National

એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો: રાજનાથ સિંહે શા માટે કમાન્ડરોને આપ્યો આ આદેશ?

રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) ગુરુવારે ભારતીય વાયુસેનાના કમાન્ડરો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ઝડપથી બદલાતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાયુસેનાને હવાઈ સંરક્ષણ પ્રણાલીને (Air Defense System) મજબૂત કરવા પર ભાર મૂકવા કહ્યું હતું. રક્ષા મંત્રીએ કહ્યું કે આ બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે સેનાઓએ તેમની ઓપરેશનલ તૈયારી મજબૂત રાખવી પડશે.

હમાસ-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે વિશ્વના અનેક દેશો વચ્ચે અસંભાવનાની સ્થિતિ પ્રવર્તી રહી છે તેવા સમયે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહનું એક નિવેદન સામે આવ્યું છે. દેશમાં પ્રથમ વખત આયોજિત બે દિવસીય એરફોર્સ કમાન્ડર કોન્ફરન્સને સંબોધતા રાજનાથે કહ્યું કે અધિકારીઓએ ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા અને ડ્રોનના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જણાવી દઈએ કે કમાન્ડરો વચ્ચે હમાસ-ઈઝરાયેલ સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓ પર પણ ચર્ચા થઈ હતી.

રાજનાથ સિંહે એરફોર્સ કમાન્ડર કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે વર્તમાન વૈશ્વિક સુરક્ષા પરિદ્રશ્યમાં ઘણા નવા પડકારો ઉભરી રહ્યા છે. આપણે તેનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેવું પડશે. આ બેઠકમાં વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ પાકિસ્તાન અને ચીન સાથેની ભારતની સરહદ પર હવાઈ સુરક્ષાના મુદ્દાનું પણ વિશ્લેષણ કર્યું હતું.

રાજનાથે પોતાના સંબોધનમાં સેનાની ત્રણેય પાંખ વચ્ચે વધુ સારા સંકલન અને કોઈપણ ઓપરેશન દરમિયાન સંયુક્ત આયોજન પર ભાર મૂક્યો હતો. તેમણે વાયુસેનાના કમાન્ડરોને ઝડપથી બદલાતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા અને ભારતીય વાતાવરણ અનુસાર તેનું વિશ્લેષણ કરવા અને તેને લાગુ કરવા જણાવ્યું હતું.

Most Popular

To Top