Columns

લોકો ભયભીત રહે એમાં શાસકોનું સ્થાપિત હિત હોય છે

આખરે મહમ્મદ ઝુબેરનો જામીન ઉપર છૂટકારો થયો પણ એને માટે સર્વોચ્ચ અદાલતે ખાસ જહેમત ઉઠાવવી પડી. બુધવારે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે જામીનનો આદેશ આપતા તાકીદ કરી હતી કે આજે (બુધવારે જ) સાંજ સુધીમાં કોઈ પણ સંજોગોમાં ઝુબેરને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને તેની જાણ અદાલતને કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિએ આટલું કષ્ટ ઉઠાવવું પડ્યું એનું કારણ એ છે કે આ પહેલાં પણ દિલ્હીની વડી અદાલતે ઝુબેરની જામીનઅરજી માન્ય રાખીને આદેશ આપ્યો હતો કે તેને તાત્કાલિક છોડવામાં આવે. સરકારે આદેશનું પાલન કરવાની જગ્યાએ ઝુબેર ઉપરના આરોપમાં એક વધુ આરોપ ઉમેર્યો હતો અને તેને છોડયો નહોતો. ઝુબેરે તેની સામે સર્વોચ્ચ અદાલતમાં ધા નાખી હતી અને સરકાર વધુ કોઈ ચાલાકી ન કરી શકે એ માટે આજે સાંજે જ છોડવામાં આવે અને અદાલતને તેની જાણ કરવામાં આવે એવી તાકીદ કરી હતી.

રાજકીય કારણસર પકડવામાં આવેલી વ્યક્તિને ન છોડવી હોય અને અદાલતે છોડવાનો હુકમ આપ્યો હોય તો બે ચાલાકી વાપરવામાં આવે છે. એક છે એક પછી એક આરોપ ઉમેરતાં જવાનું. કેટલીક વાર તો આરોપીને છોડવામાં આવે અને તે જેવો જેલની બહાર પગ મૂકે કે તરત નવા ગુનામાં તેને પાછો પકડવાનો. નવી ઘોડી નવો દાવ. વળી પાછો પેલો આરોપી અપીલ કરે, અપીલમાં જજ બીકાઉ કે ડરપોક માટીપગો હોય તો જામીન ન આપે એટલે ઉપલી અદાલતમાં જવાનું, અનેક તારીખો આપવામાં આવે અને એ રીતે 4-6 મહિના ખેંચી કાઢવાના. બીજી તરકીબ છે; “હશે, અદાલતે આદેશ આપ્યો હશે પણ અદાલતનો આદેશ હજુ સુધી અમને નથી મળ્યો.” અદાલતથી જેલમાં આદેશ પહોંચતા આ યુગમાં દિવસોના દિવસો લાગે છે. આજના ડિજિટલ યુગમાં માત્ર બે સેકન્ડમાં ભારતથી અમેરિકા મેસેજ પહોંચે છે પણ જેલના સત્તાવાળાઓને દિવસોના દિવસો સુધી અદાલતોના આદેશ નથી પહોંચતા.

આ બધું એ વ્યક્તિને સતાવવા માટે નથી કરવામાં આવતું જેની ધરપકડ કરવામાં આવી હોય, આ બધું દેશના નાગરિકોને ચેતવવા માટે અને ડરાવવા માટે કરવામાં આવે છે. જો અમારી વિરુદ્ધ બોલશો તો ઝુબેર જેવા હાલ થશે. ઘણા લોકો ડરી જતા હોય છે અને જો આવું વારંવાર કરવામાં આવે અને તે પણ માત્ર વિધર્મીઓ સામે જ નહીં પણ શાસકોનો વિરોધ કરનારા સહધર્મીઓ સામે પણ કરવામાં આવે ત્યારે લોકો વધુ ડરી જતા હોય છે. એ માટે તો ગુજરાતની પોલીસે અવિનાશ દાસ નામના ફિલ્મનિર્માતાની પણ ધરપકડ કરી છે. આરોપ શું છે? તો કહે તેણે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહની વિવાદાસ્પદ અધિકારી સાથેની તસવીર વાયરલ કરી હતી. ડરાવો, પ્રજાને ડરાવો મોટાભાગના લોકો ચૂપ થઈ જશે.

