Columns

આપણને માણસજાત તરીકે હિંસા માફક આવી ગઇ છે કે આપણને સાચી પ્રતિક્રિયા નથી ખબર?

1946ની સાલથી વિશ્વમાં યુદ્ધનું પ્રમાણ ઘટતું ગયું, યુ્દ્ધમાં માર્યા જનારાઓની સંખ્યા સ્વાભાવિક રીતે ઓછી થાય પરંતુ શું આ પછી હિંસાનું અને માનવીય સંઘર્ષનું પ્રમાણ ઘટ્યું? બદનસીબે આનો જવાબ છે ના. યુનેસ્કોના એક અહેવાલ અનુસાર સંઘર્ષ અને હિંસાનું પ્રમાણ વધ્યું છે. પ્રાદેશિક તાણ, કાયદાનો ભંગ, આર્થિક લાભ માટે ગેરકાયદે થતી પ્રવૃત્તિ અને ક્લાઇમેટ ચેન્જને કારણે જ્યારે જીવન જરૂરિયાતની ચીજોની તાણ પડે ત્યારે તે મેળવવા માટે પણ સંઘર્ષ થતા આવ્યા છે. 2016 પછી હિંસક સંઘર્ષનો સામનો કરનારા દેશોની સંખ્યા વધી અને એટલી હદે વધી કે છેલ્લા 30 વર્ષમાં આ હિંસક બનાવોની સંખ્યા જેટલી નહોતી તેટલી થઇ.

જેમ કે સિરિયાના સિવિલ વોરમાં શરૂઆતમાં આઠેક જૂથ હતા તે પછી હજારોની સંખ્યાએ પહોંચ્યા. વળી જેમ પ્રદેશોમાં હિંસા થાય તેમ હિંસાનું પ્રાદેશિકરણ પણ થાય – તેમાં રાજકારણ, આર્થિક, સામાજિક અને લશ્કરના મુદ્દાઓ સરહદોને પાર પણ પ્રસરેલા હોય જેને કારણે સંઘર્ષો લાંબા ચાલે અને તેનો ઉકેલ જલદી ન આવે કારણ કે પારંપરિક રીતે તે સંઘર્ષોને રોકવાના જે પણ રસ્તા હોય તે પ્રત્યે આ પ્રકારના સંઘર્ષો પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે. આવો એક સંઘર્ષ આપણે એક રાષ્ટ્ર તરીકે કાશ્મીરમાં જોયો છે અને જોઇ રહ્યા છીએ.આ તો થઇ એવા સંઘર્ષોની વાત જેમાં હિંસા, અરાજકતા, જાન-માલનું નુકસાન, રાજકારણ જેવું ઘણું બધું ગુંચવાયેલું છે.

પરંતુ તમે માનશો કે 2017માં આખી દુનિયામાં 5 લાખ લોકોના મોત હત્યા કરવાને કારણે થયાં હતાં – આ આંકડો સશસ્ત્ર સંઘર્ષમાં માર્યા ગયેલા 89,000 અને આતંકી હુમલાઓમાં માર્યા ગયેલા 19000 કરતાં કંઇ ગણો મોટો છે. UNના જે ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 16’ છે તેમાંનો એક મુદ્દો છે કે હિંસામાં થતા મોતનો આંકડો નોંધનીય રીતે ઘટાડવાનો છે તેને સિદ્ધ કરવા માટે સામાજિક-આર્થિક-રાજકીય પરિસ્થિતિઓ બદલાય તે જરૂરી છે. જે રીતે દુનિયા આખીમાં હિંસક ગુનાઓની સંખ્યા વધી રહી છે તે જોતાં આ સિદ્ધિ જે 2030 સુધીમાં મેળવવાની છે તે શક્ય જ નહીં બને.

