Gujarat

આણંદમાં વિદેશ લઇ જવાની લાલચ આપી 61 લાખની છેતરપિંડી કરનારા ગઠિયાને 7 વર્ષની સજા

આણંદ : આણંદના બાકરોલ ખાતે રહેતા વ્યક્તિ સહિત 13ને 2017માં વડતાલના સ્વામી તરીકે પરિચય આપી ગઠિયાએ રૂ.61 લાખની છેતરપિંડી આચરી હતી. આ ગઠિયાએ અમેરિકા લઇ ત્યાં 1500 ડોલર પગાર અને મંદિરમાં રહેવા – જમવાની વ્યવસ્થા કરવાની ખાતરી આપી નાણા પડાવ્યાં હતાં. આ અંગે ચકલાસી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે ગઠિયાની ધરપકડ કરી હતી. આ કેસમાં ન્યાયધિશે સાત વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.

બાકરોલ રહેતા સંજીવકુમાર પટેલ સહિત 13 વ્યક્તિ અમેરિકા જવા ઇચ્છુક હતાં. તેઓએ 7મી ડિસેમ્બર,2017ના રોજ આણંદ ખાતે શૈલેષભાઈના ઘરે બેઠક યોજી હતી અને રૂ.61 લાખ આપવાનું નક્કી કર્યું હતું. આ સમયે શૈલેષભાઈએ વડતાલના સ્વામી તરીકે પરિચય આપનાર શખસને ફોન કર્યો હતો. જેમાં સ્વામીએ વડતાલ સ્વામિનારાયણ સામે ઉભો છું, તમે પૈસા આપી જાવ. હું તમને બેંકનો ડ્રાફ્ટ તથા અમેરિકામાં બે વર્ષ સુધી રહી શકાય તેવું લેખીત રૂ.100ના સ્ટેમ્પ પર લખી આપવાનું કહ્યું હતું. આ ઉપરાંત તમારે અમેરિકા ન્યુજર્સી સ્વામિનારાયણ મંદિરમાં રહેવું હોય તો મંદિરમાં પણ રાખીશું અને એક વ્યક્તિને એક મહિનાના 1500 ડોલર લેખે પગાર પણ આપીશું. તેવી વાતચીત કરી હતી.

જેથી સંજીવકુમાર તમામ રોકડા રૂપિયા લઇ અન્ય કેટલાક પરિચિત સાથે વડતાલ ગયાં હતાં. જ્યાં વડતાલના મોટા ગેટ પાસે બોલાવ્યાં હતાં. બાદમાં સ્વામીએ ગુસ્સે થઇ એકલા આવવાનું કહેતાં સંજીવકુમારે બધાને ઉતારી એકલા જ વડતાલ ગયાં હતાં. જ્યાં સ્વામીએ ફરી ફોન કરી જ્ઞાનબાગ પાછળ આવેલા સ્મશાન પાસે બોલાવ્યાં હતાં. સંજીવભાઈએ ત્યાં પહોંચતાં લાલ ટોપી પહેરી ઉભા શખસને રૂ.61 લાખ આપી વડતાલ બેંક ઓફ ઇન્ડિયામાં આવી જાવ. તેમ કહી નીકળી ગયો હતો. જ્યારે સંજીવકુમાર પણ ફટાફટ નીકળી વડતાલ બેંક ઓફ ઇન્ડીયામાં ગયાં હતાં. પરંતુ સ્વામી તરીકે પરિચય આપનાર શખસે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને બેન્કમાં આવ્યો નહતો. બે કલાક રાહ જોયા બાદ પણ આવ્યાં નહતાં.

આખરે સ્વામી તરીકે પરિચય આપનાર શખસે અમેરિકાના વિઝા અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ સંજીવકુમાર તથા તેમના સગા સંબંધ અને મિત્રોના કુલ રૂ.61 લાખ રોકડા લઇ અમેરિકાના વિઝા નહીં અપાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું જણાયું હતું. આથી, સંજીવકુમારે ચકલાસી પોલીસ મથકે લાલો ઉર્ફે પ્રજ્ઞેશ રમેશભાઈ પટેલ (રહે.લાંભવેલ) અને વડતાલના સ્વામી તરીકે પરિચય આપનાર શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે પોલીસે 16મી ડિસેમ્બર, 2017ના રોજ પ્રગ્નેશ ઉર્ફે લાલાની ધપકડ કરી રિમાન્ડ મેળવ્યાં હતાં. જેમાં તેના ઘરેથી રૂ.56.68 લાખ કબજે કર્યાં હતાં. આ કેસની તપાસ બાદ 15મી ફેબ્રુઆરી, 2018ના રોજ ચાર્જશીટ કરી હતી.

ચકલાસી પોલીસની તપાસમાં પ્રજ્ઞેશ ઉર્ફે લાલો રમેશ પટેલ (રહે.લાંભવેલ) પોતે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામી હોવાનો સ્વાંગ રચી પોતે સ્વામી હોવાની ઓળખ આપી અમેરિકાના વિઝા અપાવવાની લાલચ આપી રૂ.61 લાખની છેતરપિંડી આચરી હતી. આ કેસ નડિયાદ કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકિલ એમ.જે. પટેલની દલીલ અને પુરાવાને ધ્યાને રાખી કોર્ટે પ્રજ્ઞેશ ઉર્ફે લાલાને કસુરવાર ઠેરવી કલમ 406 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા, કલમ 419 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા, કલમ 420 મુજબ સાત વરષની સખત કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top