Sports

BCCIની મોટી જાહેરાત, આવતા વર્ષથી વુમન્સ ક્રિકેટર પણ IPLમાં રમતી દેખાશે

મુંબઈ: બીસીસીઆઈના (BCCI) પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગુરુવારે તમામ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને જણાવ્યું હતું કે બોર્ડ આવતા વર્ષની શરૂઆતમાં મહિલા IPL શરૂ કરવા માટે આતુર છે. ગાંગુલીએ 2022-23 માટે સ્થાનિક આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સિઝનના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તમામ રાજ્ય સંગઠનોને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે કહ્યું કે BCCI મહિલા IPL પર કામ કરી રહી છે.

પુરુષોની IPL વિશે ગાંગુલીએ શું કહ્યું?
ગાંગુલીએ પત્રમાં લખ્યું – આ વિશે વધુ માહિતી સમયસર આપવામાં આવશે. તેણે એ પણ ખુલાસો કર્યો કે આવતા વર્ષથી મેન્સ આઈપીએલ હોમ એન્ડ અવેના ફોર્મેટમાં પરત ફરશે. તમામ 10 ટીમોને તેમના હોમ ગ્રાઉન્ડ તરીકે સ્ટેડિયમ નિયુક્ત કરવામાં આવશે. બોર્ડે તમામ રાજ્ય ક્રિકેટ એસોસિએશને આ માહિતી આપી છે. 2020 માં કોરોના ફાટી નીકળ્યા પછી, IPL માત્ર કેટલાક સ્થળોએ જ યોજાઈ છે. 2020 અને 2021 માં, સેકન્ડ હાફ યુએઈના ત્રણ મેદાનો દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં યોજાયો હતો. તે જ સમયે, 2021 IPL ના પહેલા હાફની મેચો દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈમાં રમાઈ હતી.

ટુર્નામેન્ટ હોમ અને અવે ફોર્મેટમાં પરત ફરશે
જો કે, હવે કોરોના કેસમાં ઘટાડો અને નિયંત્રણ બાદ હવે ફરીથી આ ટૂર્નામેન્ટ હોમ અને અવે ફોર્મેટમાં યોજાશે. એટલે કે તમામ ટીમોનું પોતાનું હોમગ્રાઉન્ડ હશે. તેમાં મેચો યોજાશે. BCCI 2020 પછી પ્રથમ વખત સંપૂર્ણ ડોમેસ્ટિક સીઝનનું આયોજન કરી રહ્યું છે અને તમામ બહુ-દિવસીય ટુર્નામેન્ટ પણ પરંપરાગત હોમ અને અવે ફોર્મેટમાં પરત ફરશે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય પુરુષ ટીમ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની યજમાની કરશે જ્યારે મહિલા ટીમ ઓસ્ટ્રેલિયાની યજમાની કરશે.

મહિલા IPL વિશે ગાંગુલીએ શું કહ્યું?
મહિલા IPL ભારતમાં મહિલા ક્રિકેટનું ધોરણ ઊંચું કરશે તેવી અપેક્ષા છે. મહિલા IPL ઉપરાંત, BCCI છોકરીઓની U-15 ODI ટૂર્નામેન્ટ પણ રજુ કરવા જઈ રહી છે. ગાંગુલીએ લખ્યું, અમે આ સિઝનથી ગર્લ્સ અંડર-15 વન ડે ટૂર્નામેન્ટ શરૂ કરીને ખુશ છીએ. સમગ્ર વિશ્વમાં મહિલા ક્રિકેટમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે અને અમારી રાષ્ટ્રીય ટીમ સારો દેખાવ કરી રહી છે. આ નવી ટુર્નામેન્ટ આપણી યુવા છોકરીઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો માર્ગ મોકળો કરશે. પ્રથમ મહિલા અન્ડર-15 ઈવેન્ટ 26 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી દરમિયાન બેંગ્લોર, રાંચી, રાજકોટ, ઈન્દોર, રાયપુર, પુણે એમ પાંચ સ્થળોએ રમાશે.

Most Popular

To Top