Columns

ડિજિટલ ન્યૂઝ મીડિયા નિયમનની કોઈ સીમારેખા રહેશે?

કેન્દ્ર સરકારે હવે ડિજિટલ મીડિયા ન્યૂઝ પોર્ટલ નિયમન અર્થે કાયદો લાવી રહી છે. આ કાયદાનું સંભવિત નામ ‘ધ રજિસ્ટ્રેશન ઑફ પ્રેસ એન્ડ પિરિયોડિકલ્સ બિલ 2019’ હશે. અગાઉ ભારતમાં અખબારી સંસ્થાનોને નિયમન કરવાનું બિલ ‘પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ એક્ટ 1867’ ના કાયદા દ્વારા થતું હતું. જો કે આ કાયદો ડિજિટલ મીડિયા ન્યૂઝ પોર્ટલને લાગુ પડતો નહોતો તે અંતર્ગત ડિજિટલ સિવાયના માધ્યમો આવતા હતા. જો કે તેમ છતાં એવું તો નહોતું કે સરકાર કોઈ ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ સાથે સલંગ્ન હોય અને તેના પર આરોપ ઘડવા માંગે તો તે ઘડી શકતી નહોતી.

દેશમાં મોહમ્મદ ઝુબૈર સહિતના અનેક કિસ્સા એવા મળી આવશે જેમના પર કાર્યવાહી ડિજિટલ ન્યૂઝ મીડિયા સાથે સંલગ્ન હોવાના કારણે થઈ છે. ડિજિટલ ન્યૂઝ મીડિયા સંસ્થાન માટેનો પણ કાયદો ન હોવાથી સરકાર અન્ય કલમ હેઠળ પત્રકારોની ધરપકડ કરતી રહી છે. અગાઉ તેમાં રાજદ્રોહની કલમ ‘124-A’નો પણ ઉપયોગ થયો છે. આમ ઘણા વખતથી ડિજિટલ મીડિયા સંસ્થાન પર નિયમનની વાત ચાલી રહી હતી અને હવે સરકાર તે કાયદો લાવવા જઈ રહી છે.

સ્થાનિક હોય કે આંતરરાષ્ટ્રિય ન્યૂઝ પોર્ટલની દુનિયામાં નવી-નવી વેબસાઇટ્સ લોન્ચ થઈ રહી છે. આ કારણે ન્યૂઝની ભરમાર છે. સાથે જે પરંપરાગત અખબાર અને ટેલિવિઝન ન્યૂઝ ચેનલોએ પણ ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ શરૂ કર્યા છે, જે કારણે ન્યૂઝ અવિરત જનરેટ થઈ રહ્યા છે. આજે ક્યાંય પણ કશુંય થાય તો તેને તુરંત ન્યૂઝ પોર્ટલ પર જોઈ શકાશે. એક સમયે અખબારી વાચક પાસે ખબર પહોંચતા સહેજેય એક-બે દિવસ નીકળી જતાં. ત્યાર પછી ટેલિવિઝનના આગમન બાદ લાઇવ ટેલિકાસ્ટનો યુગ આવ્યો અને તે ખબરો આપણા સુધી કલાકોમાં પહોંચતી થઈ છે પણ હવે ન્યૂઝ વર્લ્ડમાં ક્ષણોમાં સમાચાર વાઇરલ થાય છે અને વાચકો સુધી પહોંચે છે.

જે ઝડપે ન્યૂઝ આવે છે તે ગતિએ અલોપ પણ થઈ જાય છે. રોજ નવા-નવા ન્યૂઝ પિરસવાનો ટ્રેન્ડ બની ચૂક્યો છે અને તે સ્પર્ધામાં પત્રકારત્વ ખોવાઈ ચૂક્યું છે. આજે પત્રકારત્વની સ્ટોરી સૌ વાચકો સુધી પહોંચાડવી જેટલું સરળ બન્યું છે તેટલી જ શક્યતા સાચા વાચકથી સ્ટોરી ચૂકાઈ જાય તેની પણ થઈ છે. આવું થયું છે તેનું કારણ ડિજિટલ ન્યૂઝ મીડિયાની ભરમાર છે. ડિજિટલ ન્યૂઝ મીડિયાનો લાભ શાસકોએ પણ લીધો, પોતાના પક્ષે મીડિયા કરવા અર્થે તેમણે પણ આરંભમાં ડિજિટલ ન્યૂઝ મીડિયાનો સહારો લીધો. તેની સાથે આ ડિજિટલ મીડિયા પર સરકારની ટીકા કરનારી ન્યૂઝ વેબસાઇટ્સ પણ આરંભાઈ. આ વેબસાઇટોએ ડિજિટલ ન્યૂઝના જે જમા પાસાં હતાં તેનો ભરપૂર ઉપયોગ કર્યો અને સરકારના વિરોધમાં એક અવાજ ઊભો થયો. સરકારની સામે આ ડિજિટલ ન્યૂઝ મીડિયાનું નિયમન કરવાના કોઈ કાયદા ન હોવાથી તેની સામે કાર્યવાહી કરવામાં સરકારને હંમેશાં ખચકાટ રહ્યા કરતો.

