National

હવે રાત્રે પણ તિરંગો ફરકાવી શકાશે: ફ્લેગ કોડમાં ફેરફારો

સરકારે દેશના ધ્વજ નિયમોમાં ફેરફાર કર્યા છે અને રાષ્ટ્રધ્વજને દિવસે અને રાત્રે બંને સમયે ફરકાવવાની મંજૂરી આપી છે અને પોલિસ્ટરના તિરંગા ઉપરાંત મશીન વડે બનાવાયેલા રાષ્ટ્રધ્વજના ઉપયોગને પણ છૂટ આપી છે. આ પગલું એવા સમયે આવ્યું છે જયારે સરકાર ૧૩મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરી રહી છે.

તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવાલયોને એક પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રધ્વજના પ્રદર્શન, ફરકાવવા અને ઉપયોગ અંગેની બાબતો ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, ૨૦૦૨ અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ ધારા, ૧૯૭૧ દ્વારા નિયંત્રિત થાય છે.

ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયામાં ૨૦ જુલાઇ ૨૦૨૨ના રોજ સુધારો કરવામાં આવ્યો છે. જ્યારે રાષ્ટ્રધ્વજ જાહેરમાં પ્રદર્શિત થાય કે પ્રજાના કોઇ સભ્યના ઘર પર પ્રદર્શિત થાય, તે દિવસે અને રાત્રે ફરકાવી શકાશે. અગાઉ, તિરંગો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવવાની મંજૂરી હતી, પછી ભલે ગમે તે ઋતુ હોય. રાષ્ટ્ર ધ્વજ હાથે બનાવેલો અને હાથવણાટનો અથવા મશીન બનાવટનો, કોટન, પોલિસ્ટર, ઉન કે સિલ્ક ખાદીનો હોઇ શકે છે. અગાઉ મશીન વડે બનાવેલા અને પોલીસ્ટરના રાષ્ટ્ર ધ્વજનો ઉપયોગ કરવાની મનાઇ હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દેશને સ્વતંત્રતા મળી તેને ૭પ વર્ષ પુરા થવા પ્રસંગે પ્રગતિશીલ ભારતના ૭પ વર્ષ તરીકે કરવામાં આવી રહી છે.

હર ઘર તિરંગા અભિયાન દેશના નાગરિકોને ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી તેમના ઘરો પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. લોકો રાષ્ટ્ર ધ્વજ છૂટથી પોતાના મકાનો પર ફરકાવી શકે તે માટે ફલેગ કોડમાં આ ફેરફારો કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ૧૫મી ઓગસ્ટે દેશનો સ્વાતંત્ર્ય દિન છે તેના બે દિવસ પહેલાથી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવનાર છે.

હર ઘર તિરંગા માટે સરકાર પૂરતો પ્રયત્ન કરી રહી છે. તેનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે માન વધે તેમજ દેશદાઝની ભાવના પ્રજ્વલિત થાય થે છે. આઝાદી પછી પહેલી વાર 13 ઓગસ્ટથી લોકોને મકાન ઉપર ત્રિરંગો ફરકાવવાની અપીલ કરવામાં આવી છે જેના કારણે દરેક મકાનો, દુકાનો અને વ્યાપારિક સંકુલો ઉપર ત્રિરંગો લહેરાતો જોવા મળશે.

Most Popular

To Top