Sports

હવે રોહિત શર્માની થશે કેપ્ટનપદેથી હકાલપટ્ટી? BCCIનું મિશન ક્લીન ઈન્ડિયા શું છે?

મુંબઈ: T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમની શરમજનક હારને લીધે ચાહકોનું દિલ તૂટી ગયું હતું અને લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા હતા. વર્લ્ડકપમાં કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ પરિવર્તનની દિશામાં વિચારવાનું શરૂ કરી દીધું હતું અને બોર્ડે શુક્રવારે પસંદગી સમિતિને હાંકી કાઢીને પોતાના ઈરાદા જાહેર કરી દીધા હતા ત્યારે હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે પસંદગી સમિતિ બાદ હવે કેપ્ટન રોહિત શર્માનો વારો છે. હવે કેપ્ટન રોહિત શર્મા પર તલવાર લટકી રહી છે. BCCI રોહિત શર્માની (Rohit Sharma) કેપ્ટનશિપ પર પણ મોટો નિર્ણય લઈ શકે છે.

પૂર્વ ક્રિકેટરો દ્વારા ત્રણેય ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન રાખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સંભવ છે કે રોહિત શર્મા ટેસ્ટ અને વનડેની કમાન સંભાળશે, જ્યારે T20 ટીમની કમાન અન્ય કોઈના હાથમાં હશે. જો આમ થાય છે તો શક્ય છે કે હાર્દિક પંડ્યા T20 ઈન્ટરનેશનલ ટીમનો કેપ્ટન બને. તેમની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું હતું. ત્યારથી તેને ટીમ ઈન્ડિયાનો ભાવિ કેપ્ટન માનવામાં આવી રહ્યો હતો.

હાર્દિક પંડ્યા હશે આગામી T20 કેપ્ટન!
આ અંગે BCCIના એક સૂત્રનું કહેવું છે કે, ‘હવે પરિવર્તનનો સમય આવી ગયો હોવાનું બધા જ સ્વીકારી રહ્યાં છે. સૌપ્રથમ તો આપણને સૌને લાગે છે કે રોહિત શર્મા પાસે આપવા માટે ઘણું બધું છે પરંતુ T20 વર્લ્ડ કપ 2024 માટે આપણે અત્યારથી જ તૈયારી શરૂ કરવાની જરૂર છે. હાર્દિક આ રોલ માટે એકદમ ફિટ છે. પસંદગીકારો આગામી T20 ટુર્નામેન્ટ પહેલા હાર્દિકને મળશે અને તેને ભારતના કેપ્ટન તરીકે સત્તાવાર રીતે જાહેર કરશે.

રોહિતનો કેપ્ટનશિપનો રેકોર્ડ વધુ સારો, પરંતુ…
ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023 સુધી ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે રોહિત શર્માને પસંદ કરવામાં આવ્યો હતો. જો તેની પાસેથી T20 ટીમની કેપ્ટનશીપ છીનવાઈ જશે તો તે આ ફોર્મેટમાં પણ નહીં રમી શકે. જો કે, આવું થવું મુશ્કેલ છે, કારણ કે રોહિતના કેપ્ટનશિપના આંકડા ઘણા સારા છે. રોહિતની કપ્તાની હેઠળ, ભારતે 51 T20I રમી છે, જેમાં 39 મેચ જીતી છે, જે વિરાટ કોહલી (50 મેચોમાં 30 જીત) કરતા વધુ સારી છે. જીતની ટકાવારી 76.47 છે, જે એમએસ ધોની (59.28%) કરતા પણ સારી છે.

આ કારણોસર પરિવર્તન થઈ શકે?
વાસ્તવમાં, આગામી T20 વર્લ્ડ કપ 2024માં યોજાવાનો છે. જો ટીમ ઈન્ડિયાને તેની તૈયારીના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ત્યાં સુધી ભાગ્યે જ રોહિત શર્મા રમશે. રોહિત અત્યારે 36 વર્ષનો છે અને 2024માં 38 વર્ષનો થઈ જશે. તેની ફિટનેસ કેવી છે તેના પર ઘણું નિર્ભર રહેશે. એટલા માટે બોર્ડ ઈચ્છે છે કે ત્યાં સુધી કોઈ એવી વ્યક્તિને કેપ્ટનશીપ મળે જે ત્યાં સુધી પોતાના હિસાબે ટીમને તૈયાર કરી શકે. આમાં વિરાટ કોહલી જેવા સિનિયરની ભૂમિકા પણ મહત્વની બની જાય છે.

પરિવર્તન માટે દબાણ શા માટે?
ટી20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ રોહિત શર્મા વિરાટ કોહલીના સ્થાને આ શરતે કેપ્ટન બન્યો કે ટીમ આઈસીસી (ICC) ઈવેન્ટમાં સારો દેખાવ કરશે. એશિયા કપમાં (Asia Cup) પણ રોહિતની કેપ્ટન્સીવાળી ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે દબાણ ઘણું વધી ગયું છે. આવી સ્થિતિમાં બોર્ડ 5 વખતના IPL ચેમ્પિયન કેપ્ટન રોહિતની પણ રાહ જોઈ રહ્યું છે.

Most Popular

To Top