અહીં દર્શાવ્યા સિવાયના પણ અનેક મુદ્દા એવા છે જેમાં ડિજિટલ ન્યૂઝ મીડિયા સંસ્થાનને નિયમન કરવાની આવશ્યકતા વર્તાતી હતી. એક સમય સુધી સરકારે નિયમનને લગતા કાયદા ઘડવાનું વિચાર્યું નહોતું ત્યારે ડિજિટલ ન્યૂઝ મીડિયા સંસ્થાનો દ્વારા જ એક એસોસિયેશન ઘડવામાં આવ્યું જેનું નામ હતું : ‘ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિયેશન’. આ સેલ્ફ રેગ્યુલેટરી બોડી હતી જે ઓનલાઈન ન્યૂઝ મીડિયા સંસ્થાન પર નજર પણ રાખનાર હતી. આ એસોસિયેશન દ્વારા એવું અનેક વાર જાહેર કરવામાં આવ્યું કે અમે વિશ્વસનીય ન્યૂઝ માટે પ્રતિબદ્ધ છીએ.

જો કે દેશભરના ડિજિટલ ન્યૂઝ પર નજર રાખવાનો પ્રયાસ સફળ ન નીવડ્યો અને કોઈ ફેક ન્યૂઝ ચલાવે તો તેના પર પગલાં લઈ શકવામાં આ સંગઠન સક્ષમ ન બન્યું. તેથી આમાં છેવટે સરકાર આવી અને હવે તેને નિયમન કરવાની પૂરી સત્તા સરકાર પાસે રહેશે. ડિજિટલ ન્યૂઝ મીડિયાના અનેક પ્રશ્નો છે, તેમાં એક મહત્ત્વનો પ્રશ્ન ડિજિટલ ન્યૂઝ મીડિયાનું ગૂગલ આધારિત અસ્તિત્વ છે. કોઈ પણ ડિજિટલ ન્યૂઝ મીડિયાને ગૂગલ પર આધાર રાખ્યા વિના છૂટકો નથી કારણ ન્યૂઝ મીડિયાની મહદંશે આવક ત્યાંથી થાય છે પણ આ મામલે ગૂગલ અવારનવાર ઘાલમેલ કરે છે અને તેની ફરિયાદ ‘ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિયેશન’ દ્વારા થઈ છે. તેમ છતાં ગૂગલ પોતાની મનમાની ચલાવ્યે રાખે છે.

આ ઉપરાંત એક મુદ્દો એ પણ છે કે જે ‘ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિયેશન’ પરંપરાગત અખબારી-TV ન્યૂઝ ચેનલોના ગ્રુપના ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મથી રચાયું છે. આ કિસ્સામાં તેઓ એવી માંગણી કરી રહ્યા છે કે ડિજિટલ ન્યૂઝ મીડિયાનું જે નિયમન આવે તે અમારા પર અમલી ન બનવું જોઈએ. તેઓએ વર્ષો સુધી જે વિશ્વસનીયતા ટકાવી છે તે મુદ્દે તેમની માગણી છે. જો કે તે સિવાયની એસોસિયેશન પાસે કોઈ ઠોસ દલીલ નથી. પરંતુ તેમણે આમ કહીને અન્ય ન્યૂઝ પોર્ટલથી વેગળા હોવાનો દાવો માંડી દીધો છે. આ રીતે ડિજિટલ ન્યૂઝ પોર્ટલની દુનિયા એક નથી રહી.

