Entertainment

અવનીત કૌર …. મચાવે શોર

સાઉથના એકટરો આજકાલ એકશનમાં ટોપ પર છે તો શું, તેમની જેમ જ સેકસી ને બોલ્ડ દેખાવામાં પંજાબી એકટ્રેસ ટોપ પર છે કે પછી કોઇ પણ એકટ્રેસ પોતાની કારકિર્દીમાં સ્થિરતા ન અનુભવે ત્યાં સુધી સેકસી અને બોલ્ડ દેખાવા એકદમ ખુશ હોય છે. અવનીત કૌર TV એકટ્રેસ છે, જે હમણાં વેકેશન કરવા માલદીવ્સ ગયેલી. માલદીવ્સના કિનારે જેટલા મુકત રહેવું હોય એટલું રહી શકાય છે. ત્યાં તે બિન્દાસ બની ગયેલી અને પછી ત્યાંથી જે એકદમ સેકસી અને ગ્લેમરસ તસવીરો ઇન્ટરનેટ પર મુકી તો અનેક રસિયાઓની લાળ ટપકી હતી.

લાઇકસ અને કોમેન્ટસ એટલા આવ્યા કે અવનીત કૌરને માલદીવ્સમાં ફરતાં ફરતાં મોટી સ્ટાર હોવાનો અહેસાસ થયો. આજકાલ સોશિયલ મીડિયા વડે પણ સેન્સેશનલ પૂરવાર થઇ શકાય છે. એકટ્રેસો માટે સેકસી દેખાવું જાણીતો રસ્તો છે અને ઇન્સ્ટાગ્રામ પર તો એડિટ કર્યા વિના કન્ટેન્ટ મૂકી શકાય છે. અવનીત કૌરએ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’થી શરૂઆત કરેલી, ત્યારે તો લિટલ હતી પણ લાઇફ OK પર તેની ‘મેરી મા’ આવી અને ઝીલ મીલ તરીકે તેને બધાએ યુવાન થતી જોવા માંડી. પછી તો ‘ટેઢે હે પર તેરે મેરે હે’, ‘સાવિત્રી’, ‘એક મુઠ્ઠી આસમાન’, ‘હમારી સિસ્ટર દીદી’, ‘ચંદ્રા નંદિની’ અને ‘અલ્લાદીન – નામ તો સૂના હોગા’ સુધીમાં તે ફેમસ થઇ ગયેલી.

તેમાંય ‘ચંદ્ર નંદિની’ની રાણી ચારુમતી અને ‘અલ્લાદીન…’ની શહેજાદી તરીકે તો અનેકની આંખમાં વસી ગયેલી. આ દરમ્યાન જ તે ‘મર્દાની’, ‘કરીબ કરીબ સિંગલ’, ‘ચિડીયાખાના’, ‘મર્દાની – 2’ ફિલ્મોમાં કામ કર્યું અને હવે ‘ટીકુ વેડસ શેરુ’માં ટીકુ બનીને આવી રહી છે. જલંધર – પંજાબની અવનીત પોતાને નીત નીત બિઝી રાખવામાં માને છે. એટલે ‘બબ્બર કા તબ્બર’ અને ‘બંદિશ બેન્ડિટ’ જેવી વેબ સિરીઝમાં પણ આવી ચૂકી છે અને હા, તે પંજાબણ અને પંજાબમાં ફિલ્મોથી વધારે મ્યુઝિક વિડીયોની બોલબાલા છે. એટલે 24 જેટલા મ્યુઝિક વિડીયોને તેણે તેના સૌંદર્યથી ખાસ બનાવ્યા છે. અનેક ગાયક – ગાયિકા પોતાના વિડીયોને ફેમસ બનાવવા અવનીત પર ભરોસો કરે છે. હવે તેની તસવીરો પછી તો ઘણા ઇન્સ્ટન્ટ ગાઇને ઇન્સ્ટન્ટ વિડીયો બનાવડાવશે.

અવનીતને ખબર છે કે કારકિર્દીમાં કિક ન વાગે તો જૂના પડી જવાય. કંગના રણૌતે પણ તેને ‘ટિકુ વેડસ શેરુ’માં એટલે જ ટિકુ બનાવી હશે. એ ફિલ્મના પોસ્ટરમાં અવનીત રેડ સેકયુન ડ્રેસમાં દેખાયેલી ત્યારે સાથે લખાણ હતું ‘ચલો તો ચાંદ તક, નહીં તો શામ તક’ મિટ તસલીમ ખાન ઉર્ફ ટિકુ. બની શકે કે માલદીવ્સની સફર એ ફિલ્મનું ય પ્રમોશન બની જાય. શું છે કે ફિલ્મ યા TV પર જાણીતા થવા પહેલા જાણીતા થવા માટે સોશિયલ મીડિયા બહુ કામ લાગે છે, ને અવનીત કૌર તે ચુકવા નથી માંગતી. તે હજુ 21મા વર્ષમાં જ પ્રવેશી છે ને તોફાની બનીને છવાઇ રહી છે.

Most Popular

To Top