Gujarat

અંબાજીના પ્રસાદમાં પણ ભેળસેળ! મોહનથાળ પ્રસાદમાં વપરાતા ઘીના સેમ્પલ થયા ફેલ

બનાસકાંઠા: હાલ અંબાજી (Ambaji) મંદિરે ભાદરવી પૂનમના મેળાને કારણે ભારે સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. એવામાં અંબાજી મંદિરના પ્રસાદ (Prasad) મોહનથાળને લઇને ફરી વિવાદ શરૂ થયો છે. જો કે અગાઉ પણ મોહનથાળના પ્રસાદને લઇને વિવાદ સર્જાયો હતો. જે બાદ સરકારે પ્રસાદી અંગે મોટો નિર્ણય લીધો હતો કે મોહનથાળ તથા ચીક્કી બંને પ્રસાદી તરીકે આપવામાં આવશે. હવે ફરી વાર પ્રસાદીમાં ભેળસેળવાળું ઘી (Ghee) વાપરતા હોવાનું સામે આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અગાઉ ફૂડ વિભાગ (Food and Drugs Department) દ્વારા પ્રસાદ બનાવવા માટે વાપરવામાં આવેલા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ ઘીની તપાસ બાદ સેમ્પલ ફેલ જતાં ઘીના 180 જેટલા ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતાં. પ્રસાદીમાં થયેલી આ ઘટના બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

મળતી માહિતી મુજબ અંબાજી મંદિર ખાતે આ મોહનથાળ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રક્ટ મોહિની કેટરર્સને આપવામાં આવે છે. અગાઉ થયેલ વિવાદથી બચવા આ વખતે ભાદરવી પૂનમના મેળા અગાઉ ફૂડ વિભાગ દ્વારા પ્રસાદ બનાવવા માટે વાપરવામાં આવેલા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેના પરિણામે પ્રસાદના ઘીના સેમ્પલ ફેલ હોવાનું સામે આવ્યું છે. એટલે કે પ્રસાદ માટે વાપરવામાં આવતા ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે. તેથી ફૂડ વિભાગે તાત્કાલિક મંદિરના પ્રસાદી વિભાગમાંથી 180 ઘીના ડબ્બા જપ્ત કર્યા છે. અહીં નોંધનીય છે કે હજી આ અંગે અજન્સી સામે કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

આ અંગે વધુ જાણકારી આપતા બનાસકાંઠાના કલેકટર વરૂણ કુમારે જણાવ્યુ હતું કે અંબાજી યાત્રાધામ ખાતે આ દિવસોમાં ભારે માત્રામાં યાત્રાળુઓ આવતા હોય છે. ભાદરવી પૂનમનો મેળો હોવાને કારણે મોટી સંખ્યામાં પ્રસાદ બનાવવામાં આવે છે તેમજ મોટા પ્રમાણમાં ઘીના જથ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ કામ એજન્સીને જ સોંપી દેવામાં આવતું હોય છે. એજન્સી દ્વારા ઘી સ્ટોર કરાયું ત્યારે તેમાંથી 28 ઓગસ્ટના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનું પરિણામ 15 સપ્ટેમ્બરે આવ્યું હતું. ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવતા બાકી ઘીના ડબ્બા સીઝ કરી લેવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે બનાસ ડેરીમાંથી ઘીની વ્યવસ્થા કરીને સારી ગુણવત્તાના ઘીમાં પ્રસાદ બનાવાયો હતો. વધુમાં ક્વોલિટી કન્ટ્રોલ માટે જિલ્લા પુરવઠા અધિકારીની આખી ટીમની દેખરેખ હેઠળ પ્રસાદ બન્યો હતો. જો કે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમના નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરશે.

Most Popular

To Top