પંજાબના ફગવાડામાં આવેલી જાણીતી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)ના કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલ નજીક એક વિદ્યાર્થિની સાથે જાતીય સતામણીના કથિત બનાવ બાદ વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બની ગયું છે. આ ઘટનાની અફવાઓ ફેલાતા જ વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. સોશિયલ મીડિયા પર આગચંપી અને તોડફોડથી લઈને વિદ્યાર્થીઓ દ્વારા MiG-23 વિમાન અને લશ્કરી ટેન્ક પર ચઢવા સુધીની ઘટનાઓના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન યુનિવર્સિટીના ડીને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
યુનિવર્સિટીના ડીનનું મહત્વનું નિવેદન
LPUના ડીન ડૉ. સૌરભ લખનપાલે જણાવ્યું હતું કે તોડફોડની ઘટનામાં વિદ્યાર્થીઓ નહીં પરંતુ અસામાજિક તત્વો સામેલ હતા. ડીને નોંધ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં બહારની વ્યક્તિ દ્વારા કથિત જાતીય સતામણીની ઘટના અંગે વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે પોલીસે FIR નોંધી છે. તેમણે વધુમાં કહ્યું, “આ અફવાઓને કારણે ભડકેલા રોષનો મામલો છે. તોડફોડમાં વિદ્યાર્થીઓ નહીં પણ અસામાજિક તત્વો સામેલ હતા. અમે પોલીસને સંપૂર્ણ સહકાર આપીશું અને અમે વિદ્યાર્થીઓની બનેલી એક સમિતિની પણ રચના કરી છે.”
અસામાજિક તત્વોની સંડોવણી
ડીન સૌરભ લખનપાલે કહ્યું, “અમને લાગે છે કે આમાં કેટલાક અસામાજિક તત્વો સામેલ છે. વિદ્યાર્થીઓ ક્યારેય આવું કામ ન કરે. જ્યારે અમે તેમને આ કેસ વિશે પૂછપરછ કરી ત્યારે તેમની પાસે કોઈ નક્કર વિગતો નહોતી. આ બાબતો વિદ્યાર્થીઓ વચ્ચે અફવા તરીકે ફેલાવવામાં આવી હતી.”
વિદ્યાર્થીઓની સમિતિની રચના
ડીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની એક સમિતિની રચના કરવામાં આવી છે અને તેમને ખાતરી આપવામાં આવી છે કે આ કેસની તપાસ તેમની ઈચ્છા મુજબ જ કરવામાં આવશે. તપાસનું દરેક પાસું નિષ્પક્ષ રહેશે. તેમણે કહ્યું, “અમે દરેક રીતે વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે સંપૂર્ણ તૈયાર છીએ.” ડીને એ પણ નોંધ્યું હતું કે વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધને કારણે યુનિવર્સિટીને ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત નેશનલ હાઈવે બ્લોક થવાને કારણે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે અફવાઓને સમર્થન આપે તેવો કોઈ પુરાવો નથી.