લોકો ભયભીત રહે એમાં શાસકોનું સ્થાપિત હિત હોય છે અને આપણું બંધારણ ઘડનારા લોકોએ નાગરિકને નિર્ભય કર્યો છે. નિર્ભય નાગરિકની નિર્ભયતા જળવાઈ રહે એની તજવીજ કરી છે અને ન્યાયતંત્રને અને એમાં પણ ખાસ કરીને સર્વોચ્ચ અદાલતને કહેવામાં આવ્યું છે કે નાગરિકની સ્વતંત્રતા અબાધિત રહેવી જોઈએ અને એ જોવાનું કામ તમારું છે. આ બાજુ અદાલતો નાગરિકની સ્વતંત્રતા અને નિર્ભયતાની રખેવાળી ન કરી શકે એની પણ તજવીજ કરવામાં આવે છે. એક છે જજોની નિયુક્તિ નહીં કરીને અદાલતોને કેસના ભરાવાથી કચડી નાખવાની. બીજું છે લાંબીલાંબી અને કારણ વિનાની દલીલો કરીને કેસને ગૂંચવવાનો અને અદાલતનો સમય બરબાદ કરવાનો. ત્રીજું છે, પોતાના વળના જજોની નિયુક્તિ અને જો કોઈ ખુદ્દાર જજ આવી ચડ્યો હોય તો ઉપલી અદાલતમાં બઢતી નહીં કરવાની અને ચોથું છે જજોને જ લાલચ આપવાની, ખરીદવાના અને ડરાવવાના. એક વાર વર્તુળ પૂરું થઈ ગયું પછી દેશમાં લોકતંત્રનું કલેવર રહે આત્મા મરી જાય. શાસકોને ડર આત્માનો છે, કલેવરનો નથી. કલેવર તો ઊલટી પ્રતિષ્ઠા આપે છે.

જુઓ અમારો દેશ લોકતાંત્રિક છે. આ સિવાય લોકપ્રતિનિધિગૃહોના કામકાજનો સમય ઘટાડતા જઇને અને જેટલો સમય ગૃહ ચલાવવું પડે એમ હોય ત્યારે ચર્ચા નહીં કરવા દઈને જવાબદેહીથી છટકતા રહેવાનું. ઝુબેર અને દાસનો પ્રશ્ન લોકસભામાં કે અન્યત્ર કોઈ ઉઠાવી જ ન શકે માટે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે કહ્યું કે આજે ને આજે જ છોડવામાં આવે. કોઈ નવી વાત નહીં. પણ આવા અપવાદો ક્યાં સુધી મળતા રહેશે? નીચેથી ચંદ્રચૂડોની ભરતી થતી બંધ થઈ જશે અને ગોગોઈ મહાશયોની થવા લાગશે એ પછી અદના નાગરિકનું કોણ? માટે નિર્ભય પણ સરવાળે અદનો નાગરિક કેટલો ઓથ વિનાનો છે એનું પ્રદર્શન કરવામાં આવે છે કે જેથી બાકીના લોકો મોઢું ખોલતા પહેલાં કે કોઈ ચીજ વાયરલ કરતા પહેલાં સો વાર વિચારે.

ગયા અઠવાડિયે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે એક સમારંભમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અને કેન્દ્રના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન કિરણ રિજીજુની હાજરીમાં ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના અંતરાત્માનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. અહીં આપણે અશોક ગેહલોતને અને કોંગ્રેસના બીજા નેતાઓને સવાલ પૂછવો જોઈએ કે તમે 4 દાયકા સુધી રાજ કર્યું ત્યારે સુદ્રઢ લોકતંત્રની પરિપાટી વિકસાવી હોત તો આવા દિવસો આવ્યા હોત? ઢાંચો તમે કમજોર કર્યો હતો જેનો તમારા અનુગામીઓ લાભ લઈ રહ્યા છે.

બંધારણસભાના સમાપન સત્રમાં બંધારણને દેશ સમક્ષ પ્રસ્તુત કરતા કરેલા આખરી પ્રવચનમાં ડૉ. આંબેડકરે કહ્યું હતું કે જગતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધારણ પણ લોકતંત્રની કોઈ બાંયધરી ન આપી શકે, જો શાસકોનો ઈરાદો મલીન હોય તો. એની સાથે શ્રેષ્ઠ શાસકો પણ હોવા જોઈએ. એવા શાસકો જેઓ સ્વેચ્છાએ લોકતંત્રને વરેલા હોય અને સામે ચાલીને મર્યાદાનું પાલન કરીને તંદુરસ્ત લોકતાંત્રિક પરિપાટી વિકસાવે. લોકશાહી માટે બંધારણ કરતાં પરિપાટી વધારે પરિણામકારી નીવડે એમ વિશ્વપ્રસિદ્ધ બ્રિટિશ બંધારણવિદ્ આઈવર જેનિંગ્સે કહ્યું હતું એ ખોટી વાત નથી. કોંગ્રેસે પરિપાટી તો નહોતી વિકસાવી, ઉપરથી છીંડાં પાડ્યાં હતાં એ ઈતિહાસ છે. અત્યારે એ છીંડાં પહોળાં થઈ રહ્યા છે.

Most Popular

To Top