Dakshin Gujarat

વાલોડ પંચાયત કચેરીમાં જ પતિએ પત્નીને સળગાવી પોતે પણ સળગી મર્યો

વ્યારા: વાલોડ (valod) તાલુકા પંચાયત કચેરીનાં પહેલા માળે આજે બપોરે મનરેગા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતી મયુરીકા ગામીત પર કેરોસીન છાંટી તેને સળગાવી (Fire) દઈ તેના પતિ (Husband) અમિત પટેલે પણ પોતાના પર કેરોસીન છાંટી સળગી જવાની ઘટના બનતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

  • વાલોડમાં પત્નીને સળગાવ્યા બાદ પતિ પણ સળગી ગયો
  • પત્ની પર વહેમ રાખી પતિએ આ પગલું ભર્યું
  • પતિ અમિત પટેલને શક હતો કે તેની પત્ની મયુરીકાનાં પર પુરુષ સાથે આડાસંબંધ છે

વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી મયુરીકા ગામીત (ઉ.વ.૪૦) (રહે. ચાંપાવાડી નિશાળ ફળીયુ, તા.વ્યારા જી.તાપી) બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં તાલુકા પંચાયત કચેરીમાં ફરજ પર હતી. ત્યારે બપોરે ૩:૧૫ વાગ્યાના અરસામાં તેનાં પતિ અમિત પટેલ ત્યાં આવ્યો હતો. અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. મયુરીકા ગામીત કઇ વિચારે તે પહેલા તેનાં પતિ અમિત પટેલે પોતાની સાથે લાવેલ કેરોસીન જેવું જ્વલન શીલ પ્રવાહી મયુરિકા બેનનાં શરીર પર ઢોળી દીધું હતું. તેથી મયુરીકા ગામીત ભાગીને લોબીમાં આવતાં તેની પાછળ જઇ અમીત પટેલે તેને પકડી લાઇટરથી આગ ચાંપી દીધી હતી. ત્યાર બાદ અમીત પટેલે પોતાના પર પણ જ્વલન શીલ પ્રવાહી છાંટતાં તે પણ આગની લપેટમાં આવી ગયો હતો. ગણતરીની મિનિટોમાં બંને પતિ પત્ની ભડથું થઈ ગયા હતા.

કચેરીનાં કર્મચારીઓએ અગ્નિ શામક સાધનોથી બંનેને બચાવવાનાં પ્રયાસો કર્યા હતા પરંતુ તે નિરર્થક રહ્યા હતા. ઘટનાં સ્થળે પહોંચેલ ૧૦૮ એમ્બ્યુલન્સનાં તબીબોએ બંને પતિ પત્ની ને મૃત જાહેર કર્યા હતા. દરમિયાન પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે આડા સંબંધને લઇને છેલ્લા બે વર્ષથી ઝઘડો ચાલતો હતો. પતિ અમિત પટેલને શક હતો કે તેની પત્ની મયુરીકાનાં પર પુરુષ સાથે આડાસંબંધ છે. તે વ્હેમમાં આજે અમિત પટેલે પહેલાં પત્નીને સળગાવી દઈ પોતે પણ સળગી મર્યો હતો. આ ઘટનાને લઇ વાલોડ સહિત સમગ્ર તાપી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

Most Popular

To Top