National

ભાજપ શાસિત આ રાજ્યએ લીધો મોટો નિર્ણય :છોકરીઓને શાળાએ જવા માટે રોજ મળશે 100 રૂ.

ગુવાહાટી (Guwahati): છોકરીઓને શાળાએ જવા અને પગ પર ઉભા રહેવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તેમને દરેક પગલાને ટેકો આપવાની વધુ જરૂર છે. આસામ (Assam) સરકારે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ સારો નિર્ણય લીધો છે, જેની સોશિયલ મીડિયા પર પણ ઘણી પ્રશંસા થઈ રહી છે. વર્ષોથી આપણા દેશમાં બાળકો શિક્ષણ લેવા માટે શાળાએ આવે એ માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી છે. મિડ-ડે મીલ સ્કીમ (Mid-Day Meal Scheme) જેવી યોજનાઓ એમાંની એક છે.

આપણા દેશમાં પહેલાથી જ એવી માન્યતા રહી છે કે છોકરીઓને વધુ શિક્ષણ આપવાની જરૂર નથી કારણ છોકરીઓને એક દિવસ લગ્ન કરીને બીજા ઘરે જ મોકલવાની હોય છે. જો કે આ માન્યતા શહેરી વિસ્તારોમાં મોટા પાયે બદલાઇ છે. પણ ભારત જેવા દેશોમાં જ્યાં હજી પણ ગ્રામીણ વિસ્તારો વધુ છે, ત્યાં આવી માન્યતા હજી બદલાઇ નથી. જો કે આસામ રાજ્ય જે યોજના લઇને આવ્યુ છે તેનાથી કન્યા શિક્ષણમાં વધારો થાય એવી આશા છે.

આસામ રાજ્ય સરકારના નિર્ણય મુજબ, આસામની શાળાએ જતી દરેક વિદ્યાર્થીનીઓને દરરોજ શાળાએ આવવા માટે 100 રૂપિયા મળશે. આસામના શિક્ષણ પ્રધાન હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે રાજ્યમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા આ પહેલ કરવામાં આવી રહી છે. આસામના શિક્ષણમંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે ચાલુ મહિનાના અંત સુધીમાં, દરરોજ 100 રૂપિયા આપવાની યોજના શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં રાજ્ય સરકાર 12 મી બોર્ડની પરીક્ષામાં પાસ થનારી યુવતીઓને પ્રજ્ઞાન ભારતી યોજના અંતર્ગત 22,000 ટુ-વ્હીલરનું વિતરણ કરશે.

આ યોજના પર 144.30 કરોડનો ખર્ચ કરવામાં આવશે. શિક્ષણ પ્રધાન હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે રાજ્ય બોર્ડમાંથી પ્રથમ વર્ગમાં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને સરકાર સ્કૂટર પ્રદાન કરશે. ભલે આ સંખ્યા એક લાખને વટાવી જાય. 2018 અને 2019 માં પ્રથમ વર્ગમાં ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલી તમામ છોકરી વિદ્યાર્થીઓને ટુ-વ્હીલર આપવામાં આવશે.

શિક્ષણ પ્રધાન હિમંત બિસ્વા સરમાના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના અંત સુધીમાં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક વિદ્યાર્થીનીઓનાં બેંક ખાતાઓમાં રૂ. 1,500 અને 2,000 ની રકમ જમા કરવામાં આવશે. આ રકમ તેમના પુસ્તક અને અન્ય અભ્યાસ સામગ્રી વગેરેની ખરીદીમાં મદદરૂપ થશે. આસામમાં ગયા વર્ષે જ આ બંને આર્થિક પ્રોત્સાહક યોજનાઓ શરૂ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે શરૂ થઈ શકી નહોતી. હવે સરકાર તાત્કાલિક અસરથી તેને 2021 થી શરૂ કરવા જઈ રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top