી વડોદરાની ડેપ્યુટી કલેક્ટર બની
  • ઊર્મિલા રાઠોડ વડોદરાના હરણી ખેતીવાડી વિભાગમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે બિરાજમાન થશે

અંકલેશ્વરના આદિવાસી સમાજના ભરતભાઈ રાઠોડ અને તેમની પત્નીએ જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા, પરંતુ હિંમત ન હાર્યા. ભરત રાઠોડ તો પ્રાથમિક શાળાનું પગથિયું ચઢ્યા નથી. અને પત્ની માંડ ૪ ચોપડી ભણ્યાં છે. પરંતુ આ ગરીબ પરિવારમાં અવતરેલી દીકરીએ તેમનું માથું સમાજ સામે ઊંચું કર્યુ છે. ગત તા.૧૨ એપ્રિલ-૨૦૦૦ના રોજ તેમના ઘરે દીકરીનો જન્મ થયો. નામ એનું ઊર્મિલા. જેણે ધો.૧થી ૭નું શિક્ષણ જીતાલી પ્રાથમિક શાળામાં લીધું. બાળપણથી જ આ દીકરી ભણવામાં હોંશિયાર. ધો.૮થી ૧૦માં પણ અંકલેશ્વર GIDC સરસ્વતી વિદ્યામંદિરમાં અભ્યાસ કરી બોર્ડમાં સારા ટકા મેળવ્યા હતા. સામાન્ય પરિવારમાંથી આવતી ઊર્મિલા અભ્યાસની સાથે સાથે માતાને સાડીના ભરતકામમાં સહકાર આપતી હતી.
તેણે ધો.૧૧ અને ૧૨માં સાયન્સનો અભ્યાસ અંકલેશ્વર GIDCની સ્કૂલમાં કર્યો હતો. પરિવારમાં પૈસાની ખેંચ પડતાં ઊર્મિલાએ ધો.૧થી ૧૨ સુધી ખાનગી ટ્યુશન વગર અભ્યાસ કર્યો હતો. ને ઊર્મિલાએ કડકિયા કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું. એ વખતે જ મામલતદાર તરીકે નિમણૂકપત્ર જન્મસ્થળ એવા સંતરામપુરના માલણપુર ગામે પહોંચતાં ગામમાં કોઈ વ્યક્તિએ ટપાલને સ્વીકારી હતી. પણ કમનસીબે આ ટપાલ ઊર્મિલાબેન રાઠોડ સુધી પહોંચી ન હતી. તેણે વધુ મહેનત કરી GPSની એક્ઝામ આપી. આ વખતે ઊર્મિલાનો સીધો હરણી ખેતીવાડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકેનો તા.૧૯મી ડિસેમ્બરે ચાર્જ લેવાનો ઓર્ડર આવી ગયો છે.
કાચી કામળી અને નળિયાવાળા સામાન્ય મકાનમાં રહેતી આ કુટુંબની દીકરી ઊર્મિલા ડેપ્યુટી કલેક્ટર તરીકે હાલમાં ટ્રેનિંગ અર્થે રેલવે વ્યવહારથી અવરજવર કરતી હતી. અને આજે દીકરીનો ઓર્ડર આવતાં માતા-પિતા અને પાડોશીઓમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી.

મારી પ્રગતિમાં મારાં માતા-પિતાનો સિંહફાળો
ઊર્મિલા રાઠોડે જણાવ્યું હતું કે, મારી પ્રગતિમાં સૌથી મોટો સિંહફાળો મારાં માતા-પિતાનો છે. સ્થિતિ કપરી પણ માતા-પિતાએ મહેનત કરી શિક્ષણ પૂરું કરાવ્યું. જેને લઈ આજે આ મુકામ સુધી પહોંચી શકી છું.

Most Popular

To Top