Business

દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર કેળાં આટલા મોંઘા થયા: બારડોલીના ખેડૂતોએ કહ્યું, હજુ..

બારડોલી (Bardoli): : દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) કેળાંના (Banana) ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચતાં કેળાંની ખેતી કરનારા ખેડૂતોમાં (Farmers) આનંદની લાગણી જોવા મળી રહી છે. ચાલુ વર્ષ દરમિયાન મે માસથી જ ધીમે ધીમે કેળાંના ભાવ વધવાની શરૂઆત થઈ હતી. અને હાલમાં કેળાંનો એક કિલોનો ભાવ 19.50 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. આ ભાવ આગામી તહેવારોને જોતાં કેળાંના ભાવ વધુ ઊંચાઈ જાય તેવી શક્યતા છે. મણના ભાવ 400 રૂપિયાની ઉપર પહોંચે તેની શક્યતા નકારી શકાય તેમ નથી.

દક્ષિણ ગુજરાતમાં મહત્ત્વનો પાક શેરડી છે. આ ઉપરાંત ખેડૂતો શાકભાજી અને કેળાંની ખેતી પણ કરે છે. ખાસ કરીને સુરત જિલ્લામાં અનેક સહકારી કેળાં મંડળો આવેલા છે. ખેડૂતો સહકારી મંડળી મારફતે કેળાંનો વેપાર કરે છે. જેમાં બારડોલી ચોર્યાસી, પલસાણા, કામરેજ અને મહુવા તાલુકાના કેટલાક વિસ્તારોમાં કેળાંની ખેતી જોવા મળે છે. અહીંના કેળાં વિદેશમાં પણ નિકાસ થાય છે. કેળાંની ખેતીમાં ઉતારચઢાવ હોવાથી ઘણા લાંબા સમયથી ખેડૂતો ખેતી કરતાં અટક્યા હતા. આ ઉપરાંત વાવાઝોડું કે અન્ય કોઈ કુદરતી આપદામાં કેળાંની ખેતીમાં મોટું નુકસાન થાય છે. જેને પગલે ખેતી કરવી જોખમકારક છે. જો કે, હવે આ વિસ્તારના ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે અને ફરી એક વખત ખાંડ ઉદ્યોગની પરિસ્થિતિને જોતાં કેળાંની ખેતી વધુ અનુકૂળ માની રહ્યા છે. હાલ એક કિલો કેળાંના ભાવ 19.50 રૂપિયા પહોંચ્યા છે. અંદાજિત મણના 400 રૂપિયા ભાવ ઐતિહાસિક કહી શકાય છે. જેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ કારણોએ કેળાંના ભાવ ઊંચકાયા
ચાલુ વર્ષ દરમિયાન કેરીનો પાક ઓછો અને મોડો આવતા મે માસમાં કેળાંના ભાવ ઊંચા રહ્યા હતા. બીજી તરફ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ કેળાંની ખેતી ઓછી થઈ છે. ત્યાંથી જે આવક થાય તે બંધ થઈ છે. હાલમાં સુરત જિલ્લામાં પણ કેળાંનું ઉત્પાદન ઘટ્યું છે. જેના પગલે કેળાંનો પુરવઠો ઓછો થતાં ભાવ આસમાને પહોંચ્યા છે.

સરેરાશ 7થી 8 રૂપિયાનો ભાવ મળતો હોય છે
સામાન્ય રીતે કેળાંના ભાવ સરેરાશ 7થી 8 રૂપિયા પ્રતિ કિલો રહેતા હોય છે. જે બદલાતા રહેતા હોય છે. કોઈ વખત આ ભાવ 5 રૂપિયાથી પણ નીચા જતા રહે છે.

આ ભાવ જળવાઈ રહે તો વધી રહેલા ઉત્પાદન ખર્ચ સામે થોડી રાહત થશે
બારડોલીના સહકારી અગ્રણી અને કેળની ખેતી કરતાં રાજેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, ગયા વર્ષે વાવેતર ઓછું થયું હોવાથી ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. જેને કારણે કેળાંનો ભાવ વધારે મળી રહ્યો છે. કેરી પણ ઓછી હોય કેળાંની માંગ વધુ રહી છે. ભાવ સારો મળ્યો હોવા છતાં ઉત્પાદન ખર્ચ પણ ખાસ્સો વધ્યો છે. કેળના પિલા, ડ્રીપ સિસ્ટમ, ખાતરના ભાવમાં થયેલો વધારો છે. દર વર્ષે સરેરાશ 7 થી 8 રૂપિયાનો ભાવ રહે છે. તેની સામે ખર્ચા વધતાં માર્જિનમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે 19.50 રૂપિયાની આસપાસનો ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને મોટી રાહત થશે.

પુરવઠો ઓછો હોવાથી ભાવ વધુ
કેળાંના વેપાર સાથે સંકળાયેલી સરદાર બાગાયત સહકારી મંડળીના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે, હાલ ખેડૂતોને કેળાંના સારા ભાવ મળી રહ્યા છે. પરંતુ બે વર્ષ પહેલા લોકડાઉન વખતે ખેડૂતોને 3 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો. ત્યારે મોટી ખોટ સહન કરવાની નોબત આવી હતી. આ વર્ષે કેળાંનો પુરવઠો ઓછો અને માંગ વધુ હોવાથી ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા છે. હાલનો ભાવ 19.50 રૂપિયા પાંચ દિવસથી સ્થિર છે.

Most Popular

To Top