World

ચીનની ઉશ્કેરણી સામે અમેરિકાએ આપ્યો ભારતનો સાથ, તવાંગ તણાવ પર પેન્ટાગોનનું મોટું નિવેદન

નવી દિલ્હી: અરુણાચલમાં (Arunachal) LAC પાસે તવાંગમાં (Tawang) અથડામણ પર અમેરિકાએ (America) ભારતનું (India) સમર્થન કર્યું છે. પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી પેટ રાયડરે કહ્યું કે ચીન જાણી જોઈને ઈન્ડો-પેસિફિક રીઝનમાં અમેરિકન અને તેના સહયોગી-ભાગીદાર દેશોને ઉશ્કેરી રહ્યું છે અને અમે અમારા સહયોગી દેશોઓની સુરક્ષા માટે અમારી પ્રતિબદ્ધતામાં અડગ છીએ.

પેન્ટાગોને કહ્યું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સ્થિતી પર નજીકથી નજર રાખી રહ્યું છે. અમેરિકાએ LAC નજીક ચીન દ્વારા લશ્કરીકરણ અને લશ્કરી માળખાના નિર્માણની પણ ટીકા કરી છે. પટાંગનના પ્રેસ સેક્રેટરી પેટ રાયડરે કહ્યું, “અમે અમારા સહયોગીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતામાં અડગ રહીએ છીએ.” ભારતને સમર્થન આપતાં પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે અમે ભારત દ્વારા તણાવ ઘટાડવાના પ્રયાસોનું સમર્થન કરીએ છીએ.

અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ – અમેરિકા
વ્હાઇટ હાઉસે પણ એક નિવેદન બહાર પાડ્યું છે.અમેરિકાના રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે કહ્યું કે અમેરિકા એલએસી પર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. અરુણાચલમાં સરહદી અથડામણ પર નિવેદન જારી કરતા અમેરિકાએ કહ્યું કે આ ખુશીની વાત છે કે બંને દેશોની સેનાઓ સમયસર પીછેહઠ કરી.

યુએન સેક્રેટરી જનરલે તણાવ ઘટાડવા હાકલ કરી
બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ બંને દેશોને સરહદ પર તણાવ ઓછો કરવા આહ્વાન કર્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભા અને રાજ્યસભામાં પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘ભારતીય સેનાએ બહાદુરીથી PLAને અમારા વિસ્તારમાં અતિક્રમણ કરતા અટકાવ્યું અને તેમને તેમની પોસ્ટ પર પાછા જવા માટે મજબૂર કર્યા હતા. અથડામણમાં બંને પક્ષના કેટલાક સૈનિકો ઘાયલ થયા હતા. સિંહે કહ્યું કે ભારતીય સેનાએ 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના યાંગત્સે ક્ષેત્રમાં એકપક્ષીય રીતે સ્થિતિ બદલવાના ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.

યુએન સેક્રેટરી-જનરલના પ્રવક્તા સ્ટીફન ડુજારિકને જ્યારે આ મુદ્દે ટિપ્પણી કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, હા, અમે અહેવાલો જોયા છે. અમે ડી-એસ્કેલેશન માટે હાકલ કરીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે આ વિસ્તારમાં તણાવ વધુ ન વધે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને બેઇજિંગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બંને પક્ષોએ રાજદ્વારી અને સૈન્ય માધ્યમો દ્વારા સરહદી મુદ્દાઓ પર સરળ વાતચીત જાળવી રાખી છે. જૂન 2020માં ગાલવાન ઘાટીમાં ભીષણ અથડામણ બાદ બંને દેશોના સૈનિકો વચ્ચે આ પ્રથમ મોટી અથડામણ છે.

Most Popular

To Top