જેમ આપણે ઉપર વાત કરી તેમ હિંસાના પણ અલગ અલગ પ્રકાર હોય છે – આપણા દેશમાં ગૅંગ વૉર્સ નથી થતા – અથવા તો દેખીતી રીતે એ સંઘર્ષો બહાર નથી આવતા એનો મતલબ એમ નથી કે દુનિયામાં બીજે આ પ્રકારના ગુના નથી આચરાઇ રહ્યા. અમેરિકાના અલગ અલગ દેશોમાં ખૂનના બનાવો સૌથી વધુ બને છે – આખી દુનિયામાં થતા હત્યાના બનાવોમાંથી 37% જેટલા ગુના અહીં થાય છે. – તે પણ એવા પ્રદેશોમાં જે વૈશ્વિક વસ્તીમાં માંડ 13% હિસ્સો ધરાવે છે. વળી આપણે ત્યાં પણ ભાઇએ બહેનને રહેંસી નાખી, માએ બાળકોને મારી નાખ્યા, પિતાએ ભાઇના પરિવારને પતાવી દીધો, બૉયફ્રેન્ડે ધોળા દિવસે ગર્લફ્રેન્ડની હત્યા કરી, બળાત્કાર પછી બાળકી કે યુવતીની હત્યા કરી નાંખી જેવા સમાચારો કંઇ નવા નથી. બિમારુ રાજ્યો હોય, હાઇ સોસાયટીવાળા મેટ્રોઝ હોય કે પછી મધ્ય ભારત હોય – બધે જ, બધા જ પ્રકારના હિંસક ગુનાઓ થાય છે. એટલું ઓછું હોય તેમ મહિલાઓ, પત્રકારો, તાજેતરમાં તો પોલીસ સામે આચરાયેલા હિંસક ગુનાઓના સમાચારો આપણે માટે નવા નથી. આવા કિસ્સાઓ વિદેશમાં પણ બને જ છે.

અચાનક જ હિંસાના આંકડાની ચર્ચા શા માટે? આપણે બધા ડિજિટલી સતત પ્રવૃત્ત રહીએ છીએ – ગમે કે ન ગમે પણ એક હકીકત એ છે કે હત્યા-મારપીટ જેવી કોઇ પણ હિંસાને લગતું ‘કોન્ટેન્ટ’ હાથ લાગે તો એની પર નજર કરી લેવાનું આપણને કઠતું નથી. હિંસાનું પ્રમાણ અને સ્વરૂપ બન્ને બદલાતા રહ્યાં છે – કોઇને ભાંડવાથી માંડીને ધમકી આપવી, કોઇને અપમાનિત કરવા, કોઇની ઉશ્કેરણી કરવી, મારઝૂડ કરવાથી માંડીને હત્યા સુધીની ઘટનાઓ થકી હિંસા આચરાય છે. કમનસીબે હિંસાનું આ વમળ આપણી પર પણ અસર કરે છે. હિંસા કેવી છે, તેની તીવ્રતા વધારે છે કે ઓછી છે તે બધાને આધારે આપણે માણસજાત તરીકે તેની ગંભીરતા કે ક્ષુલ્લકતાને નાણવા લાગ્યા છીએ.

હિંસા ક્યાં આચરાઇ છે, તેમાં કયા વર્ગના લોકો સામેલ છે, હત્યા કેટલી ક્રૂર રીતે કરાય છે, જે પણ ગુનામાં સામેલ હતા તે – ભોગ બનનારા અને ગુનો આચરનારા તેમની સમાજમાં પ્રતિષ્ઠાથી માંડીને તેમના રાજકીય ઝુકાવને સુદ્ધાં આપણે ગણતરીમાં લઇએ છીએ – કમનસીબે આપણે તો ધર્મનો પણ આ લિસ્ટમાં ઉમેરો કરીએ છીએ. હિંસાના બનાવ પ્રત્યે આપણી પ્રતિક્રિયા આ બધા પરિમાણોને આધારે નક્કી થાય છે. ઘણી વાર આપણે એવી હિંસાની વાત આવે ત્યારે એવો પ્રતિભાવ સાંભળીએ કે – “આવું તો થાય જ છે ને વળી, ચાલે આ તો”– એવો જ હિંસક બનાવ અથવા તો રાજકીય સંઘર્ષની સ્થિતિ ક્યાંક બીજે બને તો આપણા કાટલાં બદલાઇ જાય છે કારણ કે એ આપણું ‘કન્ડિશનિંગ’ છે.

