Entertainment

મોતીલાલની સામે તો દલીપકુમારને ય ઊભા રહેતા ડર લાગતો

મોતીલાલને આજે એ લોકો જ યાદ કરે છે, જેમણે ગઇ સદીના ચોથા દાયકાથી સાતમા દાયકા સુધીની ફિલ્મો જોઇ છે. આજે ફિલ્મ મેકરો બદલાયા છે, પ્રેક્ષક બદલાયો છે અને સ્વભાવિક રીતે જ વિતેલા જમાનાના અનેક કલાકારો રહ્યા નથી. 4 ડિસેમ્બર, 1910માં મોતીલાલ જન્મ્યા હતા સિમલામાં. તેમના પિતા જાણીતા શિક્ષણશાસ્ત્રી હતા. જો કે મોતીલાલ ફકત એક જ વર્ષના હતા ત્યારે તેઓ મૃત્યુ પામેલાં. મોતીલાલ તેમના કાકા પાસે રહી મોટા થયેલા અને કાકા ઉત્તર પ્રદેશના જાણીતા સિવીલ સર્જન હતા. આ કારણે જ તેમનું શિક્ષણ અંગ્રેજીમાં થયેલું. સિમલા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં તેમનું ભણવાનું થયું અને એ દરમ્યાન જ તેઓ ઘડાયા. કોલેજનું શિક્ષણ પૂરું કરી મુંબઇ આવ્યા ત્યારે તો તેમણે નેવીમાં જવું હતું પણ છેલ્લી ઘડીએ માંદા પડયા એટલે પરીક્ષા ન આપી શકયા. હતાશ તો થયા પણ હારે એવા નહોતા.

હેન્ડસમ તો હતા જ. એકવાર તેઓ સાગર સ્ટૂડિયોમાં ફિલ્મનું શૂટિંગ જોવા ગયા અને ત્યાં K.P. ઘોષ નામના દિગ્દર્શકની નજર તેમના પર પડી. 1934માં જ્યારે તેમની ઉંમર 24 વર્ષની હતા, ત્યારે ‘શહેર કા જાદુ’ ફિલ્મમાં હીરો બનાવી દેવાયા. પછી તો એક પછી બીજી ફિલ્મો મળવા માંડી. તેમાં કનૈયાલાલ મુનશીની વાર્તા આધારીત ‘ડો. મધુરિકા’ ઉપરાંત સાગર મુવીટોનની જ ‘કુલવધુ’ ફિલ્મ મળી. આ ફિલ્મોમાં સવિતા દેવી તેમના હીરોઇન હતા. સાગર ફિલ્મ કંપનીમાં જ મહેબૂબ ખાન હતા અને પછી મહેબૂબ ખાનની ‘જાગીરદાર’, ‘હમ તુમ ઔર વો’, ‘તકદીર’ વગેરે ફિલ્મોમાં તેઓ પ્રતિષ્ઠા પામ્યા. કેદાર શર્માએ તેમને ‘અરમાન’ ફિલ્મ આપી.

મોતીલાલ જે અભિનય શૈલી સ્થાપિત કરી તે એટલી નૈસર્ગિક હતી કે દિલીપકુમાર જેવાને પણ તેમની સામે ઊભા રહેતા ડર લાગતો. દિલીપકુમાર સ્ટાઇલાઇઝ્‌ડ એકટર હતા. તેમની સામે મોતીલાલ એ રીતે અભિનય કરે કે કયારે પાત્રને જીવી ગયા તે ખબર જ ન પડે. રાજકપૂરની ‘જાગતે રહો’ યા બિમલરોયની ‘દેવદાસ’ જુઓ તો ખ્યાલ આવશે કે મોતીલાલ શું ચીજ હતા. તેમની લાઇફ સ્ટાઇલ પણ એવી હતી કે ફિલ્મ જગતના અનેક લોકો તેમને જોઇ રહેતા. મોંઘી કાર તો હોય જ કપડા પણ એવા જ પહેરે. દેવઆનંદ જેવા તેમને જોવા ઊભા રહેતા.

