Columns

‘હું મજામાં છું’ ની પાછળ

આપણો ગુજરાતીઓનો એક પ્રશ્ન છે, જે આપણે જેને મળીએ તેને પૂછીએ છીએ અને બધાને પૂછીએ છીએ.બધા નોન ગુજરાતીઓને પણ આ પ્રશ્ન પૂછવા જેટલું ગુજરાતી બોલતાં આવડે જ છે.તમે સમજી જ ગયા હશો, કયા પ્રશ્નની વાત કરું છું.ચાલો, હજી બે હીન્ટ આપું.એક — બે શબ્દોનો જ પ્રશ્ન છે …બીજી તેનો જવાબ કોઈને પણ પૂછો, બધા એક જ આપે છે.બરાબર.પ્રશ્ન છે – ‘કેમ છો?’ અને બધાનો જવાબ છે – ‘મજામાં છું.કોઈ તમને પૂછશે કેમ છો? તમે જવાબ આપશો ‘હું મજામાં છું’ અને તમે કોઈને પૂછશો ‘કેમ છો?’ તો જવાબ મળશે ‘મજામાં છું.’ આ આપણી ઓળખ.આપણી પરંપરા પડી ગઈ છે.સવાલ પણ આ નક્કી અને જવાબ પણ નક્કી.

ચાલો, આ સવાલની પાછળ અને જવાબની પાછળ શું છુપાયેલું છે તે વિચારીએ અને સમજીએ.જેટલાં લોકો પૂછે છે કે કેમ છો? તેમાં સાચી ચિંતા ભાગ્યે જ હોય છે.મોટે ભાગે એક ફોર્માલીટી ..વાત કરવાની શરૂઆત …કે  એક આદત જ રહેલી છે.કોઈક જ હિતેચ્છુ બનીને ચિંતા કરીને પૂછે છે અને એથીએ આગળ વધીએ તો જેને સાચી ચિંતા હોય છે તેને ‘કેમ છો ?’ પૂછવાની જરૂર જ રહેતી નથી.સાચાં સ્વજનો એકમેકના મનની સ્થિતિ અને જીવનની પરિસ્થિતિથી અજાણ હોતાં જ નથી. ‘ કેમ છો?’ નો જવાબ છે મજામાં છું.તેની પાછળ પણ ઘણું છુપાયેલું છે.આ બે શબ્દના સવાલ અને જવાબનું પૃથક્કરણ કરીએ તો તેમાં ઘણું ન કહેવાયેલું ..ન બોલાયેલું ..ન જીવાયેલું જોવા મળે …હોઠો પર મજામાં છું અને દિલમાં અનેક ગમ છુપાયેલા મળે…જે સ્થિતિમાં છો અને કહો છો મજામાં છો …

આવું જીવન અને સ્થિતિ ક્યારેય ન કલ્પેલી હોઈ શકે ..અનેક મરી ગયેલી કે દબાઈ ગયેલી ઇચ્છાઓ …અને ન પૂરાં કરી શકાયેલાં સપનાંઓ તેની પાછળ  સંતાયેલાં મળે.પણ તેની ઉપર છે આ ‘મજામાં છું ‘શબ્દોની ખુમારી …આ શબ્દોની સકારાત્મકતા… સંજોગો કેવા પણ હોય, પણ ‘હું તો મજામાં છું.’ આ તાકાત આપણા બધાની અંદર છે જ અને આપણી ઓળખ છે. જવાબમાં સકારાત્મકતાની ચમક છે તે બધું ભૂલીને હંમેશા ચમકતી રહે છે અને આપણને હસતા મોઢે ..ચમકતા ચહેરે બોલાવે છે ‘હું મજામાં છું.’  બસ ‘કેમ છો?’ દિલથી કાળજીથી પૂછતાં રહીએ અને હસતા ચહેરે કહેતાં રહીએ ‘હું મજામાં છું.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top