SURAT

એક અઠવાડિયામાં સીંગતેલની કિંમતમાં સવાસો રૂપિયાનો ઘટાડો, સુરતમાં આ ભાવે ડબ્બા મળે છે!

સુરત(Surat) : તહેવારોની મોસમ શરૂ થવા સાથે જ તેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓ અને ફરસાણના વિક્રેતાઓના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી છે. વીતેલા એક સપ્તાહમાં જ સીંગતેલની કિંમતમાં સવાસો રૂપિયા જેટલો ભારે ઘટાડો નોંધાયો છે. ખાદ્ય તેલના વિક્રેતાઓ અનુસાર મગફળીના સારા પાક ઉતરવાના પગલે આ વખતે તેલનું ઉત્પાદન બમ્પર થયું છે. છેલ્લાં એક અઠવાડિયાથી તેલના ડબ્બા બજારમાં ઠલવાવા માંડ્યા છે, તેના લીધે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ભાવ હજુ ઘટે તેવી શક્યતા નકારી શકાય નહીં.

આ વર્ષે સારો વરસાદ થવાના લીધે સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક સારો થયો છે, તેથી તેલનું ઉત્પાદન પણ નોંધપાત્ર રહ્યું છે. તેના પગલે બજારમાં અપેક્ષા કરતા વધુ તેલના ડબ્બા ઠલવાઈ રહ્યાં છે. બજારના સૂત્રો મુજબ સપ્લાય વધવાના લીધે તેલના ડબ્બાની કિંમતમાં વીતેલા એક અઠવાડિયામાં જબરદસ્ત ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે તા. 16 ઓક્ટોબરના રોજ સીંગતેલનો 15 કિલોનો ડબ્બો 2950 રૂપિયામાં વેચાઈ રહ્યો હતો તેની કિંમત અત્યારે સવાસો રૂપિયા ઘટીને 2875 જેટલી થઈ ગઈ છે. બજારના સૂત્રો કહે છે કે, કિંમત હજુ ઘટશે.

રાજકોટના બજારમાં સીંગતેલના ડબ્બાનો ભાવ ઓછો
રાજકોટમાં પણ સીંગતેલનો ભાવ ઘટ્યો છે. ત્યાં પણ સવાસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. બજારના સૂત્રો મુજબ રાજકોટમાં સીંગતેલના ભાવો ડબ્બે 2650થી 2700 આસપાસ પહોંચ્યા છે. મગફળીની સારી આવક તેમજ નવી મિલો શરૂ થવાને લીધે ભાવો ઘટ્યા છે. આ ભાવ ઘટાડો દિવાળી સુધી ચાલુ રહેશે. દિવાળી બાદ ભાવ સ્થિર થાય તેવી વેપારીઓને અપેક્ષા છે.

આ વર્ષે ભાવ જેમ વધ્યા તેમ તૂટ્યા
ઈન્ટરનેશનલ માર્કેટના લીધે આ વર્ષે જાન્યુઆરીથી માર્ચની તેલ ભરવાની સિઝનમાં ભાવ વધ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધમાં સનફલાવરની ફેક્ટરીને નુકસાન થયું હતું તેથી પણ ભાવ વધ્યા હતા. પામ મલેશિયાથી આવે છે, ત્યાં શોર્ટેજ ઉભી થઈ હતી. મલેશિયાએ નિકાસ અટકાવી હતી, તેથી ભાવ વધ્યા હતા. હવે બધી સ્થિતિ કાબુમાં હોવાથી ભાવ અંકુશમાં આવ્યા છે. આ વર્ષે ચોમાસું સારું રહ્યું હોય નવી સિઝનમાં ભાવ ઘટાડા સાથે ખુલે તેવી શક્યતા છે.

Most Popular

To Top