Comments

‘આઝાદ’ના દાવપેચ ચાલુ!

પીઢ રાજકારણી ગુલામ નબી આઝાદના પુસ્તકનું વિમોચન કરવાનો સમારંભ લગભગ તમામ રીતે જમ્મુ કાશ્મીર વિધાનસભાની થાપ આપી રહેલી ચૂંટણીનું લક્ષ્ય સાધીને બેઠો હોય એવું લાગતું હતું. આ સમારંભના મુખ્ય અતિથિપદે ડૉ.કરણ સિંહ હતા અને પહેલી હરોળમાં નેશનલ કોન્ફરન્સના ડૉ.ફારુક અબ્દુલ્લા. અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ સ્વાયત્તતાનો દરજ્જો આપવાનો તખ્તો તીનમૂર્તિ ભવનમાંથી ગોઠવાયો હતો કારણ કે તે આખરે તો અંતિમ શ્વાસ સુધી ત્યાં નિવાસ કરનાર દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનું સત્તાવાર નિવાસસ્થાન હતું. જે પછીથી સંગ્રહસ્થાનમાં ફેરવાયું.

નવરચિત પ્રાદેશિક પક્ષ ડેમોક્રેટીક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીએ – આઝાદ પાર્ટીના અધ્યક્ષ ગુલામ નબી આઝાદ લિખિત આત્મકથા ‘આઝાદ’ના વિમોચનને કેન્દ્રના હૃદયમાં શું છે તેમાં ડોકિયું કરવાની તક પૂરી પાડી. પુસ્તક માટે હવા ઊભી કરવાના પ્રકાશકના પ્રયત્નના ભાગરૂપે પત્રકારોએ લાંબીલચક મુલાકાતો પ્રસારિત કરી અને કોંગ્રેસીમાંથી બળવાખોર બનેલા આઝાદનું કદ વધ્યું બાકી ગુલામ નબી આઝાદ અને બળવાખોરીને બાર ગાઉનું છેટું!

આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના દૃષ્ટિબિંદુથી ભેગા થયેલા આઝાદ, ડૉ. કરણ સિંહ, ડૉ. અબ્દુલ્લા વચ્ચે વાતચીત થાય છે તેવો કોઈ નાહવાનિચોવવાનો સંબંધ જણાયો ન હતો. હા, જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની ધાણી ફોડવાનો ઈરાદો હતો પણ એ ઝાઝો બર નહીં આવ્યો. આઝાદે જો કે સ્પષ્ટ કર્યું કે મારી આઝાદ પાર્ટી ચૂંટણી પહેલાં કોઈની સાથે સમજૂતી નહીં કરે પણ તેમણે મોદીને એક ‘કુશળ મુત્સદ્દી’ અને ‘વધુ પડતા ઉદાર’ ગણાવી ભાંગરો વાટ્યો હતો! તેમણે બીજી એક મોઘમ વાત એવી કરી કે મારો પક્ષ ચૂંટણી પછી પણ કોઈની સાથે જોડાણ નહીં કરે પણ ભવિષ્યમાં શું થવાનું છે તે કોણ જાણે છે?

તેમનો ઈશારો ભારતીય જનતા પક્ષ સાથેના સંભવિત જોડાણ તરફ હતો.

તેમણે અટકળબાજીની રમત ખુલ્લી મૂકી દીધી હતી અને કહ્યું હતું કે મારે મોદીને તેમને માટે જે કર્યું તે બદલ યશ આપવો પડે કારણ કે તેઓ વધુ પડતા ઉદાર છે. વિરોધ પક્ષના નેતા તરીકે મેં  બંધારણની કલમ- 370 હોય કે નાગરિકતા સુધારા ધારો હોય કે હિજાબ હોય તેમને છોડ્યા ન હતા. મેં કેટલાક ખરડા પસાર થવા દીધા ન હતા પણ એક સાચા મુત્સદ્દીની જેમ તેમણે બદલો લેવાની ભાવના નથી રાખી. આનો નિર્દેશ એવો કરી શકાય કે આઝાદ પાર્ટી ભારતીય જનતા પક્ષના ઘટેલા વર્ચસ્વવાળા જમ્મુ પ્રદેશમાં ચૂંટણી જોડાણ કરી શકે. આખી વાતમાંથી કોંગ્રેસનો તો કાંકરો જ નીકળી જાય છે અને ખીણમાં ડૉ. ફારુક અબ્દુલ્લાના મુસ્લિમ વર્ગનો મોટો ટેકો ધરાવતી નેશનલ કોન્ફરન્સ આઝાદની દાઢીમાં શું કામ હાથ ઘાલે? આથી મોદીની આરતી ઉતારવાની આઝાદની ચેષ્ટાથી ડૉ.અબ્દુલ્લાએ ચેતી જવાની જરૂર છે.

ડૉ. ફારુક અબ્દુલ્લાએ સભાગૃહમાં બેસી સમારંભ માણ્યો તો 1947થી કાશ્મીરના ઉત્પાતના સાથી ડૉ.કરણ સિંહે આઝાદ પરિવાર સાથેના પોતાના સંબંધોની યાદ તાજી કરી હતી અને વડીલ તરીકે આઝાદને સાવધ રહેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે લોકસભાની 1967 અને 1971ની ચૂંટણીમાં આઝાદે મારા માટે પ્રચાર કર્યો હતો. તેઓ આજે એક પ્રાદેશિક પક્ષના સ્થાપક છે પણ આઝાદ સાહેબ, એક પ્રાદેશિક પક્ષ ચલાવવો ખૂબ અઘરો છે છતાં મારી તમને શુભેચ્છા. આઝાદે પાંચ દાયકાના ગાળા પછી કોંગ્રેસ છોડવાના પોતાના નિર્ણય માટે રાહુલ ગાંધીને જ જવાબદાર ગણાવી આત્મકથા લખવાના પોતાના સંજોગો સ્પષ્ટ કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસમાં 23 નેતાઓએ બળવો નહીં કર્યો હોત તો ‘આઝાદ’ ન હોત.

લાગે છે કે રાહુલ ગાંધીના પરિબળનો ફણગો પત્રકારો સાથેની મુલાકાતમાં અવાર-નવાર ઉપસતો રહે એવી ખ્વાહેશ ધરાવતા આઝાદે વિમોચન સમારંભમાં પણ એ વાતનો મમરો મૂક્યે રાખ્યો હતો. આ પરિબળને કારણે આઝાદના આત્મકથાનક પુસ્તકને જાણ્યેઅજાણ્યે પત્રકારોમાં વધુ મહત્ત્વનું સ્થાન મળ્યું છે. લાગે છે કે હવે યુધ્ધ માટેની હરોળ ગોઠવાઈ ગઈ છે. આઝાદે વધુ ગૂઢ અને સાચી પરંપરા મુજબ રાજકીય પ્રાથમિકતાનાં પત્તાં ખુલ્લાં કરી દીધાં છે. આઝાદ પાર્ટી ચૂંટણીચિહ્ન માટે ચૂંટણી પંચ સમક્ષ જંગ ખેલે છે ત્યારે આઝાદ કોંગ્રેસને મજબૂત કરવામાં પોતાના જે કાર્યકરોએ તનતોડ મહેનત કરી હોવાનો દાવો કર્યો છે તેઓ આઝાદ પાર્ટીને કઈ રીતે મજબૂત કરે છે તે જોવાનું રસપ્રદ થઈ પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top