વળી ચર્ચાઘેલા આપણને આપણો અભિપ્રાય આપવાનો ઉત્સાહ ચાર ગણો હોય છે – ગુનેગાર તો પોતાને જે કાંડ કરવો છે કરીને કાં તો છટક્યો છે કાં તો પોલીસના હાથમાં છે – પણ આપણે એક સમાજ તરીકે આગવું ન્યાયાલય – ‘આપકી અદાલત’ નહીં પણ આગવી અદાલત ખોલી બેસીએ છીએ – ચર્ચા જીતવાના મોહમાં ‘વિક્ટિમ’– ભોગ બનનારનું શું? – એ મુદ્દાનો આખા સમીકરણમાંથી છેદ ઊડી જાય છે. વળી પોતાનો મુદ્દો જ સાચો છે એ સાબિત કરવાની હોડમાં આપણે આપણી માણસાઇ ખોઇ બેસીએ છીએ – અચાનક જ હિંસાની યોગ્યતા કે અયોગ્યતાને બદલે અરાજકતા જ ફેલાયલી રહે તે આપણને માફક આવી જાય છે. બીજાઓ સાથે આચરાતી હિંસાનો સીધો કે આડકતરો હિસ્સો બનવાનું પણ આપણને ફાવી ગયું છે. ટૂંકમાં આપણા પેટનું પાણી નથી હલતું, આપણે નિંભર થઇ ગયા છીએ. ગુના વિશે સાંભળીને આપણને વ્યાકુળતા નથી થતી કે આવું કેમ થયું બલકે કોની સાથે થયું , કેવી રીતે થયું તેવા સવાલો થાય છે. આપણી સંવેદનશીલતાને કાટ લાગવા માંડ્યો છે. હિંસાને મામલે આપણો અભિગમ ‘કોણ ગયું છે’ તેના આધારે નક્કી થઇ રહ્યો છે, એક સ્વસ્થ સમાજ માટે આ લાલબત્તી છે.

બાય ધ વેઃ
આપણી માનસિકતામાં આવેલો બદલાવ એક બાબત છે તો બીજી બાબત છે કે ગુના આચરનારાઓ પાસે હવે વિકલ્પો વધ્યા છે. ટેક સૅવી બનેલા આતંકીઓ હોય કે સીરિયલ કિલર્સ કે પછી કોઇ છોકરીને ડરાવનારો પૂર્વ પ્રેમી તેમની પાસે ડેટા છે. વૈશ્વિક દ્રષ્ટિએ વાત કરીએ તો બાયોલોજિકલ હુમલાઓ અને ન્યુક્લિઅર હથિયારો આધુનિક યુગની શોધ છે, સાઇબર અટેક્સ આંતરરાષ્ટ્રીય વોર ફેરનું હથિયાર બન્યા છે. માણસની પ્રતિક્રિયા પણ જુદી જ હોય છે, માન્યામાં ન આવતું હોય તો તમે પોતે જ આ સવાલનો જવાબ જાતને આપજો – કોઇનું આર્મીમાં શહીદ થવું, કોઇ ગુનેગારનું એન્કાઉન્ટર થવું, વિદેશમાં ક્યાંક અંધાધૂંધ ગોળીબારી થવી, કોઇ મુસલમાનનું લિન્ચિંગમાં મોત થવું, કોઇ ક્લબમાં બળાત્કાર કે પછી કોઇ ગામડામાં એક કોમ દ્વારા બીજી કોમની છોકરી સાથેનું બેહૂદું કૃત્ય, કોઇ દલિતની ઘોડેસવારી બદલ હત્યા કે પછી કાશ્મીરમાં થતી હિંસા – આ દરેકમાં ઘટના હિંસા છે – નકરી હિંસા…શું તમારી પ્રતિક્રિયા એ તમામ પ્રત્યે ઓછાવત્તા પ્રમાણમાં સહાનુભૂતિની છે કે પછી વિગતો પ્રત્યેની ઉત્સુકતા છે કે પછી ‘આપણે કેટલા ટકા’ની છે? – જવાબ કહેશે કે તમારામાં માણસાઇ કેટલી બચી છે.

Most Popular

To Top