હવે વાત અભિવ્યક્તિ સ્વતંત્રતાની જેનો અધિકાર બંધારણે આપણને નાગરિક તરીકે આપ્યો છે. આ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય હેઠળ અખબારી આઝાદી આવે છે અને ડિજિટલ ન્યૂઝ પોર્ટલોની પણ. તેથી જેઓ મીડિયા સંસ્થાનની આઝાદી ઇચ્છે છે તેઓ ડિજિટલ ન્યૂઝ પોર્ટલ અંગે આવી રહેલી પોલિસીનો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે અગાઉથી ‘પ્રેસ ફ્રિડમ ઇન્ડેક્સ’માં ભારતનો ક્રમ ખૂબ પાછળ આવે છે. 2022માં આ ક્રમ વધુ નીચે ઊતર્યો છે અને ક્રમ હવે 150એ છે. આજે આપણે ત્યાં સામાન્ય લોકોને દેખીતી રીતે મીડિયા પર કોઈ અંકુશ ભલે ન લાગતો હોય પરંતુ મોહમ્મદ ઝુબૈરની ધરપકડ એ બાબતનો સંકેત છે.

ભારતીય નાગરિકે તેને મળેલા અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ઉપયોગ કરતા વિચાર કરવો પડશે. મીડિયાની આઝાદીને લઈને જ્યારે નીતિ અમલી બની રહી છે ત્યારે લખનાર-બોલનારાના વિચાર પણ જાણવા જોઈએ. જેમ કે, દિલ્હી વિશ્વવિદ્યાલયના પૂર્વ વાઇસ ચાન્સલર સુધીશ પચૌરી જેઓ લેખક પણ છે તેઓ કહે છે કે, એવું નથી કે ડિજિટલ મીડિયા પર કોઈ કાર્યવાહી થતી નથી. કોઈ મુદ્દો જ્યારે સામે આવે છે ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે. પત્રકારની ધરપકડ કરે છે. અત્યાર સુધી આવા મુદ્દાને IT કાયદા અંતર્ગત નોંધવામાં આવતા હતા અને હવે જે ડિજિટલ ન્યૂઝ મીડિયાનો કાયદો આવી રહ્યો છે તે અપેક્ષિત હતો. સુધીશ પચૌરીને આ કાયદાથી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર કોઈ તરાપ આવશે તેવું લાગતું નથી. સુધીશ પચૌરીની જેમ પ્રસાર ભારતીના પૂર્વ ચેરમેન સૂર્યપ્રકાશનો પણ મત એવો જ છે કે તેમાં લખવા-બોલવાની આઝાદી પર કોઈ અંકુશ નહીં આવે.

પરંતુ જેઓ મીડિયાની આઝાદીના હિમાયતી રહ્યા છે તેઓ સરકાર જે રીતે સંવાદ વિના નીતિ ઘડી રહી છે તેને લઈને શંકા થઈ રહી છે. ઉપરાંત આજે વિદેશી ન્યૂઝ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ થકી સરળતાથી ઉપલબ્ધ છે, જો નિયમન ઘડવામાં આવે તો તેમના પર પણ કોઈ અંકુશ આવી શકે છે. આજે ભારતમાં પાકિસ્તાન અને ચીનના ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ પર જઈને સરળતાથી ન્યૂઝ જોઈ શકાય છે. વિદેશી મીડિયા સંસ્થાન આજે ભારતના ન્યૂઝ કોઈ ઓફિસ વિના પણ મેળવીને ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકી શકે છે. તેના પર પણ અંકુશ લાવવાનો પ્રયાસ થશે. જો કે ન્યૂઝના આ દરિયામાં સરકાર નિયમન કેવી રીતે કરશે તે સવાલ હજુય ઊભો જ છે. નિયમનનો ડ્રાફ્ટ ઘડાઈ ચૂક્યો છે અને તેની વિગત પણ પ્રકાશમાં આવી છે. તેમ છતાં ડિજિટલ ન્યૂઝ મીડિયાના નિયમન કરવાનું અમલી બનાવવા જતાં અભિવ્યક્તિ સ્વતંત્રતા પર તરાપ નહીં આવે તેની ખાતરી કોઈ આપતું નથી.

Most Popular

To Top