Comments

સત્તાની સાથે શાસનમાં પણ ધ્યાન આપો

અમદાવાદથી ગાંધીનગર જવાના માર્ગે બે થી ત્રણ જગ્યાએ મેટ્રો ટ્રેન કે ઓવરબ્રિજનાં કામ ચાલે છે, પણ આ અગત્યના હાઇ વે પર ભાગ્યે જ પોલીસ ચાર રસ્તાનો ટ્રાફિક હેન્ડલ કરે છે. હજુ બે – ચાર દિવસ પહેલાં જ માનનીય વડાપ્રધાનશ્રી અહીં હતા ત્યારે આખા રસ્તા પર પોલીસ બંદોબસ્ત હતો. આપણે આખા રસ્તા પર બંદોબસ્ત નથી માંગતા પણ રીંગરોડ કે રાજય હાઇ વે પર ચાર રસ્તા પર પોલીસ રહે તેવું ઇચ્છીએ છીએ. વાત માત્ર અમદાવાદ ગાંધીનગર હાઇ વે ની નથી. વાત માત્ર ટ્રાફિક પોલીસની નથી. વાત છે શાસનની, સુશાસનના અનુભવની, ચુંટાયેલા નેતાઓની સતર્કતાની કે જેમના કારણે ઉચ્ચ અધિકારીઓ સતર્ક રહે અને નાનામાં નાનો માણસ કાયદાના શાસનનો અનુભવ કરે! વર્તમાનમાં આપણે જોઇએ છીએ કે રાજકીય પક્ષો વચ્ચે સત્તા માટે પડાપડી થાય છે પણ શાસન માટે સ્પર્ધા થતી નથી.

કોઇને થાય કે સત્તા અને શાસનમાં ફેર શું? વિધ્વાન વ્યાખ્યામાં ન પડીએ તો રાજયના હાઇ વે કે ટ્રેન કે બિલ્ડીંગોના બાંધકામમાં મોટા પાયાની ખરીદીમાં ઓર્ડર કોને આપવા – ધંધો કોને થશે એ નકકી કરવા માટે નેતાઓ જે ઓર્ડર કરે છે તે સત્તા છે. તેમણે સત્તાનો ઉપયોગ કર્યો ગણાય, પણ શાસન કરવું એટલે લખેલા કાયદા મુજબ રોજિંદો વ્યવહાર ચાલે છે કે નહીં તેનું ધ્યાન રાખવું. અધિકારીઓ કાયદાને અતિક્રમીને, પક્ષપાત કરીને કામ નથી કરતા ને! તે જોવું તે શાસન! અહેવાલો જણાવે છે કે ટ્રાફિક પોલીસને માત્ર માસ્ક ન પહેરનારા પાસેથી ચારસો કરોડથી વધુનો દંડ વસુલ્યો છે. હવે માસ્ક પહેરવો જોઇએ, નિયમ છે તો પાળવો જ પડે અને નિયમ તોડો તો દંડ પણ થાય! પણ, આપણા સૌનો અનુભવ છે કે પોલીસ માત્ર વાહન ચાલકો પાસેથી જ માસ્કના દંડ ઉઘરાવે છે. સરકારે કુલ કરેલા દંડમાંથી માંડ વીસ-પચ્ચીસ ટકા દંડ બજારમાં, સમારંભમાં, સિનેમા હોલમાં માસ્ક વગરનાં લોકો પાસેથી ઉઘરાવાયા હશે! યુનિવર્સિટીના કુલપતિની નિમણૂકમાં રસ લેવો તે સત્તાના લાભ છે. પણ શાળા કોલેજોમાં નિયતથી વધારે ફી નથી ઉઘરાવાતી ને, વર્ગખંડ શિક્ષણ બરાબર ચાલે છે? માત્ર કાગળ પર શિક્ષણ સંસ્થા નથી ચાલતી ને? આ સતત તપાસતા રહેવું તે શાસન છે!

હમણાં હમણાંમાં જાહેરમાં હત્યાના બનાવ વધી રહ્યા છે. છેડતી અને બળાત્કારના બનાવ વધી રહ્યા છે. નાણાંકીય ફોડ તો મોટા પાયે થવા લાગ્યા છે. આ બધા જ વધતા ગેરકાયદે કાર્યક્રમોનો ટૂંકસાર એ છે કે તેમને કાયદાનો ડર નથી. શાસનની શિથિલતાનો લાભ શઠ લોકો લે છે અને સામાન્ય માણસ તેનો ભોગ બને છે. આપણા બંધારણના માળખા મુજબ દેશનું શાસન ચુંટાયેલી પાંખ અને વહીવટીય પાંખ સાથે મળીને કરે છે. જેમાં ચુંટાયેલી પાંખ વધારે શકિતશાળી છે કારણ કે તે નીતિવિષયક નિર્ણય કરી શકે છે.  કાયદા ઘડી શકે છે. વહીવટીય પાંખે તો લખાયેલા કાયદા મુજબ રોજિંદું જીવન ચલાવવાનું છે! છેલ્લાં વર્ષોમાં સરકારી ખરીદ-વેચાણ એટલાં વધી ગયાં છે કે નેતાઓએ ચુંટાયેલી પાંખે અધિકારીઓ પાસે નિયમ બહાર જઇને કામ કરાવ્યાં હોય છે. એટલે પછી વહીવટીય પાંખ કાયમ માટે તેનો લાભ લે છે. આપણે આશા રાખીએ કે નેતાઓ સત્તામાં ભોગવટો જે રીતે કરે છે તેવી જ રીતે શાસન માટે પણ પ્રતિબધ્ધ થાય!  
         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top