તેમની અભિનય શૈલી વિશે તો આજે પણ કહેવાય છે કે જેમણે અભિનય શું છે તે સમજવો હોય તો મોતીલાલનો અભ્યાસ કરે. 1952માં ‘મિસ્ટર સંપત’ ફિલ્મ આવેલી, જેનો અભિનય ઘણા યાદ કરે છે. એ ફિલ્મ R.K. નારાયણની વાર્તા આધારીત હતી. અમિતાભ બચ્ચન જેવાએ પણ મોતીલાલના અભિનયની પ્રશંસા કરી કહ્યું છે કે તેઓ સમયથી ઘણા આગળ હતા. તેમણે 1940માં જે ‘અછૂત’ ફિલ્મમાં કામ કરેલું તેની પ્રશંસા ગાંધી અને વલ્લભભાઇ પટેલે પણ કરી હતી. એકદમ રિયાલિસ્ટિક સ્ટાઇલમાં અભિનય કરનાર મોતીલાલ એકદમ સહજ રીતે ડાયલોગ બોલતા. તેમના સમયમાં તેમના જેવું કોઇ ન હતું.

અંગત જિંદગીમાં તેઓ સુંદર સ્ત્રીનો સંગાથ ઝંખતા અને કાજોલના નાની, નૂતન, તનુજાના મમ્મી શોભના સમર્થ સાથેના તેમના પ્રેમ પ્રસંગ એકદમ ખૂલ્લમ ખૂલ્લા હતા. એટલા ખૂલ્લા કે ઘણા એમ કહે છે કે તનુજાનો જન્મ મોતીલાલ સાથેના સંબંધનું પરિણામ છે. હોય અને ન પણ હોય પણ શોભના સમર્થ પછી નાદિરા સાથે પણ તેમના એવા જ ઘનિષ્ઠ સંબંધ હતા. આ બધું તો ખરું જ, સાથે તેઓ રેસ, જુગાર, ફલાઇંગ અને ક્રિકેટના પણ દીવાના હતા. મોતીલાલને ત્રણેકવાર હાર્ટએટેક આવેલા પણ બચી ગયેલા. જો કે તો પણ તેઓ 5 દાયકા જ જીવી શકયા. તેમની છેલ્લી ફિલ્મોમાં એક ‘યે જિંદગી કિતની હસીન હે’ છે, જેમાં સાયરાબાનો હતી.

તેમણે દિગ્દર્શન નહોતું કરવું જોઇતું પણ ‘છોટી છોટી બાતે’નું કરેલું. એ ફિલ્મના લેખક, નિર્માતા પણ તેઓ જ હતા. આ ફિલ્મમાં તેમની સાથે નાદિરા હતા. ફિલ્મ નહોતી ચાલી. આ ફિલ્મમાં શૈલેન્દ્રના ગીતો હતા. ‘કુછ ઔર જમાના કહેતા હે’, ‘લકડી જલી કોયલા ભયી’, ‘જિંદગી ખ્વાબ હે, હમેં ભી થા પતા’, ‘અંધી દુનિયા મતલબ કી દુનિયા’. જો કે લોકોને તો ‘જિંદગી ખ્વાબ હે, ખ્વાબ મેં જૂઠ કયા ઔર ભલા સચ હે કયા’ (જાગતે રહો), ‘ઇન્સાન કા ઇન્સાન સે હો ભાઇચારા’ (ઇન્સાનિયતો, ‘ઝૂમ ઝૂમ કે દો દીવાને ગાતે જાયે ગલી ગલી’ (મસ્તાના) વગેરે વધુ યાદ છે. તેમના છેલ્લા વર્ષોની ફિલ્મોમાં ‘અસલી નકલી’, ‘પરખ’, ‘અનાડી’, ‘યે રાસ્તે હે પ્યાર કે’, ‘લીડર’ અને ‘વકત’ને પણ ગણી શકો. 17 જૂન, 1965માં તેઓ ફકત 54 વર્ષે મૃત્યુ પામ્યા. મુકેશ જેવા ગાયકના અવાજને પ્રથમ ઓળખનારા પણ મોતીલાલ હતા અને એ જ તેમને મુંબઇ લાવેલા. આજે કોણ એ બધું યાદ કરે? ભલે ન કરે, પણ મોતીલાલ તો છે જ.

Most Popular

To Top